અમદાવાદમાં દિવાળી પહેલા જ આરોગ્ય વિભાગ સાબદુ થયુ છે અને વિવિધ ખાણી-પીણીની દુકાનો, ખાસ કરીને મીઠાઈ વિક્રેતાઓ, ફરસાણ વિક્રેતાઓ બાદ હવે ઘી વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યુ છે. અમદાવાદની સૌથી મોટી માધુપુરા માર્કેટમાં આરોગ્ય વિભાગની ટીમ ઘી વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. માધુપુરા માર્કેટમાં અનેક ઘી ના એકમો આવેલા છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રેપિડ ટેસ્ટ કિટની મદદથી ઘીના નમૂનાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે.
સામાન્ય રીતે ઘીમાં વનસ્પતિ ઘી અથવા કેટલાક પ્રકારની ચરબીની ભેળસેળ શોધવા માટે હાઈડ્રોક્લોરિક એસિડ (HCl) અને ફરફ્યુરલ (Furfural) સોલ્યુશનનો ઉપયોગ કરીને ટેસ્ટ કરવામાં આવે છે. આ પ્રકારની તપાસને સામાન્ય રીતે બૉડોઇન ટેસ્ટ (Baudouin Test) તરીકે ઓળખવામાં આવે છે. આ ટેસ્ટમાં ઘીમાં તલના તેલની હાજરી શોધવામાં આવે છે. જો ટેસ્ટ દરમિયાન ઘી લાલ કે ગુલાબી રંગનુ થતુ જોવા મળે તો તેમાં તલના તેલની હાજરીનો સંકેત હોઈ શકે છે.
આરોગ્ય વિભાગે ટેસ્ટિંગ કર્યા પછી વધુ પરીક્ષણ માટે ઘી ના સેમ્પલ પણ એકત્ર કર્યા છે. જેનુ હવે લેબ ટેસ્ટિંગ કરવામાં આવશે. આ લેબ ટેસ્ટિંગનું પરિણામ આવ્યા પછી કાર્યવાહી કરવામાં આવશે. ટીમ દ્વારા તપાસ દરમિયાન 25 ઘી ના એકમોમાં રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. એકપણ એકમમાં ઘીમાં ભેળસેળ જોવા મળી નથી.
દિવાળીના તહેવાર સમયે મોટા ભાગે ઘરોમાં ઘી માંથી મીઠાઈઓ બનાવવામાં આવે છે. ત્યારે લોકો શુદ્ધ ઘી સમજીને બજારમાંથી વેચાતા ઘીનો ઉપયોગ કરતા હોય છે પરંતુ થોડા વધુ પૈસા કમાવાની લ્હાયમાં કેટલાક વેપારીઓ શુદ્ધ ઘી માં ભેળસેળ કરતા હોય છે. આવા ભેળસેળિયા તત્વોને પકડવા માટે અમદાવાદનું આરોગ્ય તંત્ર સાબદુ થયુ છે અને મોટા મોટા ઘી વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. જો કે આજના ચેકિંગ દરમિયાન એકપણ એકમમાંથી રેપિડ ટેસ્ટ દરમિયાન ભેળસેળ સામે આવી નથી. હવે જે સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે, તેના લેબ ટેસ્ટ દ્વારા ભેળસેળ થઈ છે કે કેમ તેનુ ચિત્ર સ્પષ્ટ થશે.
Input Credit- Narendra Rathod- Ahmedabad
Published On - 5:51 pm, Mon, 2 November 26