
એક મોટી વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો હતો, પરંતુ સૌથી મોટો પડકાર હતો મૃતદેહોની ઓળખ કરવાનો. એર ઇન્ડિયાના વિમાન ક્રેશ પછી મૃતદેહોની સ્થિતિ એટલી ભયાવહ હતી કે DNA પરિક્ષણ વગર તેમને ઓળખવા અશક્ય હતું. આ ગંભીર પરિસ્થિતિમાં, અમદાવાદની BJ મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગની ટીમે અદમ્ય સાહસ અને નિષ્ઠા સાથે દિવસ-રાત કામ કરીને એક અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું.
વિભાગના એચઓડીથી લઈને રેસિડેન્ટ ડોકટરો સુધીના સૌએ અત્યંત મહત્વની જવાબદારી નિભાવી. તેમનો મુખ્ય ધ્યેય એ હતો કે કઈ રીતે ઝડપથી અને સચોટ રીતે DNA સેમ્પલ એકત્રિત કરી શકાય, જેથી મૃતકોના સ્વજનોને વહેલી તકે તેમના પ્રિયજનોના મૃતદેહો મળી શકે. આ ભયાવહ દુર્ઘટના પછી, ટીમે બીજા જ દિવસે સવારે ૬ વાગ્યા સુધીમાં તમામ જરૂરી સેમ્પલ કલેક્ટ કરી લીધા હતા. TV9ની ટીમે જ્યારે આ વોરિયર્સનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે કઈ રીતે તેમણે પોસ્ટમોર્ટમ રૂમમાં જ દિવસ-રાત વિતાવ્યા હતા, પોતાની જરૂરિયાતોને ભૂલીને માત્ર DNAની કામગીરી પૂરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
પ્લેન ક્રેશની ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા, અને તેમની વેદના ઓછી કરવા માટે ડોકટરોની આ ટીમ પડદા પાછળ રહીને તનતોડ મહેનત કરી રહી હતી. ખાધા-પીધા વગર, જમવાનું ભાન ભૂલીને, અનેક દિવસો સુધી તેઓએ અથાક પરિશ્રમ કર્યો જેથી વહેલામાં વહેલી તકે મૃતદેહો તેમના પરિવારોને સુપરત કરી શકાય. ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટના નિષ્ણાતોએ જણાવ્યું કે કેવી રીતે મૃતદેહો આવવાની શરૂઆત થતાં જ તેમણે લેબલિંગનું કામ શરૂ કર્યું. ડિઝાસ્ટર આઈડેન્ટિફિકેશનમાં લેબલિંગ અને ઓળખ સ્થાપિત કરવી એ સૌથી મહત્વનો રોલ ભજવે છે. બોન્સ, ટીથ અને ટિસ્યુમાંથી DNA એક્સટ્રેક્ટ કરીને ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવી. આ સેમ્પલ ખૂબ જ ઓછા સમયમાં એકત્રિત કરીને પોલીસને આપવામાં આવ્યા, જેમાં “ચેઇન ઓફ કસ્ટડી”નું કડક પાલન કરવામાં આવ્યું.
આ કામગીરીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલનો નવો પોસ્ટમોર્ટમ રૂમ આશીર્વાદરૂપ સાબિત થયો. ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટના વડાએ જણાવ્યું કે જો જૂનો PM રૂમ જ અસ્તિત્વમાં હોત, જેની ક્ષમતા માત્ર 10 ટેબલ અને 48 ડેડ બોડી સ્ટોરેજ કેબિનેટ્સની હતી, તો આટલી મોટી સંખ્યામાં મૃતદેહોનું પરિક્ષણ કરવું અને તેમને વ્યવસ્થિત રીતે ગોઠવવા એ અત્યંત મુશ્કેલ કાર્ય બની જાત. નવા PM રૂમનું ઉદ્ઘાટન બાકી હતું, પરંતુ તેની 100થી વધુ બોડી સંભાળવાની ક્ષમતાએ આ આપત્તિમાં નિર્ણાયક ભૂમિકા ભજવી.
ડોકટરોએ તેમની ટીમના સંઘર્ષ વિશે વાત કરતા કહ્યું કે, તેમણે ક્યારેય આટલી મોટી સંખ્યામાં મૃતદેહો જોયા નહોતા. ભેજવાળા વાતાવરણમાં, PM રૂમમાં અસંખ્ય મૃતદેહો પડેલા હોવા છતાં, તેમને વ્યવસ્થિત રીતે લેબલ કરવા, પોસ્ટમોર્ટમ કરવું, ઓળખ કરવી અને મૃત્યુનું કારણ આપી જરૂરી સેમ્પલ લેવા એ અત્યંત પડકારજનક હતું. તેમ છતાં, દોઢ દિવસ સુધી સતત પરીક્ષણ કરીને તેમણે આ કામ પૂર્ણ કર્યું. કામ પૂરું ન થાય ત્યાં સુધી તેમને તેમની બેઝિક જરૂરિયાતો પણ યાદ નહોતી. જ્યારે કામ પત્યું ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમણે કેટલા સમયથી ભોજન પણ લીધું ન હતું. આવા સમયે સંસ્થા અને સરકાર તરફથી મળેલા સહયોગે તેમને પ્રેરણા પૂરી પાડી.
આ અનુભવે ડોકટરોને ઘણું શીખવ્યું. એક ડોકટરે કહ્યું કે એક પિતા પોતાની 3 વર્ષની દીકરી માટે PM રૂમમાં વારંવાર આવીને રડતા હતા, તે દ્રશ્ય આજે પણ તેમને યાદ છે અને તે જોઈને તેમને ભાવનાત્મક આઘાત લાગ્યો હતો. યુવાન ક્રૂ મેમ્બર્સના મૃતદેહો અને બોડી પાર્ટ્સ જોઈને પણ ડોકટરો ભાવનાત્મક રીતે વ્યથિત થયા હતા. આ ઘટનાએ તેમને શીખવ્યું કે કેવી રીતે આવી કટોકટીમાં ટીમ વર્ક કરવું અને માનસિક રીતે તૈયાર ન હોવા છતાં કેવી રીતે કામ કરવું. આ અનુભવે તેમને 10 વર્ષની ટ્રેનિંગ કરતાં પણ વધુ શીખવ્યું. તેઓ ૪૮-૫૦ કલાક સુધી નોનસ્ટોપ ઘટના સ્થળે હાજર રહ્યા અને ત્યારબાદ પણ ૨૦-૨૫ દિવસ સુધી શિફ્ટ વાઇઝ કામ કરતા રહ્યા.
પોસ્ટમોર્ટમ વિભાગ, જ્યાં સામાન્ય રીતે લોકો નાક દબાવીને જાય છે, ત્યાં આ વોરિયર્સ ટીમે તેને પોતાનું ઘર, પોતાની ઓફિસ ગણીને કામ કર્યું. તેમણે ત્યાં જ ભોજન લીધું અને સૌથી ઝડપથી સ્વજનોને તેમના પરિવારજનો સુધી પહોંચાડવાનું આયોજન કર્યું. આ ડોકટરોની નિઃસ્વાર્થ સેવા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે.
અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનાને 1 વર્ષ પૂર્ણ, બ્રિટિશ હાઈ કમિશનર ઘટનાસ્થળે પહોંચ્યા
Published On - 5:39 pm, Fri, 12 June 26