AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : AMCમાં ‘લાગવગવાળી ભરતી’નો પર્દાફાશ, એક લાખથી વધુ પગાર સાથે સીધી નિમણૂકના આક્ષેપ, જુઓ Video

યુવરાજસિંહ જાડેજાએ AMC-METની ભરતીમાં ગંભીર આરોપો લગાવ્યા છે. તેમના મતે, 150થી વધુ નિમણૂકો લાગવગ-ભલામણથી થઈ છે, જ્યાં જાહેરાત, પરીક્ષા કે રોસ્ટરના નિયમોનું પાલન નથી થયું.

Breaking News : AMCમાં 'લાગવગવાળી ભરતી'નો પર્દાફાશ, એક લાખથી વધુ પગાર સાથે સીધી નિમણૂકના આક્ષેપ, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2026 | 5:26 PM
Share

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ (MET)માં ભરતી પ્રક્રિયાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ AMC તંત્ર પર ગંભીર આક્ષેપો કરતાં દાવો કર્યો છે કે સંસ્થામાં નિયમિત ભરતી પ્રક્રિયાને બદલે લાગવગ અને ભલામણના આધારે મેડિકલ ઓફિસર, આસિસ્ટન્ટ ઓફિસર સહિત ક્લાસ-1 અને ક્લાસ-2 કક્ષાની જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવી રહી છે. તેમના જણાવ્યા અનુસાર, કેટલીક ભરતીમાં ન તો જાહેર જાહેરાત આપવામાં આવે છે, ન તો પરીક્ષા લેવામાં આવે છે કે ન તો રોસ્ટર સહિતની નિયમિત પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે.

ચાલુ વર્ષમાં વધુ 50થી વધુ લોકોને નિમણૂક આપવામાં આવી !

યુવરાજસિંહ જાડેજાના આક્ષેપ મુજબ, છેલ્લા બે વર્ષમાં AMC-MET મારફતે 150થી વધુ લોકોને નોકરી આપવામાં આવી છે. જેમાં વર્ષ 2025-26 દરમિયાન મેડિકલ વિભાગમાં અંદાજે 97 લોકોની ભરતી કરવામાં આવી હોવાનો અને ચાલુ વર્ષમાં વધુ 50થી વધુ લોકોને નિમણૂક આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે ડીનની ભલામણના નામે એડહોક અથવા કોન્ટ્રાક્ટ આધારિત નિમણૂકો કરવામાં આવે છે અને આ પ્રક્રિયા તબક્કાવાર રીતે ચાલી રહી છે. સામાન્ય અને મધ્યમવર્ગના યુવાનો પરીક્ષાઓની તૈયારી કરીને મહેનત કરતા રહે છે, જ્યારે વગદાર વ્યક્તિઓને સીધી નિમણૂક મળી જતી હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે.

આ સમગ્ર મામલે યુવરાજસિંહે બે નિમણૂકોનો ખાસ ઉલ્લેખ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખની દીકરી શારદાબેન હોસ્પિટલમાં ફુલટાઇમ ડેન્ટલ સર્જન તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ પદ માટે તેમને અંદાજે રૂ. 1.25 લાખ માસિક પગાર આપવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ, અન્ય એક યુવતીને એલ.જી. હોસ્પિટલમાં ફુલટાઇમ ડેન્ટલ સર્જન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ છે. યુવરાજસિંહે એક યુવતીના ઉચ્ચ IPS અધિકારી સાથેના સંબંધોનો ઉલ્લેખ કરીને નિમણૂકની પારદર્શિતા સામે સવાલો ઊભા કર્યા છે.

ભરતીના નિયમો અને પસંદગી પ્રક્રિયાની પારદર્શિતાનો અભાવ

યુવરાજસિંહના જણાવ્યા પ્રમાણે, મેડિકલ અને ડેન્ટલ કોલેજમાં ટ્યુટરની જગ્યાઓ માટે એક જાહેરાત આપવામાં આવી હતી, પરંતુ બંને ઉમેદવારો ઇન્ટરવ્યૂમાં સફળ થઈ શક્યા નહોતા. તેમ છતાં બાદમાં તેમને ડેન્ટલ સર્જનની અલગ જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો કે જ્યારે અન્ય ઉમેદવારો ઉપલબ્ધ હોવા છતાં ચોક્કસ વ્યક્તિઓને જ નિમણૂક આપવામાં આવે છે, ત્યારે ભરતીના નિયમો અને પસંદગી પ્રક્રિયાની પારદર્શિતા ક્યાં છે?

આ ઉપરાંત, યુવરાજસિંહે સોશિયલ મીડિયા પર ડેન્ટલ સર્જનના પેઇડ પ્રમોશન સાથે જોડાયેલું પેજ અને મોડેલિંગની રીલ્સનો ઉલ્લેખ કરીને સરકારી સંસ્થાઓમાં નિમણૂક માટે લાગુ પડતા નિયમો અંગે સવાલો કર્યા હતા. તેમણે કહ્યું કે GCSRના નિયમો સામાન્ય ઉમેદવારો માટે કડક રીતે લાગુ કરવામાં આવે છે, તો પછી વગદાર વ્યક્તિઓની ભરતી વખતે આ નિયમોનું પાલન કેમ થતું નથી? ભૂતકાળમાં પણ આ પ્રકારની ફરિયાદો થઈ હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો તેમનો દાવો છે.

બીજી તરફ, આ સમગ્ર મામલે AMC-METના ડાયરેક્ટરે ભરતી પ્રક્રિયાનો બચાવ કર્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નિમણૂકો કાયમી ધોરણે કરવામાં આવી નથી, પરંતુ માત્ર 11 મહિનાના કરાર આધારિત છે. કરાર આધારિત નિમણૂક મેળવનાર કર્મચારીઓને ક્યારેય કાયમી કરવામાં આવતા નથી તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. વધુમાં, બંને મેડિકલ કોલેજોમાં અંદાજે 116 જેટલા તબીબી શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

જોકે, અધિકારીઓના આ ખુલાસા બાદ પણ ભરતી પ્રક્રિયાની પારદર્શિતા અને પસંદગીના માપદંડો અંગે સવાલો યથાવત્ છે. યુવરાજસિંહ જાડેજાએ સમગ્ર ભરતી પ્રક્રિયાની તપાસ કરવાની અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ નિયમો વિરુદ્ધ નિમણૂક થઈ હોય તો સંબંધિત લોકોના પગારની વસૂલાત કરવામાં આવે, હાલના કોન્ટ્રાક્ટ રિન્યૂ ન કરવામાં આવે અને ભવિષ્યમાં તમામ જગ્યાઓ માટે સ્પષ્ટ નિયમો, જાહેર જાહેરાત તથા પારદર્શક પસંદગી પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવે તેવી માગણી કરી છે.

હાલ આ મામલે યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને AMC-METના અધિકારીઓના ખુલાસા વચ્ચે વિવાદ ઊભો થયો છે. જોકે, ભરતીમાં ખરેખર નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહીં તે અંગે સત્તાવાર તપાસ અને દસ્તાવેજી પુરાવા સામે આવ્યા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થઈ શકશે.

ના ડર, ના ચિંતા! 20 ફૂટ લાંબા અજગર સાથે રમી રહ્યા બાળકો, વીડિયો જોઈ લોકો ચોંક્યા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">