લમ્પી વાયરસ મુદ્દે રાજ્ય સરકાર ચિંતિત હોવાનો કૃષિમંત્રી રાઘવજી પટેલનો દાવો, કહ્યુ જિલ્લા કક્ષાએ 7.90 લાખ રસીના ડોઝ ઉપલબ્ધ

| Edited By: | Updated on: Aug 01, 2022 | 7:05 PM

Lumpy Virus: રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી સરકારની કામગીરીનો ચિતાર રાખ્યો અને અસરગ્રસ્ત જિલ્લાઓમાં રોગગ્રસ્ત પશુઓને સારવાર આપી રસીકરણ કરાઈ રહ્યુ હોવાનુ જણાવ્યુ.

રાજ્યમાં લમ્પી વાયરસ (Lumpy Virus)  હાહાકાર મચાવ્યો છે. આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 1431 પશુઓના મોત થઈ ચુક્યા છે. હાલ રાજ્યના 20 જિલ્લાઓમાં 54 હજાર 161 પશુઓ આ વાયરસથી સંક્રમિત થયા છે. કૃષિમંત્રી રાઘવજી પટેલ (Raghvji Patel) પ્રેસ કોન્ફરન્સ કરી સરકાર સતત સતર્ક થઈ કામગીરી કરી રહી હોવાનુ જણાવ્યુ છે. કૃષિમંત્રી અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે રાજ્યમાં લમ્પી સ્કિન ડિસિઝથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં પશુઓને સત્વરે સારવાર પુરી પાડીને રસીકરણ (Vaccination)પણ કરવામાં આવે છે. એટલુ જ નહીં રોગિષ્ટ પશુને આઈસોલેશનમાં રાખવા સાથે સંપૂર્ણ તકેદારી સાથે યોગ્ય વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. જેથી કરીને રોગને અન્ય પશુઓમાં પ્રસરતો અટકાવી શકાય.

રાજ્યમાં રસીનો પુરતો જથ્થો ઉપબલ્ધ

ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે રાજ્યમાં રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. અસરગ્રસ્ત પશુઓને તાત્કાલિક સારવાર પુરી પાડવા માટે પશુપાલન વિભાગ દ્વારા તબીબોને સહિતની ટીમો સતત કાર્યરત છે. અસરગ્રસ્ત જિલ્લાઓમા સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. લમ્પી રોગના નિયંત્રણ અને જરૂરી સારવાર માટે માર્ગદર્શન આપવાના હેતુથી કામધેનુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નરેશ કેલાવાલાના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે જેમા પાંચ સભ્યોની નિમણુક કરાઈ છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા સારવાર સંદર્ભે જે પણ ગાઈડલાઈન મળશે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે.

 

રાઘવજી પટેલે જણાવ્યુ કે 20 જિલ્લાઓમાં પશુપાલન વિભાગના 222 વેટરનરી ડૉક્ટર અને 713 પશુધન નિરીક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે અને રસીકરણની કામગીરી શરૂ છે. પશુપાલકોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1962 શરૂ કરવામાં આવી છે. પશુપાલન ખાતાના અધિકારીઓના મોનિટરિંગ સાથે SEOC ગાંધીનગર ખાતે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે.

ઈનપુટ ક્રેડિટ- કિંજલ મિશ્રા- અમદાવાદ

Published on: Aug 01, 2022 06:09 PM