અમદાવાદ શહેરમાં રખડતા ઢોરને ન પકડવા અધિકારીઓ હપ્તા વસૂલે છે. આ આક્ષેપ ઘાટલોડિયાના ભાજપના કોર્પોરેટર મનોજ પટેલે કર્યો છે. મનોજ પટેલે ઉત્તર પશ્ચિમ ઝોનની બેઠકમાં રખડતા ઢોર મુદ્દે કેટલાક ગંભીર આક્ષેપ કર્યા છે. તેનું કહેવું છે કે લોકોના પ્રશ્નો ઉકેલવા અધિકારીઓ કામ નથી કરતા. અધિકારીઓ અને કમિશનરને અનેકવાર ફોટો અને વીડિયો મોકલવા છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવતી. તેમણે આક્ષેપ કર્યો કે રખડતા ઢોર ન પકડવા ઘાટલોડિયામાંથી જ રૂપિયા 1.25 લાખ રૂપિયા હપ્તો વસૂલાય છે. તેમણે કહ્યું કે- ઢોરમાલિકો કહે છે કે અધિકારીઓ હપ્તા લઈ જાય છે. મનોજ પટેલના આક્ષેપ બાદ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે.
નોંધનીય છેકે ગુજરાતના દરેક શહેરોમાં રખડતા ઢોરોનો પ્રશ્ન દિવસેને દિવસે વિકટ બની રહ્યો છે. આમછતાં, આ પ્રશ્નનો ઉકેલ કોઇપણ પાલિકા કે મહાનગર પાલિકા દ્વારા ઉકેલવામાં આવ્યો નથી. એટલે કે આ પ્રશ્નનો ઉકેલ શોધવામાં કોઇપણ અધિકારીઓ કે રાજકીય નેતાઓને રસ ન હોવાનું લાગી રહ્યું છે. ત્યારે ભાજપના જ કાઉન્સીલર દ્વારા જ થયેલા આ ગંભીર આક્ષેપોએ આ સમસ્યાને નવી વાચા આપી છે. જે આજકાલ સામાન્ય લોકો આક્ષેપ કરી રહ્યાં છે તેવા જ આક્ષેપો હવે શાસક પક્ષના નેતાઓ જ કરી રહ્યાં છે. જે અંગે ગંભીરતાથી વિચારવાનો સમય હવે આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે. અહીં કહેવું રહ્યું કે હાઇકોર્ટ પણ આ ગંભીર પ્રશ્નને લઇને અનેકવાર લાલ આંખ કરી ચુક્યું છે. પરંતુ, નેતાઓ રાજકીય રોટલા શેકવા આ પ્રશ્નને લઇને આંખ આડા કાન કરે છે.