Ahmedabad: અમદાવાદના ઢોરવાડામાં ગાયોની દુર્દશાના દૃશ્યો આવ્યા સામે, જગ્યાના અભાવે એક જ જગ્યાએ ભંગારની જેમ ભરાઈ ગાયો- જુઓ Video
Ahmedabad: અમદાવાદના ઢોરવાડામાં ગાયોની દુર્દશા સામે આવી છે. બહેરામપુરાના ઢોરવાડામાં એક જ જગ્યાએ ગાયોને ખચોખચ ભરીને રખાઈ છે. અહીંની જગ્યાના અભાવે ગાયો હલી પણ શકે તેવી સ્થિતિમાં નથી. AMC દ્વારા હાઈકોર્ટની ફટકાર બાદ ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ રખડતા ઢોરોને પકડી પકડીને એક જ જગ્યાએ ભરવામાં આવી રહ્યા છે.
Ahmedabad: અમદાવાદના ઢોરવાડામાં ગાયોને જે રીતે રાખવામાં આવી છે તે જોઈને હચમચી જવાય તેવા દૃશ્યો સામે આવ્યા છે. ઢોરવાડામાં ગાયોની દયનિય સ્થિતિના દૃશ્યો સામે આવ્યા છે. જે ગાય સાથે લોકોની આસ્થા જોડાયેલી છે તે ગાયોને ભંગારની જેમ એક જ જગ્યાએ ભરવામાં આવી રહી છે. આ અબોલ જીવો પર અત્યાચાર નહીં તો બીજુ શું તેવો સવાલ અહીં થવો વ્યાજબી છે. જો આ ગાયો બોલી શકતી હોત તો તે પણ બે હાથ જોડી અધિકારીઓને વિનંતી કરતી હોત રહેમ કરો, અમારા પર થોડી તો દયા બતાવો. અમે પણ શ્વાસ લેતા જીવો છીએ કોઈ નિર્જીવ ભંગાર નથી. ઉભા રહી શકાય અને જ્યારે થાકે ત્યારે બેસી શકે એટલી જગ્યા મળે એટલી તો વ્યવસ્થા કરો.
અબોલ જીવો પર અત્યાચાર કરવાનો પરવાનો કોણે આપ્યો?
આ એએમસીના સત્તાધિશોએ જાણે માનવતા નેવે મુકી દીધી છે અને મુંગા પ્રાણીઓ પર અત્યાચાર કરવાનો પરવાનો મેળવી લીધો હોય તેમ કોઈની પણ શેહશરમ વિના બસ આ અબોલ જીવોને એક જ જગ્યાએ ભરી રહ્યા છે. નાની જગ્યામાં સેંકડો ગાયોને રાખવામાં નહી, પરંતુ ફીટ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. એક બીજાની સાથે એટલી લગોલગ ગાયો છે કે હલી પણ નથી શકતી.
ગૌમાતા પર અત્યાચાર, જવાબદાર કોણ?
આ દ્રશ્યો અમદાવાદના બહેરામપુરા વિસ્તારના છે. હકીકતમાં હાઈકોર્ટની ઝાટકણી બાદ AMCનું તંત્ર એક્શમાં આવ્યું અને શરૂ કરી રખડતા ઢોર પકડવાની કવાયત. જોકે ગાયોને પકડીને તેમને રાખવાનું કોઈ આયોજન અને વ્યવસ્થા જોવા નથી મળી રહી. અહીં સુવિધાઓના અભાવે ગાયોની સંખ્યા વધી રહી છે અને અંતે ગૌમાતા પર અત્યાચાર ગુજરી રહ્યો છે. સવાલ એ છે કે ગાયોની સ્થિતિ માટે કોણ જવાબદાર છે.
ગાયો મોતને ભેટશે તો જવાબદાર કોણ?
ગાયોના નામે રાજનીતિ કરતી, ગાયોના નામે વોટ માગતી સત્તારૂઢ પાર્ટી અને AMCના સત્તાધિશોની ગૌભક્તિ અત્યારે ક્યાં ગઈ? સૌથી મોટો સવાલ એ છે કે સ્માર્ટ સિટીના દાવા કરતી AMC પાસે શું ગાયોને રાખવા માટેનું કોઈ નક્કર આયોજન નથી. ગાયોને આમ જ રાખામાં આવી, અને ગાયો મોતને ભેટશે તો જવાબદાર કોણ?
સવાલ એ છે કે આમ રાખશો ગાયોને ? કેમ અગાઉથી AMCએ કોઈ આયોજન નથી કર્યુ ? કે પછી હાઈકોર્ટ આટલું આકરું વલણ અપનાવશે તેવો કોઈ અંદાજ જ નહોતો ? કાલે ગાયોને કંઈ થાય કે મરી જાય તો જવાબદાર કોણ ? ગાયોને આમ રાખવી જ કેમ પડે ?
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો