અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) સંચાલિત શાળાઓ (School) ના શૈક્ષણિક સ્તરમાં સુધારો થતાં છેલ્લા આઠ વર્ષમાં ખાનગી શાળાઓમાંથી 41 હજાર બાળકોએ અભ્યાસ માટે મ્યુનિસિપલ શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. અમદાવાદ (Ahmedabad) શહેરના વિવિધ વિસ્તારમાં મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ દ્વારા બાવીસ જેટલી સ્માર્ટ શાળાઓ કાર્યરત કરવામાં આવી છે.આ વર્ષે નવા શૈક્ષણિક વર્ષની શરુઆત થતા અત્યાર સુધીમાં 22,190 બાળકોએ ધોરણ-એકમાં પ્રવેશ મેળવ્યો છે.
સ્માર્ટ શાળાઓને કારણે ખાનગી શાળાઓમાંથી કુલ 41 હજાર બાળકોએ મ્યુનિસિપલ શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. છેલ્લા આઠ વર્ષના સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત શાળાઓમાં શિક્ષણનું સ્તર ઉંચુ જવા ઉપરાંત ટેકનોલોજી સાથેનું બાળકોને શિક્ષણ મળે એ હેતુથી વિવિધ વિસ્તારમાં શરુ કરવામાં આવેલી સ્માર્ટ શાળાઓને કારણે ખાનગી શાળાઓમાંથી કુલ 41 હજાર બાળકોએ મ્યુનિસિપલ શાળાઓમાં પ્રવેશ મેળવ્યો હોવાનું અધિકારીઓનું કહેવું છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મ્યુનિસિપલ શાળાઓમાં ધોરણ-એકમાં પ્રવેશ મેળવનારા બાળકોની સંખ્યામાં પણ સતત વધારો થવા પામ્યો છે. વર્ષ-2017-18માં મ્યુનિ.શાળાઓમાં ધોરણ-એકમાં કુલ 14651 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.વર્ષ-2022-23માં શૈક્ષણિક સત્રના આરંભમાં જ 22 હજારથી વધુ બાળકોએ ધોરણ પહેલામાં પ્રવેશ મેળવ્યો છે.જે 31 જૂલાઈ સુધીમાં 30 હજાર સુધી પહોંચવાની સંભાવના છે.
કોરોના મહામારીના સમય બાદ વર્ષ-2021-22માં શહેરની વિવિધ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો પૈકી 6289 બાળકોએ વિવિધ મ્યુનિસિપલ શાળાઓમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો છે. મ્યુનિ.સ્કૂલબોર્ડ તરફથી બાળકોને હાલના બદલાતા સમય મુજબ વાઈફાઈ, ઈન્ટરનેટ થકી શિક્ષણ આપવા સાથે શિક્ષકોને પણ ટેકનોલોજી સંબંધિત તાલીમ આપવામાં આવી રહી છે.
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 445 થી વધુ શાળાઓને હવે વાઈફાઈ,ઈન્ટરનેટ લિંકીંગ સાથે બાળકોને વર્તમાન ટેકનોલોજી સાથેનું શિક્ષણ મળી રહે એ માટે સજજ કરાઈ રહી છે.વિવિધ વિસ્તારમાં 22 સ્માર્ટ શાળા કાર્યરત કરાઈ છે.જેમાં કાંકરિયા-શાળા નંબર-છ,ઈન્દ્રપુરી પબ્લિક સ્કૂલ,એલિસબ્રીજ શાળા નંબર-12,વટવા શાળા નંબર-1-2, લીલાનગર પબ્લિક સ્કૂલ, સૈજપુર શાળા નંબર-છ ઉપરાંત અસારવા શાળા નંબર-19-20, બહેરામપુરા શાળા નંબર-22નો સમાવેશ થાય છે.આ ઉપરાંત અસારવા શાળા નંબર-7-8, હાથીજણ પબ્લિક સ્કૂલ, મેમનગર પ્રાથમિક શાળા, શીલજ પ્રાથમિક શાળા, શહીદવીર કેપ્ટન નીલેશ સોની પ્રાથમિક શાળા, સરસપુર શાળા નંબર-26, મણિનગર શાળા નંબર-6, નારણપુરા શાળા નંબર-6, શાહવાડી શાળા નંબર-2, નવા નરોડા ગુજરાતી પ્રાથમિક શાળા, રાયખડ શાળા નંબર 8 તેમજ થલતેજ અને રામોલ પ્રાથમિક શાળા, બાપુનગર શાળા નંબર-13નો સમાવેશ થાય છે.
આ વર્ષે ફેબુ્આરીમાં મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના અંદાજપત્રમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ, મ્યુનિ. શાળાઓમાં અભ્યાસ કરતા પાંચ હજાર બાળકોને મોબાઈલ ફોન આપવા અંગે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રીયા હાથ ધરવામાં આવશે એમ સ્કૂલબોર્ડના સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
Published On - 8:49 pm, Mon, 4 July 22