અમદાવાદમાં (Ahmedbad) અર્બન પ્લાનિંગ મુદ્દે બે દિવસના રાષ્ટ્રીય કોન્કલેવનું (National Conclave) આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે શહેરી વિકાસ રાષ્ટ્રીય કોન્કલેવનો પ્રારંભ કરાવ્યો. બે દિવસીય કોન્કલેવમાં લોકલ એરિયા પ્લાન ઉપર ચર્ચા કરાશે. મુખ્યપ્રધાને કોન્કલેવમાં સંબોધન કરતા કહ્યું, PM મોદીના અથાગ પ્રયત્નોથી શહેરો સ્માર્ટસિટી બન્યા છે. PM મોદીએ શહેરોની દિશા બદલી નાખી છે. સવલત અને સ્થળાંતરના કારણે શહેરનો વિકાસ થયો છે. ઇઝ ઓફ લિવિંગમાં અમદાવાદ સહિત અમુક શહેરો ટોપ 10માં સ્થાન ધરાવે છે.
ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલા શહેરી વિકાસ રાષ્ટ્રીય કોન્કલેવનો પ્રારંભ કરાવતા મુખ્યપ્રધાને જણાવ્યું કે, શહેરી વિકાસ રાષ્ટ્રીય કોન્કલેવ શહેરી સુખાકારીનો અમૃત કાળ સાબિત થશે. દેશને 5 ટ્રીલીયન ઇકોનોમી બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને સિદ્ધ કરવા શહેરી ઇકોનોમીનો વિકાસ અતિઆવશ્યક છે. વડાપ્રધાનના પરિશ્રમ અને દૂરંદેશીતાના પરિણામે ગુજરાતના નગરો અને શહેરોનો વિકાસ દેશ માટે રોલ મોડલ બન્યો છે.
મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, કેન્દ્ર સરકાર દ્વારા પણ અમદાવાદ, સુરત , વડોદરા, દાહોદ સહિતના 6 શહેરોને સ્માર્ટ સીટી તરીકે વિકસાવવા માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં પણ અમદાવાદ અને વડોદરા ઇઝ ઓફ લીવીંગ અને મ્યુનિસીપલ કોર્પોરેશન આંકમાં ટોપ-10 માં સ્થાન ધરાવે છે. ગુજરાત સરકાર દ્વારા ટી.પી. સ્કીમમાં ફાળવેલી જમીનમાંથી 5 ટકા જમીન વિસ્તાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના નાગરિકો માટે આવાસો બનાવવા માટે ફાળવવામાં આવે છે. તદ્ઉપરાંત ક્લીન અને ગ્રીન સીટી બનાવવા માટે અર્બન ફોરેસ્ટનો અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, દેશમાં છેલ્લા કેટલાય દાયકાથી ગ્રામ્ય ક્ષેત્રોમાં મર્યાદિત આવક, ઔદ્યોગિકરણ,આંતરમાળખાકીય સવલતો, શિક્ષણ અને સ્વાસ્થ્યની મર્યાદિત સવલતોના પરિણામે શહેરીકરણ વધ્યું છે.જે કારણોસર શહેરી વિકાસ મહત્વની બાબત બની રહી છે. ગુજરાતે આ પરિસ્થિતિને પારખીને શહેરી વિકાસને હંમેશા મહત્વ આપ્યું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યુ કે વડાપ્રધાન મોદીએ પડકારોને તકોમાં પરિવર્તિત કરવાની શૈલી વિકસાવી છે. 20 વર્ષ પહેલા ગુજરાતના સાશનની ધુરા સંભાળી ત્યારે શહેરોની સુવિધાઓ મર્યાદિત હતી. જો કે વડાપ્રધાનના પરિશ્રમ અને દૂરંદેશીતાના પરિણામે આજે સ્માર્ટ સિટી અને ગુડ ગવર્નન્સની પરિપાટીએ ગુજરાતના નગરો અને શહેરોનો વિકાસ દેશ માટે રોલ મોડલ બન્યો છે. જેના પરિણામે વર્લ્ડ ક્લાસ સ્માર્ટ અને સસ્ટેનેબલ સિટીનો એક નવો યુગ શરૂ થયો છે. વિશ્વ ફાસ્ટટ્રેક વિકાસની ગતિ તરફ આગળ વધી રહ્યું છે અને નાગરિક કેન્દ્રી સુવિધા અને ઓનલાઇન સુવિધાઓના સમન્વયથી આજે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થઇ રહ્યો છે.