
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા થોડા ધીમા પડ્યા છે. છેલ્લા બે દિવસથી વાતાવરણ પણ ખુલ્લુ થયુ છે અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભરાયેલા પાણી પણ ઓસરી ગયા છે. જોકે, ચાંદલોડિયા રેલવે અંડરપાસ આખેઆખો હજુ પાણીમાં ગરકાવ છે. અહીં વરસાદી પાણીની સાથે ગટરના પાણીનો પણ ભરાવો થઈ રહ્યો છે. ચાંદલોડિયા અંડર પાસની સામે જ આવેલી ઉમિયા તીર્થ સોસાયટીની ગટરલાઈનમાં લીકેજ હોવાને કારણે ગટરના પાણીનો ભરાવો પણ આ ગરનાળામાં થઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી આ અંડરપાસ પાણી ભરાયેલા હોવાથી અવરજવર માટે બંધ થયો છે.
રેલવે અંડર પાસમાં છેલ્લા કેટલાય દિવસોથી પાણીમાં ગરકાવ છે પરંતુ તંત્રના કોઈ જ અધિકારી અહીં ફરક્તા પણ નથી. સ્થાનિકોની રજૂઆતો પણ તંત્રના બહેરા કાને અથડાઈને રહી જાય છે અને સમસ્યાનો કોઈ જ ઉકેલ આવતો નથી. દર ચોમાસાએ આ ગરનાળામાં આ જ પ્રકારે પાણી ભરાઈ જાય છે અને કેટલાય દિવસો આ જ પ્રકારે આ ગરનાળુ ભરાયેલુ રહે છે. જ્યા સુધી 15 થી 20 વખત રજૂઆતો કરવામાં ન આવે ત્યાં સુધી નઘરોળ તંત્ર દ્વારા અહીં કોઈ કામગીરી કરવામાં આવતી નથી.
હાલ ગટરલાઈન પણ તૂટી ગઈ હોવાથી ભયંકર દુર્ગંધ, અસહ્ય ગંદકી અને ભારે દુર્દશાથી આસપાસના લોકો ત્રાહિમામ છે. નિયમિત ટેક્સ ભરતા આ વિસ્તારના લોકો તંત્રને પૂછી રહ્યા છે કે કોર્પોરેશનની ચૂંટણી સમયે દિવસમાં ચાર-ચાર વાર આ જ વિસ્તારમાં આંટો મારી જતા કોર્પોરેટરો અત્યારે પરિસ્થિતિ જોવા પણ કેમ ડોકાતા નથી? ચૂંટણીઓ સમયે આ વિસ્તારની એકે-એક સોસાયટીમાં ફોટા સાથેના બેનરો લગાવવા માટે આવી જતા કોર્પોરેટરો અત્યારે તેમની સમસ્યા જોવા કેમ નથી આવતા?
સ્થાનિકો સ્પષ્ટ જણાવી રહ્યા છે કે ચાંદલોડિયા રેલવે અંડર પાસમાં પાણી ભરાવાની સમસ્યા માત્ર ચોમાસા પુરતી સીમિત નથી. અહીં ગટર ઉભરાવાની કાયમી સમસ્યા છે. જેના કારણે સામાન્ય દિવસોમાં વગર વરસાદે પણ ગમે ત્યારે ગરનાળામાં પાણી ભરાઈ જાય છે અને વાહનચાલકોને ફરીને જવુ પડે છે. બીજી તરફ પાણીના નિકાલની કોઈ સુવિધા ન હોવાથી માત્ર અડધા ઈંચ વરસાદમાં પણ આ રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જાય છે .ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.
હાલ કોર્પોરેશન દ્વારા અહીં પાણી ઉલેચવા માટે શોભાના ગાંઠિયા સમાન પંપ તો મુકાયા છે પરંતુ છેલ્લા એક સપ્તાહથી અહીં એક બાલ્ટી પણ પાણી ઓછુ થયુ નથી. ઓછામાં પુરુ ગટર ઉભરાવાના કારણે પાણીનો સતત ભરાવો થઈ રહ્યો છે અને ગરનાળાની સામેની સોસાયટીની ગેઈટ સુધી પાણી પહોંચી ગયા છે. હાલ તો પારાવાર ગંદકીને કારણે નાના બાળકો પણ બીમાર પડી રહ્યા છે. બીજી તરફ ગરનાળામં 10-10 ફુટ સુધી પાણી ભરાયેલા છે, ત્યારે સ્થાનિકોએ તેમના નાના બાળકોનું પણ ખૂબ ધ્યાન રાખવુ પડે છે. નાનુ બાળક રમતુ-રમતુ ગરનાળામાં જઈ ચડે તો જીવનું પણ જોખમ રહેલુ છે. ત્યારે તંત્ર સત્વરે આ રેલવે ગરનાળાનું પાણી ઉલેચવાની કામગીરી તેવી માગ કરી રહ્યા છે.
Published On - 5:04 pm, Mon, 27 July 26