
સ્ટેન્ડઅપ કોમેડિયન અને બીગ બોસના સ્પર્ધક પ્રણિત મોરે ‘370 રૂપિયાની બિરયાની’ને લઈને એક નવા જ વિવાદમાં ફસાયો છે. પ્રણિત મોરેના શો દરમિયાન, હિમાંશુ જાંગરા નામના એક વ્યક્તિએ, એક મહિલાને લઈને
વાંધાજનક ટિપ્પણી કરી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ હવે આ મામલાના સંદર્ભમાં પ્રણિત મોરે અને હિમાંશુ જાંગરા એમ બંનેને સમન્સ પાઠવ્યા છે.
હાસ્ય કલાકાર પ્રણિત મોરે હવે તેમના હાસ્ય શો દરમિયાન એક મહિલાને લઈને કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી પર ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ‘370 રૂપિયાની બિરયાની’ અંગેનો વીડિયો વાયરલ થયા બાદ આ મુદ્દાએ વિવાદ ઉભો કર્યો હતો. NCW એ હવે પ્રણિત મોરે અને હિમાંશુ જાંગરા, કે જેણે મહિલાને લઈને ટિપ્પણી કરી હતી તેમને નોટિસ પાઠવવામાં આવી છે. તેમને કમિશનના કાર્યાલયમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.
રાષ્ટ્રીય મહિલા આયોગ પ્રણિત મોરે અને હિમાંશુ જાંગરાને 22 જૂને સાંજે 4 વાગ્યે હાજર થવા જણાવ્યું છે. આ મામલાની ગંભીરતાને સ્વીકારતા, NCW ના અધ્યક્ષ વિજયા રાહતકરે હરિયાણાના પોલીસ મહાનિર્દેશક (DGP) ને પત્ર લખીને નિર્ધારિત સમયમર્યાદામાં તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. કમિશને સાત દિવસની અંદર વિગતવાર ‘એક્શન ટેકન રિપોર્ટ’ (ATR) પણ હરિયાણાના DGP પાસે માંગ્યો છે.
રાષ્ટ્રીય મહિલા આયોગે, ભારતીય ન્યાય સંહિતા (BNS) અને અન્ય લાગુ કાયદાઓ હેઠળ FIR નોંધણીની સ્થિતિ, સંડોવાયેલા લોકો સામે લેવામાં આવેલી કાર્યવાહી, વાયરલ વીડિઓ પુરાવાની ચકાસણી અને પ્રમાણીકરણ અને ઘટનામાં આયોજકો, કલાકારો અને સ્થળ વ્યવસ્થાપન દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાઓ અંગે વિગતો માંગી છે.
NCW directs DGP Haryana to take action in Gurugram Comedy Show Incident; Summoned Pranit More and Himanshu Jangra on June 22 pic.twitter.com/96yiVo19AP
— NCW (@NCWIndia) June 11, 2026
ગુડગાંવમાં પ્રણિત મોરેના સ્ટેન્ડ-અપ કોમેડી શો દરમિયાન, હિમાંશુ નામનો એક વ્યક્તિ તેના ડેટિંગ જીવનની ચર્ચા કરી રહ્યો હતો અને તેણે એક છોકરીને ડેટ પર લઈ જવાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે તેણીને બિરયાની ખવડાવવાની વાત કહી, જેના કારણે તેને રૂપિયા 370નો ખર્ચ થયો. તેણે વધુમાં જણાવ્યું કે તેણે પૈસા ખર્ચ્યા હોવાથી, તે બદલામાં કંઈક અપેક્ષા રાખતો હતો.
તેણે દાવો કર્યો કે તે છોકરીને તેની ઇચ્છા વિરુદ્ધ અંધારાવાળા બગીચામાં લઈ ગયો હતો. શોનો વીડિયો વાયરલ થયા બાદ હિમાંશુ જાગંરા અને પ્રણિત મોરે વિવાદમાં ફસાઈ ગયા હતા. શો દરમિયાન પ્રણિત મોરે આ ટિપ્પણી અંગે હિમાંશુને અટકાવવાનું પણ યોગ્ય ના માન્યું. પરિણામે, તેમને લોકો તરફથી પ્રતિક્રિયાનો સામનો કરવો પડી રહ્યો છે.