ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશનની નવી પહેલ; અન્નનો બગાડ અટકાવવા ગ્રાહકો માટે લાવશે આ ઓફર- જુઓ Video
અમદાવાદમાં અન્નનો બગાડ અટકાવવા માટે ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશન દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જે ગ્રાહકો હોટલમાં જમવાનું વેડફશે નહીં, તેમને બિલમાં 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. પ્રાયોગિક ધોરણે દર રવિવારે આ અભિયાન શરૂ કરીને ગ્રાહકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં થતા અન્નનો બગાડ અટકાવવા માટે ગુજરાત રાજ્ય હોટલ ફેડરેશન દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરાઈ છે. જે અંતર્ગત જે ગ્રાહકો જમતી વખતે અન્નનો બગાડ નહીં કરે, તેમને બિલમાં 5 ટકા ડિસ્કાઉન્ટ આપવાની અપીલ કરવામાં આવી છે.
સામાન્ય રીતે રવિવારના દિવસે હોટલો અને બેંકવેટ હોલમાં લોકોની ભારે ભીડ હોય છે અને મોટા પ્રમાણમાં ખોરાકનો બગાડ થતો જોવા મળે છે. આ બાબતને ગંભીરતાથી લઈને ફેડરેશને પ્રાથમિક તબક્કે દર રવિવારે આ ડિસ્કાઉન્ટ યોજના અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. શરૂઆતમાં ફેડરેશન કમિટીના સભ્યો પોતાની હોટલોમાં આ વળતર આપશે.
આ અભિયાનને વેગ આપવા માટે દરેક હોટલ, રેસ્ટોરન્ટ અને બેંકવેટમાં ‘અન્નનો બગાડ અટકાવો‘ તેવા સંદેશા સાથેના બેનરો પણ લગાવવામાં આવશે. જો આ અભિયાનને સારો પ્રતિસાદ મળશે, તો આગામી સમયમાં આ ડિસ્કાઉન્ટ નિયમિત ધોરણે આપવાની વિચારણા પણ કરવામાં આવશે. ફેડરેશનનો મુખ્ય હેતુ ગ્રાહકોમાં જાગૃતિ લાવવાનો અને જરૂર પૂરતું જ ભોજન લેવાની આદત કેળવવાનો છે.
