
અમદાવાદમાં ફરી એકવાર ચંડોળા તળાવ મુદ્દે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. AMC ના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં હજારો લોકોએ નવા આવાસ ફાળવવાની માગ સાથે રિવરફ્રન્ટ કમિશનર કચેરી ખાતે ઉગ્ર દેખૈાવો કર્યા. હાથમાં બેનરો, પોસ્ટરો અને ઢોલ નગારા સાથે ચંડોળાના વિસ્થાપિતા ઉમટ્યા હતા. આ તમામ લોકોએ પુનર્વસનની માગ સાથે કમિશનર કચેરી બહાર આક્રમક વિરોધ દર્શાવ્યો અને ઉગ્ર દેખાવ કર્યા.
અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં કરાયેલા મેગા ડિમોલિશન બાદ મનપા દ્વારા ભારતીય નાગરિકને પુરાવાના આધારે મકાન આપવા માટે ફોર્મ પણ ભરાવવામાં આવ્યા હતા. આ વાતને પણ 6 મહિનાથી વધુ સમય થઈ ગયો છતા મનપા દ્વારા આવાસ ફાળવવા માટેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના પગલે આજે 3 સપ્ટેમ્બરે સવારથી સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે ચંડોળા તળાવના 200 થી વધુ વિસ્થાપિતોનું ટોળુ પહોચ્યુ હતુ. AMCના વિપક્ષ નેતા અને દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં રિવરફ્રન્ટ હાઉસ ખાત ચંડોળા તળાવના રહીશોએ ઘેરાવ કર્યો અને રિવરફ્રન્ટ હાઉસ બહાર ધરણા પર બેસી ગયા હતા.
મેગા ડિમોલિશન બાદ AMC દ્વારા વિસ્થાપિતોની માગણીને ધ્યાને સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરી જે વ્યક્તિઓ પાસે યોગ્ય પુરાવાઓ હોય તેમને મકાન આપવાનું નક્કી કર્યુ હતુ. જો કે લાભાર્થીઓ પાસેથી તેમના ઓછામાં ઓછા ત્રણ પુરાવા માગવામાં આવ્યા હતા. જેમા 944 જેટલા લાભાર્થીઓ એવા છે જેમની પાસે એકપણ પુરાવો નથી. જ્યારે માત્ર એક પુરાવો હોય તેવા 874 પરિવારો છે અને બે પુરાવા હોય તેવા 413 જેટલા પરિવારો છે. નિયમ અનુસાર જો સરકારી આવાસનો લાભ જોઈતો હોય તો ઓછામાં ઓછા ત્રણ પુરાવા અનિવાર્ય છે. જ્યારે ચંડોળાના વિસ્થાપિતો પાસે ઓછામાં ઓછા ત્રણ પુરાવા પણ નથી. પુરાવા ધરાવતા માત્ર નજીવા પરિવારોને આવાસનો લાભ મળશે. આ જ બાબતનો વિરોધ નોંધાવવા માટે શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમા આ વિસ્થાપિતો પહોંચ્યા છે.
આ અંગે શહેઝાદ ખાન પઠાણની દલીલ એવી છે કે આ ગરીબો અહીં વર્ષોથી વસવાટ કરી રહ્યા હતા. આથી સરકારે કેટલીક છુટછાટ આપીને પણ આવાસની ફાળવણી કરે. આ લોકો પાસે ભાડા ભરવાની કે હપ્તા ભરવા માટે પણ કેપેબલ નથી એટલા ગરીબો છે. હવે જો આ રજૂઆતને કદાચ ધ્યાને લઈને માની લેવામાં આવે તો ન માત્ર આ વિસ્તારના શહેરના અન્ય ઝૂંપડા બાંધીને રહેતા લોકો આ જ કિસ્સાને આધારે મકાનોની માગ કરશે.
શહેઝાદ ખાન પઠાણે કહ્યુ કે અમારી પાસે ઘર નથી એટલે અહીં આવ્યા છીએ. જો મનપા કમિશનર કે કોર્પોરેશન જલદી આવાસની ફાળવણી નહીં કરે તો આવતા મહિના આ તમામ લોકો તેમનો સામાન લઈને મનાપ કમિશનરના ઘરે રહેવા જતા રહેશે. પઠાણનો આરોપ છે કે આવાસો ફાળવવામાં ગેરરીતિ કરવામાં આવે છે. ગરીબોને તેમના હક્ક નથી મળી રહ્યા અને ખાનગી બિલ્ડરો હાઉસિંગ વિભાગ સાથે મળીને કરોડોની કટકી કરી રહ્યા છે.
Input Credit- Jignesh Patel- Ahmedabad
Published On - 2:52 pm, Thu, 3 September 26