
ચોમાસું શરૂ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવતા પ્રી-મોન્સૂન કામગીરી અને વરસાદી પાણીના નિકાલના તમામ દાવાઓ ફરી એકવાર પોકળ સાબિત થયા છે. શહેરના શિવરંજની જેવા અત્યંત પોશ ગણાતા વિસ્તારમાં માત્ર 2 થી 3 ઇંચ વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કરોડો રૂપિયાના મકાનો ધરાવતી સોસાયટીઓમાં અનેક લોકોના ઘરોની અંદર ડ્રેનેજ અને વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિકોનો સામાન બગડી ગયો છે અને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
સ્થાનિકો અને એબીપી અસ્મિતાના ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં માત્ર સ્ટ્રોમ વોટર લાઇન પાછળ જ રૂ. 1000 કરોડ જેટલો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે, તેમ છતાં શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા ઉકેલાઈ નથી. મુખ્ય માર્ગોની હાઇટ વધારી દેવાતાં આસપાસની જૂની સોસાયટીઓ નીચાણવાળા વિસ્તારમાં ફેરવાઈ ગઈ છે, જેના કારણે ગટરના પાણી બેક મારીને ઘરોમાં ઘૂસી રહ્યા છે. પૂરતા પાઈપલાઈન નેટવર્ક અને કેચપિટના અભાવે સામાન્ય વરસાદમાં પણ વાહનવ્યવહાર ખોરવાઈ જાય છે.
સ્થાનિક રહીશોએ પોતાનો આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 30 વર્ષથી આ જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. વરસાદ ઓછો થાય કે બંધ થઈ જાય તો પણ દિવસો સુધી પાણીનો નિકાલ થતો નથી. ચોમાસું પૂરું થયા પછી કોઈપણ કોર્પોરેટર કે અધિકારી મુલાકાત લેવા આવતા નથી. AMC તંત્ર તરફથી કોઈ મદદ ન મળતાં આખરે સોસાયટીના રહીશોએ જાતે જ મોટર અને પંપિંગ સિસ્ટમ લગાવીને ઘરોમાંથી પાણી બહાર કાઢવાની નોબત આવી છે.
અમદાવાદ મહાનગરપાલિકાનું વાર્ષિક બજેટ 15,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, પરંતુ આટલા મોટા બજેટ છતાં નાગરિકોની પાયાની સમસ્યાઓ ઉકેલાતી નથી. એક તરફ શહેરને સ્માર્ટ સિટી બનાવવાના અને કોમનવેલ્થ ગેમ્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓના આયોજનના દાવા કરાય છે, તો બીજી તરફ સામાન્ય વરસાદમાં જ શહેરનું નાક કપાતું હોય તેવી દયાજનક સ્થિતિ સર્જાય છે. ખુલ્લા જમીન વિસ્તારો પર પેવર બ્લોક અને આરસીસી રોડ બનાવી દેવાતાં વરસાદી પાણી જમીનમાં ઉતરવાને બદલે રસ્તા પર જ ભરાઈ રહે છે, જે તંત્રની ગંભીર અણઆવડત દર્શાવે છે.