અમદાવાદનો ચિલોડા તરફનો નેશનલ હાઈવે એટલી હદે બિસમાર બન્યો છે કે અકસ્માત થવાની ગેરંટી પાક્કી- જુઓ Video

અમદાવાદમાં નાના ચિલોડાથી મોટા ચિલોડા તરફ જતો નેશનલ હાઈવે બન્યો બિસમાર, ટુવ્હીલર લઈને પસાર થયા તો અકસ્માત થવાનું જોખમ નહીં ગેરંટી જ પાક્કી છે કે થશે જ. કારણે કે રોડ પર ડામરનું નામોનિશાન નથી અને કપચીવાળા રોડમાં ટુવ્હીલર સ્લીપ થયા વિના ન રહે.

| Edited By: | Updated on: Sep 18, 2025 | 7:38 PM

કહેવામાં તો અમદાવાદ મેટ્રોસિટી છે. પણ, આ મેટ્રોસિટીમાં લોકો રસ્તાઓના ‘ખાડારાજ’થી ત્રાહિમામ્ છે. શહેરના બિસ્માર રસ્તાઓથી તો લોકો પરેશાન છે જ પણ, અમદાવાદની હદમાં આવતા નેશનલ હાઈવેની સ્થિતિ કંઈક એવી છે કે તેને નેશનલ હાઈવે કહેવો પણ કે કેમ તે સૌથી મોટો સવાલ છે.

અમદાવાદના નાના ચિલોડાથી મોટા ચિલોડા તરફ જવાના નેશનલ હાઈવે નંબર-48ના બિસમાર હાલતમાં છે. જ્યા ક્યાંય પાકો રોડ જડવો મુશ્કેલ છે. માત્ર કપચીઓ જ દેખાઈ રહી છે અને આ દ્રશ્યો જ એ વાતની સાબિતી આપી રહ્યા છે કે આ રસ્તા પરથી પસાર થવું એટલે મુસીબતને આમંત્રણ આપવું. ખરાબ રસ્તાને લીધે લોકો અહીં ટ્રાફિકજામની સમસ્યાથી ત્રાહિમામ્ છે. તો બીજી તરફ વાહનોને પણ મોટાપાયે નુકસાન પહોંચતું હોવાના આક્ષેપો ઉઠ્યા છે.

લગભગ છેલ્લા 8 મહિનાથી રસ્તાની સ્થિતિ આ જ છે. રસ્તો એવો છે કે વાહન ચાલકો 20 થી 30 કિલોમીટરથી વધારે સ્પીડમાં અહીં વાહન ચલાવી જ નથી શકતા. હાઈવે હોઈ મોટી સંખ્યામાં અહીંથી ટ્રક, ટ્રેલર પસાર થાય છે. પરંતુ, રોજ આ રસ્તે અપડાઉન કરનારા લોકોની સ્થિતિ વધારે જ કફોડી બની છે. કેટલાંક લોકો તો બળાપો ઠાલવતા કહી રહ્યા છે કે આના કરતાં તો ગામડાના રસ્તા પણ સારા હોય !

વાહન ચાલકોનો આક્ષેપ છે કે આ રસ્તે ટુવ્હીલર લઈને નીકળવું એટલે તો જાણે અકસ્માતને આમંત્રણ આપવું. એવું નથી કે આ રસ્તાનું સમારકામ નથી થયું. છેલ્લા 8 મહિનામાં ત્રણ-ત્રણ વખત આ રસ્તાનું સમારકામ થઈ ચુક્યું છે. પરંતુ, સમારકામ બાદ પણ રસ્તાની જે સ્થિતિ છે. તેને જોઈને કામની ગુણવત્તા સામે સવાલ ઊઠવા સ્વભાવિક છે. આ બિસ્માર રસ્તાના સમારકામ અંગે વાહન ચાલકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ, તંત્રના પેટનું પાણી હલે તો ને ?

સમગ્ર મામલે TV9એ જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટી સાથે વાત કરી ત્યારે તેમણે એમ કહીને ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કર્યો કે વરસાદ વધારે પડ્યો હોવાથી અને ઈન્ડસ્ટ્રીયલ એરિયા હોઈ ભારે વાહનોની અવરજવરને લીધે આ સ્થિતિ સર્જાઈ છે. જો કે આવનારા દસ દિવસમાં રસ્તો પૂર્વવત કરવાની ખાતરી આપી છે. તંત્રએ ખાતરી તો આપી છે પરંતુ વાહન ચાલકોને નવો રસ્તો ક્યારે મળશે અને મળશેતો તે કેટલો ટકશે. હાલ તો તે જ સૌથી મોટો સવાલ છે.

મગફળીનો પાક ટેકાના ભાવે વેચવા માગતા ખેડૂતોની નોંધણી રદ, સેટેલાઈટમાં ન દેખાતું હોવાનું કહીને રજિસ્ટ્રેશન કરાયા રદ- Video

Published On - 7:37 pm, Thu, 18 September 25