
અમદાવાદના રસ્તાઓ પર ડમ્પરો જોખમી બન્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં ભારે વાહનોએ 270 નિર્દોષ લોકોનો જીવ લીધો છે. તપાસમાં બેફામ ડ્રાઇવિંગ અને લાઇસન્સ વગર જ ભારે વાહનો ચલાવાતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. શહેરીજનો માટે આફત બનેલા ડમ્પર અને આઇસર ટ્રકો સામે હવે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદમાં ફરી એક વખત બેફામ ડમ્પરનો કહેર સામે આવ્યો છે. થલતેજ ચાર રસ્તા પાસે બપોરે 12 વાગ્યે માતા પોતાના બે બાળકોને એક્ટિવા પર સ્કૂલેથી ઘરે લઈ જઈ રહી હતી, ત્યારે ડમ્પર નંબર GJ 24 X 5130 ના ચાલક મુબારિક મેઉ એ બેફામપણે એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 12 વર્ષની આરાધ્યા બારોટ નામના માસૂમ બાળકીનું ઘટનાસ્થળે જ કચડાઈ જવાથી મોત નીપજ્યું હતું, જ્યારે તેની માતા અને ભાઈ ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત બાદ નાસી છૂટેલા ડ્રાઇવર મુબારિક મેઉની પોલીસે પીછો કરીને ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી પાસે લાઇસન્સ નહોતું અને ડમ્પર કોઈપણ પરમિટ વગર ચાલી રહ્યું હતું. આ જ ડમ્પરે અગાઉ એપ્રિલ મહિનામાં ગોતા ફ્લાયઓવર પાસે એક બાઇકને અડફેડે લેતા રેપિડો ચાલક નરપત ડાફી અને મુસાફર સુશીલ કુમાર પ્રસાદનું મોત નીપજ્યું હતું. તે સમયે પણ ડમ્પર ચાલક વિમલ ડોડીયા પાસે લાઇસન્સ ન હોવાનું ખુલ્યું હતું.
પોલીસે ડમ્પરના માલિક કેયુર બારોટ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અગાઉના કેસમાં પણ કેયુર બારોટ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આરોપી કેયુર બારોટ બનાસકાંઠાના એક ગામમાં સરપંચ છે અને તેની પાસે 12 ડમ્પરો હોવાનું સામે આવ્યું છે.
નોંધનીય છે કે, આ અકસ્માતે ફરી એક વખત શહેર માં ભારે વાહનોની બેફામ અવર જવર અને ડ્રાઇવરોની બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે, કારણકે લાઇસન્સ વગર ડ્રાઈવર ને ડમ્પર ચલાવવાનું મજૂરી કેવી રીતે મળે છે.
આ સાથે જ એક જ ડમ્પર બે વખત અકસ્માત સર્જાયો છે, તેના માલિક વિરુદ્ધ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. એવામાં શહેર ફરી રહેલા આવા બેફામ ડમ્પરો પર ક્યારે નિયંત્રણ આવશે? આવા અનેક સવાલો વચ્ચે રોડ પર નિર્દોષ જિંદગીઓ જીવના જોખમે સફર કરી રહી છે.
Published On - 8:22 pm, Tue, 8 September 26