અમદાવાદમાં ચોમાસાની સિઝનના પહેલા વરસાદમાં જ સમગ્ર શહેરમાં ઠેકઠેકાણે પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. છેલ્લા બે દિવસમાં અમદાવાદમાં પડેલા સામાન્ય વરસાદમાં એકપણ વિસ્તાર એવો નથી જ્યા પાણી ન ભરાયા હોય. ચાહે એ પૂર્વનો વિસ્તાર હોય કે વિકસીત, ડેવલપ્ડ ગણાતા પશ્ચિમનો વિસ્તાર. તમામે તમામ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાવાની સમસ્યા હવે જાણે સામાન્ય બની ગઈ છે. શહેરના કઠવાડા વિસ્તારની વાત કરીએ તો છેલ્લા કેટલાય વર્ષોથી દર ચોમાસામાં અહીં પાણી ભરાવાની સમસ્યા છે પરંતુ તંત્ર દ્વારા માત્ર વચનો અપાય છે પરંતુ સમસ્યાનું સમાધાન લાવવામાં આવતુ નથી. અહીં દર ચોમાસામાં આસપાસની ઈન્ડસ્ટ્રીની ગટરોના બેક મારતા પાણી સોસાયટીમાં ભરાઈ જાય છે. પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી અને આટલા વર્ષોમાં પણ નઠારા એએમસીના ઈજનેરો આ બેક મારતા પાણીના ડ્રેનેજનો કોઈ રસ્તો શોધી શક્યા છે.
અમદાવાદ મનપા દ્વારા નફ્ફટાઈપૂર્વક સ્માર્ટ સિટીના દાવા તો બહુ થાય છે પરંતુ વાસ્તવિક્તા તેનાથી તદ્દન જુદી છે. દર વર્ષો પ્રિમોન્સુન કામગીરીના નામે કરોડો રૂપિયાના બજેટ પાસ કરાવતી મનપાની એક ટકા પણ કામગીરી જમીન પર દેખાતી નથી અને લાચાર અમદાવાદીઓ પાસે આ દુર્દશા સહન કર્યા સિવાય કોઈ રસ્તો નથી.
અહીં આવેલી મધુમાલતી સોસાયટીના એપાર્ટમેન્ટમાં પુષ્કળ પાણી ભરાઈ જતા લોકોને આવાગમન માટે પારાવાર હાલાકી સહન કરવી પડી રહી છે. અહીં બોટનો સહારો લઈને આવનજાવન કરવી પડે તેવી સ્થિતિ છે. ન માત્ર વરસાદી પાણી પરંતુ ગટરોના દુર્ગંધ મારતા પાણીનો ભરાવા થતા અહીં રહેતા સ્થાનિકો નર્કાગારની સ્થિતિમાં જીવવા મજબુર બન્યા છે. સોસાયટીના પહેલા માળ પર રહેતા લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. આ પાણી બહાર કાઢવાની જહેમતમાં એક વ્યક્તિ બેભાન થઈ જતા તેનુ મૃત્યુ પણ નિપજ્યુ છે. દુર્ગંધયુક્ત પાણીના કારણે વ્યક્તિ બેભાન થઈ ગયા અને પાણી ભરાયેલા હોવાને કારણે એમ્બ્યુલન્સ સોસાયટી સુધી પહોંચી ન શકી. જેના કારણે બેભાન વ્યક્તિને હાથરિક્ષામાં સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ હોસ્પિટલ પહોંચે ત્યા સુધીમાં તો વ્યક્તિએ દમ તોડી દીધો હતો. સવાલ એ છે કે આ મોત માટે જવાબદાર કોણ? નિયમિત ટેક્સ ભરતી જનતા આખરે ક્યાં સુધી આ પ્રકારે દુર્દશા સહન કરતી રહેશે અને દર ચોમાસાએ તેમને નરક કરતા પણ બદ્દતર સ્થિતિમાં રહેવુ પડશે?
હાલાકીની હદ એ તો છે કે વરસાદ રોકાયાના 12 કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી. કઠવાડા GIDC અને મધુમાલતી આવાસમાં ઠેર-ઠેર ભરાયેલા પાણી બે દિવસ બાદ પણ ઓસર્યા નથી. આવાસના તમામ 18 બ્લોકમાં 3 થી 4 ફુટ
પાણી ભરાયા છે. અવરજવર માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો છે. સ્થાનિકો જણાવે છે કે પૂર્વ CM વિજય રૂપાણીએ અહીં જાત નિરીક્ષણ કરી સમસ્યાનું સમાધાન લાવવાની બાંહેધરી આપી હતી, જે આજે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પણ કોઈ નિરાકરણ આવ્યુ નથી.
પ્રિમોન્સુન કામગીરીના નામે મોટા મોટા પ્લાન પાસ કરી કરોડોના બજેટ તો પાસ કરી દેવાય છે પરંતુ વર્ષોની સમસ્યાનું સમાધાન કેમ નથી આવતુ? હાલ આ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી અતિશય દુર્ગંધયુક્ત પાણી ભરાયેલા છે. બહાર નીકળો તો પણ શ્વાસ ન લઈ શકો તેવી સ્થિતિમાં અહીંના લોકો રહે છે છતા તંત્ર દ્વારા તેમની તરફ કોઈ જ મદદ પહોંચાડવામાં આવી નથી. લાચાર લોકો અવરજવર માટે ટ્રેક્ટરનો સહારો લઈ રહ્યા છે. સ્થાનિકોનું કહેવુ છે કે દર વર્ષે પાણી ભરાયા બાદ કામ ચાલી રહ્યુ હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ આટલા વર્ષો બાદ પણ કામગીરી પુરી થઈ નથી.