Ahmedabad : રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓની બે દિવસની હડતાળ, ખાનગીકરણ મામલે વિરોધ

| Edited By: | Updated on: Dec 16, 2021 | 4:09 PM

16 ડિસેમ્બરે ગુરુવાર, 17 ડિસેમ્બરે શુક્રવાર એમ બે દિવસ બેન્કોની હડતાળ છે. 18 ડિસેમ્બરે શનિવારે બેન્કિંગ કામકાજ ચાલુ રહેશે, 19 ડિસેમ્બરને રવિવાર હોય બેન્ક બંધ રહેશે.

રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. બેંકના ખાનગીકરણને અટકાવવા અધિકારીઓ અને કર્મચારીઓએ હડતાળનો માર્ગ પસંદ કર્યો છે. કર્મચારીઓએ ખાનપુર જેપી ચોકથી આશ્રમ રોડ વલ્લભ સદન સુધી રેલી કાઢી પોતાનો વિરોધ નોંધાવ્યો. ગુજરાતમાં 4800 શાખાના 70 હજાર કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. હડતાળ પર ઉતરનાર કર્મચારીઓએ ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.કર્મચારીઓની આ હડતાળને પગલે 20 હજાર કરોડના વ્યવહાર પર અસર પડશે.આ પહેલા પણ કર્મચારીઓ આ માંગ સાથે હડતાળ કરી ચૂક્યા છે.

સરકારી બેન્કોના ખાનગીકરણને લઇ સરકાર વિરૂદ્ધ દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મીઓએ બે દિવસ બેંક બંધનું એલાન આપ્યું છે.ત્યારે રાજકોટમાં પણ બે દિવસ બેંકોની હડતાળ છે.પરાબજાર વિસ્તારમાં બેંક ઓફ ઇન્ડિયાની બ્રાંચ ખાતે બેંક કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.બેંક કર્મચારીઓએ મોટી સંખ્યામાં એકઠા થઇ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

ગુરુ, શુક્ર અને રવિ 3 દિવસ બેંકો બંધ રહેશે
16 ડિસેમ્બરે ગુરુવાર, 17 ડિસેમ્બરે શુક્રવાર એમ બે દિવસ બેન્કોની હડતાળ છે. 18 ડિસેમ્બરે શનિવારે બેન્કિંગ કામકાજ ચાલુ રહેશે, 19 ડિસેમ્બરને રવિવાર હોય બેન્ક બંધ રહેશે. હડતાળ અંગે યુનિયનના હોદ્દેદારોએ જણાવ્યું કે, હાલ બેન્કોમાં લગભગ વર્ષે 1 લાખ નવી ભરતી કરે છે તે બંધ થઈ જશે, અનામત પ્રથા નાબૂદ થશે, બેકારી અને બેરોજગારીમાં વધારો થશે. બેન્ક કર્મચારીઓ સરકારની આ પગલાનો વિરોધ કરી રહ્યાં છે. સરકારના આ પગલાંના વિરોધમાં 2 દિવસ હડતાળ પાડવામાં આવશે.