અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં 2જી જાન્યુઆરીના બપોરના સમયે કનકપુરા જ્વેલર્સમાં ચાર અજાણ્યા લોકો દ્વારા લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. ચારેય અજાણ્યા લોકો હેલ્મેટ તથા રૂમાલ બાંધીને દુકાનમાં પ્રવેશ્યા હતા અને પિસ્તોલ બતાવી જવેલર્સમાં રહેલા બે વ્યક્તિઓને ઓફિસમાં બેસાડી દઈ તેમના હાથ પગ બાંધી દુકાનમાં રહેલા સોના ચાંદીના 73 લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી નાસી ગયા હતા. ઘટનાની જાણ થતા બોપલ પોલીસ સહિત પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
પોલીસ દ્વારા આરોપીઓ સુધી પહોંચવા અલગ અલગ 10 જેટલી ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા જે વિસ્તારમાં આરોપીઓ લૂંટ કરીને ભાગ્યા હતા તે વિસ્તારના તમામ કન્સ્ટ્રક્શન સાઇડ પર મજૂરોની તપાસ શરૂ કરી હતી તેમજ બોપલ વિસ્તારમાં નોકરી કરતા સિક્યુરિટી ગાર્ડની પણ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તે વિસ્તારમાં અવર-જવર કરતા 2000થી વધુ બાઈકની માહિતી મેળવી હતી અને આસપાસના 300 જેટલા સીસીટીવી કેમેરા પણ ચકાસ્યા હતા. આ તમામ માહિતીઓને આધારે લૂંટમાં સંડાવાયેલા ચારેય આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી હતી અને આ તમામ આરોપી ઉત્તરપ્રદેશના હોવાનું સામે આવતા પોલીસની અલગ અલગ ટીમો ઉત્તરપ્રદેશ ખાતે રવાના થઈ હતી.
જ્યાં ઉત્તરપ્રદેશમાં ગાઝિયાબાદ, હાપુર, ફરૂખાબાદ, અલીગઢ, નોઈડા વગેરે અલગ અલગ વિસ્તારમાં લૂંટમાં સંડોવાયેલા આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ હતી જેમાંથી અમદાવાદની લૂંટમાં અંજામ આપનાર ચારેય આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી હથિયાર પણ કબજે કરવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા ચારે આરોપીઓની પૂછપરછ તેમજ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ચારે આરોપીઓમાંથી બીરેન્દ્રકુમાર જે એરટેલ ટાવરમાં નોકરી કરતો હતો અને અમદાવાદ આવતો જતો હતો, તેથી તેને અમદાવાદની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હતો. આરોપી બીરેન્દ્રકુમાર દ્વારા અન્ય આરોપી જાવેદ ઉર્ફે પતરીને સાથે રાખી લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં તેના ઓળખીતા અને બોપલ વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા લોકોને સાથે રાખી બોપલ તેમજ સરખેજ વિસ્તારમાં સોના ચાંદીની દુકાનોમાં રેકી કરાવવામાં આવી હતી.
અગાઉ બોપલબ્રિજ આસપાસ જ્વેલર્સની દુકાનની રેકી પણ કરી હતી પરંતુ ત્યાં ભીડભાળવાળો વિસ્તાર હોવાથી આખરે આરોપીઓએ કનકપુરા જ્વેલર્સમાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. કનકપુરા જ્વેલર્સની આસપાસ ખુલ્લી જગ્યા હતી અને તેની સામેથી એક રોડ પસાર થતો હતો, જેથી લૂંટ કર્યા બાદ સરળતાથી ભાગી શકાય એટલા માટે કનકપુરા જ્વેલર્સ લૂંટ કરવા માટે પસંદ કર્યું હતું.
કનકપુરા જ્વેલર્સને ટાર્ગેટ કરી સતત તેની રેકી કરવામાં આવતી હતી અને લૂંટનો પ્લાન બનાવી આરોપી બીરેન્દ્રકુમાર તથા જાવેદ ઉર્ફે પતરી ઉત્તરપ્રદેશથી બે તમંચા અને એક પિસ્ટન લઈ અમદાવાદ આવ્યા હતા. જોકે લૂંટમાં વધારે વ્યક્તિઓની જરૂર હોવાથી તેમના ઓળખીતાઓ અમરસિંહ અને જોતસિંગને લૂંટમાં સામેલ કર્યા હતા. અમરસિંહ અને જોતસિંગ બોપલ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અને ચારે આરોપીઓએ મળી લૂંટને અંજામ આપ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જાવેદ ઉર્ફે પત્રી ચારેક વર્ષ પહેલા ઉત્તરપ્રદેશના ધોલાના પોલીસ સ્ટેશનમાં અને અઢી વર્ષ પહેલા બુલંદશહેર પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં આવેલો છે, તેમજ આરોપી બીરેન્દ્રકુમાર વર્ષ 2007 માં ઉત્તરપ્રદેશમાં કબીરનગર ખાતે લૂંટના ગુનામાં પકડાયેલો છે. આરોપી જાવેને લૂંટના ગુનામાં પગના ભાગે ગોળી પણ વાગી હોવાનું સામે આવ્યું છે.
આરોપીઓ લૂંટને અંજામ આપવા ઉત્તરપ્રદેશથી બાઈક લઈને અમદાવાદ આવ્યા હતા તેમજ લૂંટ કર્યા બાદ ઉત્તર પ્રદેશ સુધી બાઈકમાં નાસી ગયા હતા. જોકે હાલ તો પોલીસ ચારેય આરોપીઓને પૂછપરછ શરૂ કરી છે અને લૂંટનો મુદ્દામાલ રિકવર કરવા માટે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે લૂંટને અંજામ આપ્યા બાદ આરોપીઓ જ્યાં જ્યાં રોકાયા હતા ત્યાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે અને બોપલ સિવાય અન્ય કોઈ લુટ ના કેસમાં આરોપીઓ સામેલ છે કે કેમ તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.