Gujarati NewsGujaratAhmedabadAhmedabad Bullying of Global International School all of sudden hike in sports fee of rs 6800 per ongoing session parents angry
અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સ્થિત ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સ્પોર્ટ્સ ફીના નામે એકાએક 6800 રૂપિયાનો વધારો ઝીંકી દેવાતા વાલીઓમાં રોષ ફેલાયો છે. રોષે ભરાયેલા વાલીઓએ શાળાએ જઈને હોબાળો કર્યો.બીજા સત્રથી અચાનક ફી વસુલતા વાલીઓ લાલઘુમ થયા છે.
અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા નિયમોનો ઉલાળિયો કરી એકાએક 6800 રૂપિયાનો ફી વધારો કરી દેવાયો છે. ચાલુ સત્રએ એકાએક સ્પોર્ટ્સ ફીના નામે 6800 રૂપિયાનો ફી વધારો ઝીંકી દેવાતા વાલીઓ રોષે ભરાયા. ફી વધારા અંગે રજૂઆત કરવા માટે વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. ત્યા પણ શાળા દ્વારા દાદાગીરી અને મનમાની કરવામાં આવી. વાલીઓને કલાકો સુધી રાહ જોવડાવ્યા બાદ પણ પ્રિન્સીપાલ મળ્યા ન હતા. જેના પગલે વાલીઓએ શાળામાં હોબાળો કર્યો હતો. વાલીઓનું કહેવુ છે કે FRCના નિયમ અનુસાર શાળા ફરજિયાતપણે સ્પોર્ટ્સ ફી લઈ ન શકે. છતા દિવાળી બાદ શરૂ થયેલા શૈક્ષણિક સત્રથી વાલીઓ પાસેથી સ્પોર્ટ્સ ફી માગવામાં આવી રહી છે.
ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલની મનમાની, વાલીઓની જુબાની
વાલીઓનુ કહેવુ છે શાળા દ્વારા મનસ્વી રીતે સ્પોર્ટસના નામે ફી વધારો કરાયો છે, FRC એ નક્કી કરેલી ફી કરતા પણ વધુ ફી વસુલવામાં આવી રહી છે. આ જ તમામ બાબતો અંગે ચર્ચા કરવા માટે વાલીઓ સવારથી શાળાએ પહોંચ્યા છે પરંતુ શાળાના એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફનો એકપણ વ્યક્તિ વાલીઓ સાથે વાત કરવા માટે તૈયાર નથી.
શાળાના જક્કી વલણ અંગે એક વાલી જણાવે છે કે જો ફી ભરવામાં એક દિવસ પણ મોડુ થાય તો તાત્કાલિક ધોરણે પ્રતિ મહિને 3 ટકાના લેખે લેટ ફી ચાર્જ વસુલવામાં આવે છે. એડવાન્સમાં ફી વસુલાતી હોવા છતા લેટ ફીનો ચાર્જ લગાવવામાં આવે છે.
વાલીઓની અન્ય એક ફરિયાદ એવી પણ છે કે શાળા દ્વારા જાણી જોઈને ગુજરાતના મોટા તહેવારોના સમયે જ અલગ અલગ પ્રકારની એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવે છે અને જ્યારે કોઈ જ વિશેષ તહેવારો ન હોય એવા સમયે શાળા દ્વારા લાંબી રજાઓ આપવામાં આવે છે.
વાલીઓ જણાવે છે કે શાળા દ્વારા ઓનલાઈન પોર્ટલમાં 6800 રૂપિયાનો ફી વધારો સૂચિત કરાયો છે. ફી અંગે વારંવાર રજૂઆત કરવા છતા કોઈ જ શાળાનો સ્ટાફ ચર્ચા કરવા માટે તૈયાર નથી. પરંતુ શાળા દ્વારા સતત ત્રણ કલાકથી વાલીઓને ટાળી રહ્યા છે.
100 થી વધુ વાલીઓ શાળાએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પરંતુ કલાકો સુધી વાલીઓને રાહ જોવડાવ્યા બાદ પણ કોઈ મળવા સુધ્ધા તૈયાર નથી.
શાળા દ્વારા વાલીઓને અગાઉ જાણ કર્યા વિના કે કોઈ જ ચર્ચા કર્યા વિના ડાયરેક્ટ ફી વધારો કરી દેવાયો છે અને ફી વધારા સાથેનો ઈનવોઈસ પણ વાલીઓને મેઈલ થ્રુ મોકલી દેવાયો છે. જે સીધી રીતે એવુ દર્શાવે છે કે શાળા વાલીઓને જાણ કરવાનું પણ જરૂરી નથી સમજતી અને સીધેસીધો ફી વધારો વાલીઓ પર થોપી દેવામાં આવ્યો છે. અડધા સત્રએથી ફી વધારો ઝીંકી લાચાર વાલીઓની મજબુરીનો ગેરલાભ લેતી શાળાના આ જક્કી વલણ સામે શું FRC કોઈ નક્કર પગલા લેશે કે કેમ તે મોટો સવાલ છે.