હજુ થોડા દિવસ પહેલા અમદાવાદના કાલુપુર સ્વામીનારાયણ મંદિરના કોટેશ્વર ગુરુકૂળના સ્વામી હોટેલમાં મહિલા સાથે હરતા ફરતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો, આ ઘટના બાદ સ્વામીનારાયણ સંપ્રદાયમાંથી સ્વામીને બરતરફ કરવામાં આવ્યા હતા. હજુ આ વિવાદ શમ્યો નથી ત્યાં વધુ એક સ્વામીનારાયણના આચાર્ય દ્વારા બેફામ વાણી વિલાસનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો પણ અમદાવાદના કાલુપુર સ્વામીનારાયણ મંદિરના આચાર્યનો જ છે. મંદિરના ગાદિપતિ કૌશલેન્દ્ર પાંડેનો ઉશ્કેરીજનક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ વાયરલ વીડિયોમાં તે સ્ટેજ પર સંબોધન કરી રહ્યા છે, જેમા તેઓ સ્પષ્ટપણે હરિભક્તોને ઉશ્કેરણી જનક ભડકાઉ ભાષણ આપી રહ્યા છે, જેમા તેઓ મારો-કાપોની વાત કરતા પણ જોવા મળે છે. તેઓ કહે છે “‘આપણા પાંગળા નથી થવાનું. આપણે ફરિયાદી નથી થતા, તોહમતદાર જ થઇએ છીએ. સેલ્ફ ડીફેન્સમાં ગોળી ચલાવે તો પણ માણસ છુટી જાય છે. એવી ફરિયાદ મારી પાસે આવી જોઇએ કે તમે ટીચીને આવ્યો છો અને ટીચ જો. હું છુટ આપુ છું. યુવક મંડળના છોકરાઓએ બાંયો ચડાવવાની છે. ઉત્તર ગુજરાતના એક ગામમાં કોઇ સંપ્રદાયના સાહિત્યનું વેચાણ કરવા માટે વાનમાં કેટલાંક લોકો આવ્યા હતા. ત્યારે મે હરિભક્તોને બોલાવીને કહ્યું હતું કે પેલા સાહિત્ય વાળાને કહી દો કે તને 30 સેકન્ડ આપીએ છીએ. અહીથી ઉઠ નહીંતર સળગાવી નાખીશુ. હરિભક્તો દીવાસળી ઘાસલેટ લઇને ગયા હતા. વાન વાળો 15 સેકન્ડમાં ભાગી ગયો. બોર્ડર પર ટીચકા મારતો હોય ત્યારે બ્રહ્માસ્ત્ર છોડીએ અને આપણે બ્રહ્માસ્ત્ર છોડવાનું છે. કેટલાય લાઇનમાં છે. અને સરખા નહી ચાલે તો બધાય જશે”
અમદાવાદના સૌથી મોટા સ્વામીનારાયણ મંદિરના ગાદિપતિના મુખેથી આવા હિંસાને પ્રેરતા શબ્દો નીકળવા કેટલા અંશે વાજબી છે? તેઓ ખુલ્લેઆમ હરિભક્ત યુવકોની ઉશ્કેરણી કરી રહ્યા છે. આચાર્યની પદવી મેળવેલા આ સ્વામીના મુખેથી આવી ભડકાઉ ઉશ્કેરણીનો વીડિયો સામે આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. હવે સ્વામીનારાયણ સંપ્રદાય આવા ભડકાઉ નિવેદન કરનાર સ્વામી સામે શું કાર્યવાહી કરે છે તે જોવુ રહ્યુ.
આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદ પાંડેનો આ વાયરલ થયેલો વીડિયો અડાલજમાં યોજાયેલી શિક્ષાપત્રીના 200 વર્ષની ઉજવણી સમયનો હોવાની શક્યતા છે. અમદાવાદના કાલુપુર ગાદીના આચાર્ય જેવા મોટા પદે રહેલા સ્વામીના મુખેથી આ પ્રકારનો ભડકાઉ શબ્દોથી મંદિર વિવાદનું કેન્દ્ર બન્યુ છે.
Input Credit- Mihir Soni- Ahmedabad
Published On - 5:02 pm, Sat, 28 February 26