Ahmedabad : અમદાવાદ લાવ્યા બાદ કિરણ પટેલની થઇ રહી છે આકરી પૂછપરછ, આજે કોર્ટમાં રજૂ કરી ક્રાઇમ બ્રાન્ચ કિરણના 14 દિવસના રિમાન્ડ માગશે
Ahmedabad News : અત્યાર સુધીમાં ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં ખુલાસો થયો છે કે કાશ્મીરના એક મોટા અધિકારીએ કિરણ પટેલને સિક્યોરિટી આપવા મૌખિક રીતે ભલામણ કરી હતી, પરંતુ કિરણ પટેલને Z+ સિક્યોરિટી મળી નહોતી. તેને માત્ર 5થી 6 સિક્યોરિટીના માણસો જ મળ્યા હતા.
મહાઠગ કિરણ પટેલને શ્રીનગરથી અમદાવાદ લવાયા બાદ તેની આકરી પૂછપરછ ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ ઠગ કિરણ પટેલને આજે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માગશે. જો કે અત્યાર સુધીમાં ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં ખુલાસો થયો છે કે કાશ્મીરના એક મોટા અધિકારીએ કિરણ પટેલને સિક્યોરિટી આપવા મૌખિક રીતે ભલામણ કરી હતી, પરંતુ કિરણ પટેલને Z+ સિક્યોરિટી મળી નહોતી. તેને માત્ર 5થી 6 સિક્યોરિટીના માણસો જ મળ્યા હતા. મહત્વનું છે કે મહાઠગ કિરણ પટેલ છેલ્લા 6 માસમાં 4 વખત કાશ્મીર ગયો હતો. કિરણ પટેલે અમિત પંડ્યા, જય સીતાપરાની કાશ્મીરના અધિકારીઓ સાથે મુલાકાત કરાવી હતી.
6 માસમાં 4 વખત કાશ્મીર ગયો હતો કિરણ
કાશ્મીરના અધિકારીઓને કિરણ પોતાની ઓળખ PMOના અધિકારી તરીકે આપતો હતો. પહેલી વખત કિરણ પટેલ 2022માં 25થી 27 ઓક્ટોબર કાશ્મીર ગયો હતો. બીજી વખત 2023માં 6થી 8 ફેબ્રુઆરીના કાશ્મીર ગયો હતો. ત્રીજી વખત 2023માં 24થી 24 ફેબ્રુઆરીએ કાશ્મીર ગયો હતો. જ્યારે ચોથી વખત 2023માં બીજી માર્ચે કાશ્મીર ગયો હતો.
પોલીસ વાનમાં કિરણને લવાયો ગુજરાત
PMOના અધિકારી તરીકેની ઓળખ આપી અનેક લોકો સાથે ઠગાઇ આચરનારા મહાઠગ કિરણ પટેલનો હવે ગુજરાતમાં હિસાબ થશે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ કિરણ પટેલને લઇને અમદાવાદ પહોંચી. શ્રીનગરથી અંદાજે 36 કલાકની મુસાફરી બાદ કૌભાંડી કિરણને લઇને ગુજરાત પોલીસ અમદાવાદ પહોંચી. જે પ્રકારે માફિયા અતીક અહેમદને પોલીસ વાન મારફતે ગુજરાતથી ઉત્તર પ્રદેશ લઇ જવાયો હતો, એ જ રીતે કૌભાંડી કિરણને પણ કાશ્મીરથી બાય રોડ પોલીસ વાનમાં જ ગુજરાત લાવવામાં આવ્યો છે.
6 એપ્રિલે કિરણને ગુજરાતમાં ટ્રાન્સફર કરવાનો મળ્યો આદેશ
હાઇપ્રોફાઇલ લાઇફ જીવતા અને કરોડોની લક્ઝુરિયસ કારમાં ફરતા કિરણને સામાન્ય કેદીની જેમ પોલીસના ડબ્બામાં પૂરીને કાશ્મીરથી ગુજરાત લાવવામાં આવ્યો છે. કિરણ સામે કેસ દાખલ થયા બાદ ગુજરાત પોલીસની એક ટીમ 4 એપ્રિલના રોજ કાશ્મીર પહોંચી હતી. 6 એપ્રિલ એટલે કે ગુરૂવારે શ્રીનગરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ગુરૂવારે કિરણને ગુજરાતમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ જેલ સત્તાધીશોએ કિરણ પટેલની કસ્ટડી ગુજરાત પોલીસની ટીમને સોંપી હતી.
કાશ્મીરથી ગુજરાતના આખા રસ્તે
એકસમયે પોતાની બોલી અને છટાથી ભલભલાને ફસાવનારો કૌભાંડી કિરણ કાશ્મીરથી ગુજરાત સુધીની સફર દરમ્યાન ગુમસુમ બની ગયો હતો. મોટા ભાગની મુસાફરીમાં કિરણ પટેલ કંઇ પણ બોલ્યા વગર બેઠો રહ્યો. 36 કલાકની સફર દરમ્યાન કિરણે ખૂબ ઓછી વખત વાતો કરી. કિરણે તેમની સાથે રહેલા પોલીસ સ્ટાફ સાથે પણ કોઇ વાતચીત ન કરી. ગુજરાત પોલીસે શ્રીનગરથી અમદાવાદ સુધીમાં 5 વખત હોલ્ટ કર્યા. રસ્તામાં જમવા માટે બે વખત હોલ્ટ કરવામાં આવ્યો. રાત્રિના સમયે આબુ રોડ આસપાસ જમવા માટે હોલ્ટ કરાયો. જો કે કિરણ પટેલે બપોરે અને રાત્રે થોડું જ ભોજન લીધું.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…