અમદવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ વિસ્તારમાં એક યુવકનું અપહરણ થયું હોવાની ઘટના બની હતી. જોકે પરિવારજનોને અગાઉથી જ યુવકનું અપહરણ શા માટે અને કોને કર્યું તેની શંકા હતી. જેથી પરિવારજનોએ પોલીસને સમગ્ર મામલાની જાણ કરતા સાબરમતી પોલીસે સીસીટીવી અને અન્ય જાણકારીને આધારે યુવકને છોડાવી લીધો હતો.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો મોહિત ઠાકોર નામના યુવકનું ગુરુનાર રાત્રે કેટલાક શખ્સોએ સાબરમતી વિસ્તારમાં આવેલા પાવર હાઉસ નજીકથી અપહરણ કર્યું હતુ.પરિવારને સમગ્ર ઘટનાની જાણ થતા જ પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.
આ સાથે જ જ્યારે અપરણ થયુ ત્યારે 1 લાખ આપી યુવકને છોડાવી જજો તેવી જાણ કરવામાં આવી હતી. જેથી યુવકના પરિવારના સભ્યો પોલીસમાં સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. સાબરમતી પોલીસની ટીમે માત્ર 2 કલાકમાં આરોપીને શોધી ભોગ બનનારને મુક્ત કરાવ્યો હતો. તેમજ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ભોગ બનનાર અને પકડાયેલા આરોપીઓ રાહુલ ઠાકોર, સંજય ઠાકોર, જીગર ઠાકોર અને રાકેશ ઠાકોર પરિચિત હતા. બે વર્ષ પહેલાં મોહિત અને આરોપીના સ્વજન વચ્ચે એક અકસ્માત થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જે મામલે કોર્ટ કેસ પણ ચાલતો અને વીમો ક્લેઇમ પણ કર્યો હતો. જે કેસમાં વળતર મામલે તકરાર ચાલતી હતી. તેમજ આરોપી પણ જાણતા કે મોહિત ક્યાં રહે છે અને તે ડ્રાઈવિંગનો વ્યવસાય કરે છે. જેથી આરોપી પરિચિત હોવાથી સાબરમતી પાવર હાઉસ પાસેથી તેનું અપહરણ કરી લીધું.
જોકે પોલીસ સામે આરોપીઓનો પ્લાન બહુ સમય ન ચાલ્યો અને પરિવાર પાસેથી મળેલી વિગત, ઘટના સ્થળ પાસેના cctv અને મોબાઈલ લોકેશન પરથી તેઓ ઝડપાઇ ગયા અને ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો. મોહિત હેમખેમ પરત ફરતા પરિવાર અને પોલીસે રાહતનો શ્વાસ પણ લીધો. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ અપહરણની ઘટનામાં અન્ય કોઈ સંડોવાયેલુ છે કે કેમ અને અકસ્માતને લઈને જ અપહરણ કરવામાં આવ્યું કે અન્ય કોઈ કારણ છે તેની પણ તપાસ હાથ ધરી છે.