
અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદે મહાનગરપાલિકા (AMC) ની ડ્રેનેજ સિસ્ટમની ખામીઓ ખુલ્લી પાડી છે. સામાન્ય કે ધીમી ધારે વરસાદ હોય તો પણ શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ જાય છે, જેના કારણે શહેરીજનોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. આનંદનગરથી સીમા હોલ તરફ જતો મુખ્ય માર્ગ દર વર્ષની જેમ આ વખતે પણ ભારે માત્રામાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
સ્થાનિકોના મતે, છેલ્લા સાત વર્ષથી આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. હવે આના પરિણામે ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો માટે રસ્તો પસાર કરવો જોખમી બની જાય છે.
AMCના અધિકારીઓ પર મુખ્ય માર્ગો પરથી પાણીના નિકાલમાં નિષ્ફળ રહેવાનો શરમજનક આરોપ લાગી રહ્યો છે. શહેરમાં 15,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવતું હોવા છતાં જો આવી પરિસ્થિતિ સર્જાતી હોય, તો લોકોને યોગ્ય સુવિધાઓ કેવી રીતે મળી રહે? આ એક મોટો પ્રશ્ન છે.
અનેક વાહનચાલકોના વાહનો પાણીમાં બંધ પડી જાય છે, જેના કારણે તેઓ રસ્તા વચ્ચે ફસાઈ જાય છે અને ભારે પરેશાની ભોગવે છે. આંતરિક માર્ગો પરની પરિસ્થિતિ તો આનાથી પણ બદતર હોય છે. જો મુખ્ય માર્ગો પર જ ડ્રેનેજ વ્યવસ્થા ન હોય, તો આંતરિક વિસ્તારોમાં તેની અપેક્ષા રાખવી નિરર્થક છે.
શહેરના રાજપથ રંગોલી રોડ નજીકની સોસાયટીઓ જેવી કે, વનશ્રી બંગલો અને વ્રજવિલા બંગલો પણ જળમગ્ન બન્યા છે. અવિરત વરસાદ બાદ આ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે રહેવાસીઓના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા.
સ્થાનિકોનો આક્રોશ એ વાત પર હતો કે, જે વિસ્તારોને સફેદ ટોપિંગ રોડ (RCC રોડ) અને સુદ્રઢ ડ્રેનેજ લાઇનના દાવાઓ સાથે વિકસાવવામાં આવ્યા છે, ત્યાં પણ આવી સ્થિતિ સર્જાય છે. એક રહેવાસીએ જણાવ્યું કે, “અહીંયા હજી એક વર્ષ પહેલાં જ સ્ટોર્મ વોટર લાઇન બની છે, છતાં આ હાલત છે.”
શહેરીજનો AMC ની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. તેઓ પૂછે છે કે, જ્યારે ટીપી (ટાઉન પ્લાનિંગ) પાસ કરવામાં આવે છે અને ઘરો તથા રોડ બનાવવામાં આવે છે, ત્યારે ડ્રેનેજની વ્યવસ્થા શા માટે ધ્યાનમાં લેવામાં આવતી નથી?
ઘણા લોકોનું કહેવું છે કે, “અમદાવાદને સ્માર્ટ સિટી કહેવાય છે અને આગામી સમયમાં મલ્ટી નેશનલ ગેમ્સ યોજાવાની છે, ત્યારે આવી ગટર વ્યવસ્થા કે ક્યાંય પાણી જવા માટે જગ્યા ન દેખાતી હોય તો સ્માર્ટ સિટીનો શું અર્થ?”
સ્થાનિકોનો રોષ એ વાત પર પણ છે કે, તેઓ નિયમિતપણે કર ચૂકવે છે અને મોંઘા વિસ્તારોમાં સારા જીવનની અપેક્ષા સાથે રહે છે પરંતુ તેમને મૂળભૂત સુવિધાઓ પણ મળતી નથી. સાત વર્ષથી આ જ સમસ્યાનો સામનો કરી રહેલા એક રહેવાસીએ જણાવ્યું કે, “નાનામાં નાનો પાંચ મિનિટનો વરસાદ પણ અહીં આટલું પાણી ભરી દે છે.”
આ પરિસ્થિતિ AMCની આયોજન અને અમલીકરણની ખામીઓ પર પ્રકાશ પાડે છે, જેના કારણે અમદાવાદના નાગરિકોને દર વર્ષે ચોમાસામાં અસહ્ય યાતના ભોગવવી પડે છે.