
અમદાવાદમાં પોશ વિસ્તારમા છેલ્લા ઘણા સમયથી વાહન ચોરીની ફરિયાદો વધી રહી હતી. જેને લઈને પોલીસ પણ સક્રિય બની હતી. અમદાવાદમાં ઝોન 7 એલસીબી ની ટીમ દ્વારા સીસીટીવી તેમજ માહિતીના આધારે બાઈક પર આવી રહેલા એક શંકાસ્પદ વ્યક્તિની અટકાવી તેની પૂછપરછ કરી હતી, જેની પૂછપરછમાં તેણે બાઈક ચોરી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે આ બાઈક ચોરની વધુ પૂછપરછ કરતા સામે આવ્યું કે બાઈક ચોરી કરતો વ્યક્તિ મૂળ રાજસ્થાનનો છે અને તેનું નામ પોપટકુમાર લબાના છે. બાઈક ચોર આરોપી પોપટકુમાર છેલ્લા છ વર્ષથી અમદાવાદમાં રહે છે અને અલગ અલગ જગ્યાઓથી બાઈક ચોરી કરે છે. પોલીસે બાઈક ચોર પોપટકુમાર પાસેથી 32 જેટલા વાહનો કબજે કર્યા છે.
એલસીબી ઝોન 7 ની ટીમ દ્વારા શહેરના પોશ વિસ્તાર સેટેલાઈટ, આનંદનગર અને બોડકદેવ વિસ્તારમાં જે વાહન ચોરીની ઘટનાઓ બની હતી તેના અલગ અલગ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં મુખ્યત્વે એક જ વ્યક્તિ ચોરી કરતો હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી જે જગ્યાઓ પરથી વાહનો ચોરાયા છે ત્યાંના સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલેન્સનો ઉપયોગ કરી સીસીટીવી ફૂટેજને આધારે અમદાવાદથી અરવલ્લી જિલ્લાના તલોદ સુધી બાઈક ચોર વ્યક્તિને ટ્રેક કર્યો હતો અને આ બાઈક ચોર એક વાર નહીં પરંતુ અનેક વખત વાહનોની ચોરી કરતો હોવાનું પણ માલુમ પડ્યું હતું.
સીસીટીવી ફૂટેજમાં બાઈક ચોર પોપટકુમાર ચાલીને આવતો હતો અને તેની પાસે રહેલી ચાવીથી મોટરસાયકલનું લોક ખોલી તેને ચલાવી નાસી જતો હોવાનું પણ સામે આવ્યું હતું, જેના આધારે પોલીસે ઘાટલોડિયા વિસ્તાર માંથી આરોપી પોપટકુમાર લબાનાની ધરપકડ કરી છે. પોપટકુમાર લબાના પાસેથી પોલીસે 32 વાહનો કબજે કરી શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના 31 જેટલી વાહન ચોરીઓના ભેદ પણ ઉકેલાયા છે.
આરોપી પોપટકુમાર લબાનાની પૂછપરછ કરતા સામે આવ્યું કે બાઈક ચોર રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનો રહેવાસી છે અને છેલ્લા છ વર્ષથી અમદાવાદમાં રહે છે. અમદાવાદમાં રસોઈ કામ કરતો હોવાથી તે અલગ અલગ વિસ્તારોથી પરિચિત હતો. આ ઉપરાંત તે કોરોના સમયમાં પોતાના વતન રાજસ્થાન રહેવા જતો રહ્યો હતો. જે બાદ કોઈ એક દિવસ પૈસા માટે રાજસ્થાન થી અમદાવાદ આવી પહોંચ્યો હતો અને અમદાવાદમાં એક દિવસ રોકાઈને ચાલતો ચાલતો વાહનોની રેકી કરી હતી.
જે દરમ્યાન કોઈ પણ વાહન પાર્ક કરેલું નજરે ચડતા તેની પાસે રહેલી ડુપ્લીકેટ ચાવીથી મોટરસાયકલનું લોક ખોલી મોટરસાયકલ લઈને ફરીથી રાજસ્થાન જતો રહેતો હતો. અમદાવાદથી ચોરેલા મોટરસાયકલ રાજસ્થાનમાં સાતથી દસ હજાર રૂપિયામાં વહેંચી નાખતો હતો.
હાલ તો પોલીસે આરોપી પોપટકુમાર લબાનાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અમદાવાદના જે વિસ્તારોમાંથી બાઈક ચોરીના ભેદો ઉકેલાયા છે તે તમામ પોલીસ મથકોમાં આરોપી તેમજ મુદ્દામાલ સહિતની આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે કે આરોપી દ્વારા અન્ય કોઈ બાઈક ચોરીને અંજામ આપ્યો છે કે કેમ અથવા તો આરોપી સાથે અન્ય કોઈ વ્યક્તિ સંડાયેલું છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે.