ગુજરાતમાં દિવસે દિવસે મંદિરમાંથી ચોરી થતી હોવાની ઘટનાઓમાં વધારો થયો છે. મંદિરમાં ભગવાનના દર્શન કરવાના બહાને આવી રેકી કરી રાત્રે ચોરી કરતી ટોળકીને પકડવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. અમદાવાદમાંથી આવી જ ચોર ટોળકીનો પર્દાફાશ થયો છે. ગુજરાતના મંદિરોમાં ચોરી કરતી પશ્ચિમ બંગાળની ગેંગના 2 આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
મોહમંદ આમીનૂર ઉર્ફે ભયંકર પઠાણ અને યાસીન કલામ શેખની મંદિર ચોરી કેસમા ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને રીઢા મંદિર ચોર છે. જેમણે નવસારી જિલ્લાના બીલીમોરા જૈન મંદિરમાંથી ચાંદીની મૂર્તિ, પંચધાતુ મૂર્તિ અને રોકડ નાણાંની ચોરી કરી હતી.
આ ચોરી કેસમા ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ઇસનપુર ચંડોળા તળાવ પાસે આરોપી છૂપાયા છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવીને બન્ને ચોરને પકડી લીધા. તેમની પાસેથી પંચધાતુની મૂર્તિ, ચાંદીની મૂર્તિ ઓગાળી દીધી હોવાથી તેના ચોરસા કિંમત 3.65 લાખ, રોકડ નાણાં 3.21 લાખ, ઘરફોડ ચોરીમાં ઉપયોગ લેવાતા સાધનો સહિત 7 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે બન્ને આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે મોહંમદ આમીનૂર પઠાણ અને યાસીન શેખ બન્ને રીઢા ગુનેગાર છે. તેઓની વિરુદ્ધ અમદાવાદમાં અનેક ગુના નોંધાયા છે. આરોપીઓ ગુજરાતના જુદા જુદા મંદિરમાં ચોરી કરવાનો ટાર્ગેટ કરતા હતા. તેઓની મોડ્સ ઓપરેન્ડી વાત કર્યે તો મંદિરોમા ચોરી કરવા માટે પહેલાં મંદિરમાં દર્શન કરવાના બહાને ચારે તરફે ફરીને રેકી કરતા હતા અને ત્યાર બાદ રાત્રે ચોરીને અંજામ આપતા હતા.
આ પ્રકારે આરોપીઓ નવસારી આવેલા જૈન મંદિર, વાપીના જૈન મંદિર અને મકાનોમાં ચોરીને અંજામ આપ્યો હતો. આ ઉપરાંત નંદાસણ જૈન મંદિર, અમદાવાદના વૈષ્ણદેવી મંદિર, સોલા પાસે આવેલા બહુચર માતાજીનું મંદિર તેમજ વાપી કષ્ભંજનદેવ મંદિરમાં ચોરીના ઇરાદે રેકી કરી હોવાની તપાસમાં ખુલાસો થયો છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે 7 ગુનાનો ભેદ ઉકેલીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી મોહમંદ આમીનૂર વિરુદ્ધ અમદાવાદમાં 10 ગુના નોંધાયા છે, જેમાં 3 વખત પાસા અને આરોપી યાસીન શેખ વિરુદ્ધ 6 ગુના નોંધાયા અને એક વાર તડીપાડ કર્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં આ ગેંગની સાથે અન્ય એક આરોપી અહેસામુદ્દીન ઉર્ફે કમાલ શેખ ચોરીના મુદ્દામાલ સાથે ફરાર થઈ ગયો હતો. જેની ક્રાઇમ બ્રાન્ચે કોલકતા પોલીસને બાતમી આપતા ખડકરપુર પોલીસે ચોરીનો ચાંદી મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ આરોપી કસ્ટડી મેળવશે ત્યારે પકડાયેલ બે આરોપીને નવસારી પોલીસને સોંપવાની કાર્યવાહી કરાઇ રહી છે.