
ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાના મહોત્સવ પૂર્વે યોજાતી એવી અતિ મહત્વની જળયાત્રાનો પ્રારંભ થયો છે.ભગવાન જગન્નાથજી નિજ મંદિરેથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી છે.જેમાં ગજરાજાઓ તેમજ વિવિધ ભજન મંડળી સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા છે.
ભગવાન જગન્નાથની 12 યાત્રા પૈકીની એક યાત્રા કરવામાં આવે છે. આજે પૂનમના દિવસે ભગવાન પોતાના મોસાળ સરસપુર જશે. 600 ધ્વજપતાકા સાથે સાબરમતી નદીમાં ગંગાપૂજન કરાશે. 108 કળશમાં જળભરી મંદિરમાં લાવી મહાજળાભિષેક કરવામાં આવશે. જળયાત્રામાં 14 ગજરાજ તેમજ 108 પારંપારિક કળશ અને 1008 મહિલાઓ જોડાઈ છે.
ભગવાન જગન્નાથની જળયાત્રામાં 10થી વધુ ભજન મંડળી જોડાઈ છે. તેમજ 501 લોકો અલગ અલગ રંગોમાં ધ્વજ અને ઝંડી સાથે જોડાયા છે. 51 લોકો ચાંદીની છડી, ચંવર અને છત્ર સાથે 10 જેટલી કાવડમાં ભગવાન જગન્નાથજી માટે પ્રસાદ લાવશે. ભગવાન જગન્નાથજી ગણેશજીના રુપમાં દર્શન આપશે.
આજે ભગવાન મામાના ઘરે સરસપુર ખાતે જશે. સરસપુર મામાના ઘરે ભગવાન જતા જમાલપુર મંદિરમાં 15 દિવસ સુધી વિગ્રહ રહેશે. સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના જળયાત્રા પહોંચશે. ગંગાપૂજન પછી 108 કળશમાં જળ લાવશે. ભગવાનના જળાભિષેક બાદ નાથ ગજવેશમાં ભક્તોને દર્શન આપશે. બપોર બાદ ભગવાનને મોસાળવાસીઓ સરસપુર લઈ જશે.
જળયાત્રામાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યાં છે. જળયાત્રામાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી ,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ મેયર પ્રતિભા જૈન સહિતના પદાધિકારીઓ હાજર રહ્યાં છે. કાશી મથુરાથી આવેલા અનેક સાધુ સંતો જળયાત્રામાં જોડાયા છે.
અમદાવાદમાં જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરેથી નીકળતી જળયાત્રા સાથે એક રસપ્રદ ઇતિહાસ પણ જોડાયેલો છે. આ દિવસે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરેથી જળ લાવ્યા બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જળાભિષેક કરવામાં આવે છે.
આ જળાભિષેક દરમિયાન સાધુ-સંતો અને ભક્તજનોની હાજરીમાં મૂર્તિઓને દૂધ અને કેસરથી સ્નાન કરાવાય છે. જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજીનું પૂજન અર્ચન કરીને ગજવેશ ધારણ કરાવવામાં આવે છે.
( વીથ ઈનપુટ- ધ્વનિ મોદી, અમદાવાદ )
Published On - 8:28 am, Wed, 11 June 25