શ્રાવણના તહેવારો બાદ રાજ્યમાં ગણેશ ઉત્સવની (Ganesh utsav) ધૂમ મચી જતી હોય છે. ત્યારે આ વર્ષે મૂર્તિકારો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહત્વની જાહેરાત કરી હતી અને મૂર્તિઓની ઉંચાઈ અંગેના નિયંત્રણ હટાવી લેવાની ઘોષણા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) મહત્વપૂર્ણ તેમજ ગણેશ મૂર્તિકારોની રોજગારીને ટેકો આપતો નિર્ણય કરતા આગામી ગણેશોત્સવ દરમ્યાન સ્થાપના કરવામાં આવનારી ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પરના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે. જોકે કોરોનામાં રાહત મળતા હવે મુખ્યમંત્રીએ આ નિયંત્રણ હટાવ્યા છે અને હવે ગમે તેટલી ઊંચાઈ સાથે મૂર્તિકાર મૂર્તિ બનાવી શકે તેવી જાહેરાત કરી છે. જે જાહેરાત થતાં મૂર્તિકારોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે. તેમજ પહેલાની જેમ હવે 10 ફૂટ કે તેનાથી વધુ ઉંચાઈવાળી મૂર્તિ આ જાહેરાત બાદ ગણેશ (Ganesh Murti) પર્વમાં જોવા મળશે. મૂર્તિકારો આ નિર્ણયથી ખુશ થયા છે, પરંતુ આ નિર્ણય વહેલો લેવાયો હોત મૂર્તિકારોને વધુ ફાયદો થાત તેમ મૂર્તિકારોએ જણાવ્યું હતું.
આ નિર્ણયથી ગણેશ મૂર્તિ બનાવતા મૂર્તિકારો ખુશખુશાલ જણાયા હતા અને તેમણે જણાવ્યું હતું કે આ જાહેરાતથી લોકો વિશાળ અને ઉંચી મૂર્તિની સ્થાપના કરી શકશે, તેનાથી મૂર્તિ બનાવતા કારીગરોને સીધો ફાયદો થશે અને આર્થિક રોજગારી પણ વધશે. જેના લીધે કોરોના સમયે થયેલા નુકસાનની થોડીઘણી ભરપાઈ પણ થશે. જોકે દોઢ મહિના પહેલા આ જાહેરાત કરતા ક્યાંક થોડી નારાજગી પણ જોવા મળી. કેમ કે દોઢ મહિનાના સમયમાં લોકોની ડિમાન્ડને પહોંચી વળવું અઘરું બનશે તેવું એસોસિએશને જણાવ્યું. જોકે તેમ છતાં લોકોની ડિમાન્ડને પહોંચી વળવા કારીગરોએ તૈયારી બતાવી છે. જેથી તેઓ કમાણી કરી શકે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તાર ખાતે 5 હજારથી વધારે કારીગર જ્યારે ગુજરાતના મળી 15 હજારથી વધારે મૂર્તિકારો છે. જે તમામને જાહેરાતથી સીધો ફાયદો થશે. તેમજ કોરોનામાં પડેલી નુકશાની પણ સરભર થઈ શકશે. જોકે લોકોએ ગણેશજીની મૂર્તિ બનાવવા તથા તેના વિસર્જન અંગે કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાગુ કરવામાં આવેલા માર્ગદર્શક સૂચનોનો અમલ કરવાનો ફરજિયાત રહેશે.
રાજ્યમાં શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે, ત્યારે ગણેશચર્તુથી ઉત્સવ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં મોટી સંખ્યામાં સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા જાહેરમાં ગણેશ સ્થાપન કરવામાં આવે છે અને વ્યક્તિગત ગણેશ સ્થાપન પણ અનેક લોકો-પરિવારો પોતાના ઘરોમાં કરતા હોય છે. વર્ષ 2021ના ગણેશોત્સવમાં કોવિડ-19ની સ્થિતીને ધ્યાને લઈને આવા જાહેર સ્થળો તથા વ્યક્તિગત ઘરોમાં ગણેશ સ્થાપનમાં મૂર્તિની ઊંચાઈની મર્યાદા રાખવામાં આવેલી હતી. જેમાં જાહેર સ્થળોએ થતા ગણેશ સ્થાપનમાં 4 ફૂટની ઊંચાઈ તથા ઘરમાં 2 ફૂટની ઊંચાઇની ગણેશ મૂર્તિની સ્થાપના કરવાની મર્યાદા નિર્ધારીત થયેલી હતી.