ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં (Dhandhuka Kishan Bharwad murder case) ઘેરા પ્રત્યાઘાત પડયા છે. હત્યાકાંડના આરોપીઓને કડક સજા માટે માંગણી કરવામાં આવી રહી છે તે વચ્ચે અખિલ ભારતીય સંત સમિતિ (Akhil Bharatiya Sant Samiti)અને હિન્દૂ ધર્મ સેનાના (Hindu Dharma Sena) સંત મૃતક કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા.
સંતો કિશનના પરિવારને મળવા પહોંચ્યા
તાજેતરમાં પોલીસે હત્યા કેસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. કિશન ભરવાડ હત્યા કેસમાં આર્થિક મદદ કરનાર ધંધૂકાના મતીન મોદન, પોરબંદરમાં સાજન ઓડેદરા હત્યાના ષડયંત્રમાં મદદ કરનાર હુસૈન મિસ્ત્રી અને અમીન સેતાની રિમાન્ડ પર છે. અખિલ ભારતીય સંત સમિતિ અને હિન્દૂ ધર્મ સેનાના સંત કિશનના ઘરે પહોંચ્યા હતા. અખિલ ભારતીય સંત સમિતિ સંયોજન માધવપ્રિય સ્વામી , રામચન્દ્રદાસ મહારાજ , સંત સ્વામી અને શ્યામસુંદર સ્વામી સહીત 100થી વધુ સંત અને સક્રિય યુવાનો કિશન ભરવાડના પરિવારને મળ્યા હતા અને સાંત્વના પાઠવી હતી.
માધવપ્રિય સ્વામીએ ઘટના સંદર્ભે જણાવ્યું હતું કે હિન્દૂ ધર્મના અનુયાયીઓએ જાતિના ભેદભાવ છોડી એકસંપ થઈને રહેવું ખુબ જરૂરી છે. ધર્મના નામે થતી હિંસાઓ હમેશા માઠાં પરિણામ જ સામે લાવી હોય છે જેમાંથી હવે બહાર આવવું જરૂરી છે.
તારીખ 25 જાન્યુઆરીએ અમદાવાદ જિલ્લાના ધંધુકામાં મોઢવાડાના નાકે બાઈક પર આવેલા બે શખસોએ કિશન ભરવાડ પર ફાયરિંગ કર્યું હતું. એક ગોળીથી તો કિશન બચી ગયો પરંતુ બીજી ગોળીએ તેનો જીવ લઈ લીધો. આ હત્યા બાદ ધંધુકા અને આસપાસના વિસ્તારોમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. કિશને એક ફેસબુક પોસ્ટ મૂકી હતી જેમાં ધાર્મિક બાબતોનો ઉલ્લેખ હતો. ફેસબુકની આ પોસ્ટને લઈને આરોપીઓએ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
હત્યાકાંડમાં આતંકવાદ કે અંડરવર્લ્ડ કનેક્શન નહિ
કિશન ભરવાડ હત્યાકાંડના આરોપીઓની પાકિસ્તાની કનેક્શન પોલીસને મળ્યા નથી. ગુજરાત ATSએ ખુલાસો કર્યો છે કે અત્યાર સુધીની તપાસમાં કિશન હત્યાકાંડના 8 આરોપીઓના પાકિસ્તાન સાથે કનેક્શનના કોઇ જ પુરાવા નથી મળ્યા. તો અંડર વર્લ્ડ સાથેના સંબંધોની વાતને પણ તપાસ અધિકારીઓએ રદીયો આપ્યો છે.