સ્માર્ટ સિટી અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી અનેકવાર પાયાની સુવિધાઓને લઈને ફરિયાદો ઉઠતી રહે છે. વિપક્ષ દ્વારા પણ અવારનવાર પૂર્વ વિસ્તાર સાથે મહાનગરપાલિકા દ્વારા ઓરમાયુ વર્તન રાખવાના આરોપ લાગતા રહ્યા છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં તો આ વિસ્તારની દશા જોવા જેવી થાય છે. જો કે ચોમાસાને બાદ કરતા સામાન્ય દિવસોમાં પણ અહીંના લોકોને પ્રાથમિક કહી શકાય તેવી સુવિધા પણ ન મળતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ખાસ કરીને નારોલ અને લાંભા વિસ્તારમાં પાયાની સુવિધાઓ પણ ન મળતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. એજ કારણે અહીંના સ્થાનિકોએ નારોલ સ્થિત કોર્પોરેશનની ઓફિસ સામે જ ધરણાનો કાર્યક્રમ યોજ્યો. આ ધરણા પ્રદર્શનમાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા.
આ વિસ્તારની મહિલાઓનો આક્ષેપ છે કે લાંબા સમયથી ગટર ભરાવાની સમસ્યા છે, કોર્પોરેશનને અનેક રજૂઆત કરવા છતા કોઈ કામગીરી થતી નથી. ગટર ઉભરાવાને કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે. અન્ય મહિલાની ફરિયાદ છે કે પીવાનું પાણી અને લાઈટની સમસ્યા છે. અનેકવાર રજૂઆત કરવા છતા સમયસર પીવાનું પાણી મળતુ નથી. આ તરફ લારી,ગલ્લાવાળા પણ દબાણ કરી વારંવાર હેરાન કરતા હોવાનો રહીશોનો આરોપ છે. લાંભા વિસ્તારમાં અનેક જગ્યાએ પાકો રોડ ન હોવાથી સ્થાનિકોને હાલાકી પડી રહી છે. અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતા સ્થળ પર મુલાકાત લેવા પણ ડોકાતા ન હોવાની ફરિયાદ સ્થાનિકો એકસૂરે કરી રહ્યા છે.
આ તરફ કોંગ્રેસનો પણ આક્ષેપ છે કે વિકાસના મોટા મોટા કામો માત્ર પશ્ચિમ વિસ્તારમાં જ કરવામાં કોર્પોરેશનને રસ છે. જ્યારે પૂર્વ વિસ્તારના લોકોને પાયાની સુવિધા આપવામાં પણ તંત્ર ઉણુ ઉતરે છે. મોટા મોટા વિકાસની બણગા ફુંકતા કોર્પોરેશનના અધિકારીઓને પૂર્વ વિસ્તારના આ લોકોની સમસ્યાઓ કેમ દેખાતી નથી. તેવો સવાલ પણ કોંગ્રેસ દ્વારા તંત્રને કરવામાં આવ્યો છે. વિકાસની મોટી મોટી ગુલબાંગો વચ્ચે લાંભા-નારોલ વોર્ડના લોકો પ્રાથમિક સુવિધા માટે પણ રઝળતા હોવાનું સામે આવ્યું. નારોલ-લાંભામાં ન તો પાકો રસ્તો છે. ન તો ગટરની સુવિધા, ડ્રેનેજ લાઈનનો અભાવ અને પીવાનું પાણી પણ દૂષિત આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. આ સમસ્યાનો ઉકેલ આવે છે કે ઉપેક્ષા સેવવામાં આવે છે તે જોવુ રહ્યુ.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 2:35 pm, Thu, 19 December 24