
મેગાસિટી અમદાવાદમાં વિકાસની રફ્તાર પૂરઝડપે આગળ વધી રહી છે પરંતુ આ ઝડપી વિકાસથી શહેરની હરિયાળી પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. અમદાવાદ ધીમે ધીમે કોંક્રિટના જંગલમાં ફેરવાઈ રહ્યું છે. ભૂતકાળમાં BRTS, ત્યારબાદ મેટ્રો અને હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઉપરાંત બ્રિજ, રોડ અને સરકારી ઇમારતોના નિર્માણ માટે હજારો વૃક્ષોનો ભોગ લેવાઈ રહ્યો છે. આ વિકાસના નામે પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો હોવાના સવાલો ઊભા થયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ માટે દર વર્ષે 3 હજારથી 5 હજાર મોટા વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવે છે. AMCના પાર્ક એન્ડ ગાર્ડન વિભાગના છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ પર નજર કરીએ, તો સ્થિતિ વધુ સ્પષ્ટ થાય છે.
આ સમયગાળામાં કુલ 3,484 વૃક્ષો કપાયા છે, જ્યારે તેની સામે માત્ર 676 વૃક્ષોનું જ ટ્રાન્સપ્લાન્ટેશન થઈ શક્યું છે. આ આંકડા અમદાવાદની હરિયાળી સામે ઊભા થયેલા ગંભીર સવાલો દર્શાવે છે.
આ આંકડા દર્શાવે છે કે, રોડ-રેલવે અને બુલેટ ટ્રેન જેવા મોટા પ્રોજેક્ટ્સ માટે થયેલું વૃક્ષછેદન નોંધપાત્ર છે, જ્યારે તેની સરખામણીમાં ટ્રાન્સપ્લાન્ટેશનનું પ્રમાણ નહિવત્ છે. રેલવે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં તો એકપણ વૃક્ષનું ટ્રાન્સપ્લાન્ટેશન થયું નથી.
અનેક એવા વૃક્ષો પણ હોવાનો દાવો છે, જે AMCના રેકોર્ડમાં નોંધાયેલા નહોતા અને પ્રોજેક્ટ્સના નામે તેમને પણ કાપી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપો છે. એક તરફ વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવે છે, તો બીજી તરફ નવા વૃક્ષો વાવવાના દાવા કરવામાં આવે છે. AMCના સત્તાધીશો દાવો કરે છે કે, છેલ્લા પાંચ વર્ષમાં “મિશન મિલિયન ટ્રીઝ” અંતર્ગત એક કરોડથી પણ વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે, જે પર્યાવરણનું જતન કરવાના પ્રયાસો દર્શાવે છે.
હવે આ મામલે એક મોટો સવાલ એ પણ ઊઠી રહ્યો છે કે, AMC દ્વારા કરોડો રૂપિયાના જંગી ખર્ચે ખરીદવામાં આવેલું ટ્રી ટ્રાન્સપ્લાન્ટ માટેનું હાઇટેક મશીન હાલ ક્યાં છે? તેને કામ પર કેમ લેવામાં આવતું નથી? જો આ મશીનનો પૂરતો ઉપયોગ થયો હોત, તો કદાચ ટ્રાન્સપ્લાન્ટેશનનો આંકડો વધુ સારો હોત.
જો વૃક્ષો કપાવાની આ જ સ્થિતિ રહી, તો આગામી સમયમાં અમદાવાદીઓને શુદ્ધ ઓક્સિજન માટે પણ ફાંફા મારવા પડશે તેવી ભીતિ અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે. વિકાસ અને પર્યાવરણ વચ્ચેનું આ ગંભીર સંતુલન જાળવવું એ સમયની તાતી જરૂરિયાત છે.