અમદાવાદ મહાનગરપાલિકા એ ફરી કર્યુ બુદ્ધિનું પ્રદર્શન… નવરંગપુરામાં ધમધમતા રોડને સાંકડો કરી ફુટપાથ પહોળો કરતા સ્થાનિકોમાં રોષ

અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા રોડ પર મહાનગરપાલિકાએ ફરી એકવાર બુદ્ધિનું દેવાળુ ફુંક્યુ હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. મનપા દ્વારા નવરંગપુરા બસ સ્ટેન્ડથી મીઠાખળી જતા રોડને સાંકડો કરી ફુટપાથને પહોળો કરી દેવામાં આવ્યો છે.

અમદાવાદ મહાનગરપાલિકા એ ફરી કર્યુ બુદ્ધિનું પ્રદર્શન... નવરંગપુરામાં ધમધમતા રોડને સાંકડો કરી ફુટપાથ પહોળો કરતા સ્થાનિકોમાં રોષ
| Edited By: | Updated on: Jun 20, 2026 | 4:06 PM

અમદાવાદમાં મીઠાખળીથી સીજી રોડ પર મોટો ફૂટપાથ બનાવવાનો વિવાદ શમે તે પહેલા મનપા ફરી એ જ ભૂલનું પુનરાવર્તન કરવા જઇ રહી છે… હવે નવરંગપુરા બસ સ્ટેન્ડથી મીઠાખળી જતા રોડને સાંકડો કરી ફૂટપાથ બનાવવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ પહેલા મનપાએ ગિરીશ કોલ્ડ્રિંક્સથી મીઠાખળી છ રસ્તાના 18 મીટરના રોડ પર 9 મીટરનો ફૂટપાથ બનાવી દેતા વિવાદ સર્જાયો હતો. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ત્યારે કામ રોકાવ્યું હતું.. આ રોડથી 200 મીટર દૂર જ એ જ ભૂલનું પુનરાવર્તન થઇ રહ્યું છે… મનપા દ્વારા જે નવો રોડ બનાવાયો છે તેમાં રસ્તો સાંકડો થઇ જાય અને ફૂટપાથ મોટી થઇ જાય તેવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. શહેરમાં વધતા જતા ટ્રાફિકની વચ્ચે મનપાના આ નિર્ણય સામે સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે.

સેવા સમાજથી ગિરીશ કોલ્ડ્રીંક્સ ચાર રસ્તા પર રોડ કરતા પહોળો ફુટપાથ બનાવી દેવામાં આવ્યો છે. આ ફુટપાથનો પાર્કિંગ તરીકે ઉપયોગમાં લેવા માટે તેને પહોળો કરાયો છે. હવે સ્થાનિકોનું કહેવુ છે કે એકતરફ ચાલવાની જગ્યા નથી ત્યાં ફુટપાથ પર પાર્કિંગ બનાવી મનપા તેના અણઘડ આયોજનનો પુરાવો આપી રહ્યુ છે.

સ્થાનિકોનું કહેવુ છે કે મેઈન રોડને સાંકડો કરી ફુટપાથ મોટો બનાવી મનપાએ સુવિધા આપવાને બદલે દુવિધા વધારી છે. કોઈ જ પ્રકારના પ્લાનિંગ વિના આડેધડ  ફુટપાથ બનાવી દીધો હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે.

બીજી તરફ મેયર હિતેશ બારોટે રિ-ટીપીમાં યોગ્ય ડિઝાઇન થઇ હોવાનું જણાવી બચાવ કર્યો છે. મેયરે જણાવ્યું કે ફૂટપાથની ડિઝાઇન જે બનાવવામાં આવી હતી તે અનુસાર જ કામગીરી કરાઈ રહી છે. નાગરિકોને કોઇ મુશ્કેલી ન પડે તે રીતે રોડની કામગીરી કરવામાં આવશે. ટીપી ડેવલપ થઈ ત્યાં જગ્યા મળી છે ત્યાં રોડ પર જ ફુટપાથ પહોળો કરાયો છે. વધુમાં તેમણે કહ્યુ કે અવરજવરમાં મુશ્કેલી ન પડે અને ફુટપાથ જ્યા વધુ નાની કરવાની જરૂર પડે ત્યાં નાની કરવાની સૂચના આપેલી છે.

Input Credit- Narendra Rathod- Ahmedabad

 

રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી રાજ્યમાં બેસી જશે વિધિવત ચોમાસુ

Follow Us