Ahmedabad: રાજ્યમાં ડ્રોપ આઉટ રેટ ઘટાડવા સરકાર હવે લાવી રહી છે સ્ટેટ ઓપન સ્કૂલિંગ વ્યવસ્થા, ધોરણ 9થી 12ના વિદ્યાર્થીને મળશે લાભ
Ahmedabad: જે વિદ્યાર્થીઓએ શાળા અધવચ્ચે છોડી દીધી હોય અથવા તો ક્યારેય શાળાએ જ ગયા નથી તેવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) વ્યવસ્થા રાજ્યનું શિક્ષણ વિભાગ લાવી રહ્યુ છે. જેમાં વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરી શકશે. અત્યાર સુધી ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલિંગમાં ફક્ત બોર્ડની પરીક્ષાની જ જોગવાઈ હતી. જો કે હવે GSOSમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને પણ શિક્ષણ મળી રહેશે.
Ahmedabad: રાજ્યમાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેટ ઘટાડવા રાજ્યના શિક્ષણ વિભાગે પ્રયાસો હાથ ધર્યા છે. કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ડ્રોપ આઉટ રેટમાં વધારો થવાની અને ધોરણ 8 અને ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભણવાનું છોડી દેતા હોવાની ગંભીર ફરિયાદો આંકડા સાથે રજૂ કરાયા બાદ સરકાર જાગી છે અને ડ્રોપ આઉટ રેટ ઘટાડવા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલિંગ લાવી રહી છે. કોઈપણ સરકારી, ગ્રાન્ટેડ કે ખાનગી શાળામાં નિયમિત વિદ્યાર્થી તરીકે હાલ નોંધાયેલા ન હોય અને માધ્યમિક કે ઉ.માધ્યમિકને અભ્યાસ કરવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓ GSOSમાં રજિસ્ટર્ડ વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરી શકશે.
વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેટ ઘટાડવા સરકાર લાવી GSOS- શું છે GSOS ?
રાજ્યમાં વિવિધ કારણોસર વિદ્યાર્થીઓ અભ્યાસ અધૂરો છોડી દેતા હોય છે. આવા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા નેશનલ ઓપન સ્કૂલિંગની જેમ વર્ષ 2010માં સ્ટેટ ઓપન સ્કૂલિંગની વ્યવસ્થા શરૂ કરવામા આવી હતી. સ્ટેટ ઓપન સ્કૂલ એ એક પ્રકારે બોર્ડ જ ગણાતુ હોય છે. તે અંતર્ગત વિદ્યાર્થી સ્કૂલે ગયા વિના ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષા આપી શકે છે. પરંતુ હવે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ હેઠળ વિદ્યાર્થી ધોરણ 9 અને ધોરણ 12નો અભ્યાસ પણ વિનામૂલ્યે કરી શકશે. જે માટે તાલુકામાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને સ્ટડી સેન્ટરની પણ મંજૂરી અપાશે. ધોરણ 12માં માત્ર સામાન્ય પ્રવાહની જ પરીક્ષા ઓપન સ્કૂલિંગમાં આપી શકાય છે.
સ્ટેટ ઓપન સ્કૂલ અંતર્ગત વિદ્યાર્થી ધોરણ 9થી12નો અભ્યાસ કરી શકશે
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં નિયમિત વિદ્યાર્થી તરીકે દાખલ થવા ઈચ્છતા ન હોય તેવા વિદ્યાર્થીઓને પણ શિક્ષણ પુરુ પાડવા માટે શિક્ષણ વિભાગે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS)ની ઉચ્ચતર માધ્યમિક સ્કૂલની કાર્યપદ્ધતિમાં સુધારા માટેનો મહત્વનો ઠરાવ કર્યો છે. જે મુજબ હવે સ્ટેટ ઓપન સ્કૂલ હેઠળ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આપવા ઉપરાંત વિદ્યાર્થી ધોરણ 9થી12નો અભ્યાસ પણ કરી શકશે.
સરકારના ઠરાવ મુજબ કોઈપણ સરકારી, ગ્રાન્ટેડ કે પ્રાઈવેટ સ્કૂલમાં નિયમિત વિદ્યાર્થી તરીકે હાલ નોંધાયેલા ન હોય છતા માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક- સામાન્ય પ્રવાહનો અભ્યાસ કરવા માગતા હોય તેવા વિદ્યાર્થી તેમજ ક્યારેય શાળાએ ન ગયા તેવા અથવા શાળામાં દાખલ થયા બાદ અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો હોય તેવા વિદ્યાર્થીઓ હવે સ્ટેટ ઓપન સ્કૂલ હેઠળ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરી શકશે. ઓપન સ્કૂલ હેઠળ અભ્યાસ માટે કોઈ રજિસ્ટ્રેશન ફી લેવામાં આવશે નહીં. અને તમામ અભ્યાસ નિ:શુલ્ક રહેશે.
ઓપન સ્કૂલિંગ માટે માધ્યમિક સ્કૂલને સ્ટડી સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવશે
ધોરણ 9 થી 12માં નોંધણી કરાવવા વિદ્યાર્થીએ પોતાના ઘરની નજીક આવેલ સરકારી કે ગ્રાન્ટેડ માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક સ્કૂલનો સંપર્ક કરી શકશે. ઓપન સ્કૂલિંગના અભ્યાસ માટે રાજ્યના દરેક તાલુકામાં જે તે તાલુકામાં ચાલતી એક માધ્યમિક સ્કૂલને સ્ટડી સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવશે અને આ સ્ટડી સેન્ટરની પસંદગીમાં મોડેલ સ્કૂલ્સ, RMSA (રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન) સ્કૂલ્સ અને સરકારી સ્કૂલને પ્રાથમિક્તા મળશે. જે ગામમાં ધોરણ 9થી12 માં ઓપન સ્કૂલિંગ હેઠળ રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓની સંખ્યા 10થી વધુ થાય તો નજીકની માધ્યમિક સ્કૂલને સ્ટડી સેન્ટર ઉપરાંત સપોર્ટ સેન્ટરની માન્યતા અપાશે. જો નજીકમાં માધ્યમિક સ્કૂલ ન હોય તો પ્રાથમિક સ્કૂલને જે તે તાલુકાના સ્ટડી સેન્ટરની માન્યતા અપાશે.
આ પણ વાંચો: G20 Summit: જો બાઇડનની મુલાકાત ભારત માટે શુભ સંકેત, હટશે ઘણા પ્રતિબંધો, અમેરિકી સંસદમાં રજૂ થયો આ કાયદો
વધુ વિદ્યાર્થી આવે તેવી જવાબદારી શિક્ષક- આચાર્યની
પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાંથી અભ્યાસ અધવચ્ચે છોડી દેનારા વિદ્યાર્થીઓને ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલનો લાભ મળે તે માટે આવા વિદ્યાર્થીઓ સામે ચાલીને શોધી અને તેમના વાલીઓને માહિતગાર કરી નોંધણી કરાવવા માટે વિશેષ પ્રયાસ શાળાના શિક્ષકો અને મુખ્ય શિક્ષકો કરશે, બ્લોક રિસોર્સ સેન્ટર દ્વારા આવા વિદ્યાર્થીઓની નોંધણી ચાઈલ્ડ ટ્રેકિંગ નંબરનો ઉપયોગ કરી પોર્ટલ પર કરવાની રહેશે. પ્રાથમિક સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને માધ્યમિક સ્કૂલ વ્યવસ્થાપન સમિતિ સ્ટેટ ઓપન સ્કૂલિંગમાં રજિસ્ટ્રેશન કામગીરી માટે સક્રીય યોગદાન આપશે. DDO ખાતે કાર્યરત વર્ગ-2ના અધિકારીઓ પૈકી એક અધિકારી સ્ટેટ ઓપન સ્કૂલિંગના અમલીકરણ માટે નોડલ અધિકારીની કામગીરી કરવાની રહેશે.
રજિસ્ટ્રેશન માટેની લાયકાત
- ધોરણ 9 માટે જે તે વર્ષની પહેલી જૂનના રોજ 13 વર્ષ પૂર્ણ થયા હોવા જોઈએ
- ધોરણ 10 માટે જે તે શૈક્ષણિક વર્ષની પહેલી જૂનના રોજ 14 વર્ષ પૂર્ણ થયા હોવા જોઈએ
- ધોરણ 11 સામાન્ય પ્રવાહ માટે ધોરણ 10 પાસ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે ધોરણ 10 પાસ કરેલુ હોવુ જોઈએ
- પરીક્ષા વર્ષથી ઉચ્ચતર માધ્યમિક બોર્ડ પરીક્ષા સુધી બે વર્ષનો સમયગાળો થતો હોય તેવા વિદ્યાર્થી
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો