
રણબીર કપૂર અને સાઈ પલ્લવીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ છેલ્લા ઘણા મહિનાઓથી સતત ચર્ચામાં છે. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ આ ફિલ્મના પહેલા ભાગની રિલીઝ ડેટ નજીક આવી રહી છે. ‘રામાયણ પાર્ટ 1’ આ વર્ષે દિવાળી પર અને પાર્ટ 2 આગામી વર્ષે એટલે કે 2027ની દિવાળી પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ભવ્ય ફિલ્મને મોટા પાયે રિલીઝ કરવા માટે મેકર્સ જોરશોરથી તૈયારી કરી રહ્યા છે.
વિદેશોમાં આ ફિલ્મને વોર્નર બ્રધર્સ પિક્ચર્સ ડિસ્ટ્રિબ્યુટ કરશે, જ્યારે ભારતના ઘરેલું માર્કેટ માટે આ ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશન રાઈટ્સ કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શન્સે ખરીદી લીધા છે.
અહેવાલ મુજબ, ‘રામાયણ’ના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ ફિલ્મનું 30 મિનિટનું એડિટ કરેલું ફૂટેજ કેટલાક મોટા સ્ટુડિયોઝને બતાવ્યું હતું. આ 30 મિનિટના દ્રશ્યો જોઈને જ ધર્મા પ્રોડક્શન્સ એટલું પ્રભાવિત થઈ ગયું કે તેમણે તરત જ ડીલ માટે વાતચીત આગળ વધારી દીધી.
અહેવાલો અનુસાર, શરૂઆતમાં ડિસ્ટ્રિબ્યુશન રાઈટ્સ માટેની વાતચીત 500 કરોડ રૂપિયાથી શરૂ થઈ હતી, પરંતુ આખરે આ ડીલ 250 કરોડ રૂપિયામાં ફાઈનલ થઈ છે. ધર્મા પ્રોડક્શન્સ આ ફિલ્મ સાથે જોડાવાના કારણે હવે આ ફિલ્મ ભારતમાં અત્યાર સુધીની સૌથી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થાય તેવી પૂરી શક્યતા છે.
નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ‘રામાયણ’ ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ માનવામાં આવી રહી છે, જેનું કુલ બજેટ 4000 કરોડ રૂપિયાથી પણ વધુ છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં, સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં, સાઉથ સુપરસ્ટાર યશ રાવણના રોલમાં, રવિ દુબે લક્ષ્મણ અને સની દેઓલ હનુમાનજીના રોલમાં જોવા મળશે.
આ ઉપરાંત લારા દત્તા, રકુલ પ્રીત સિંહ, અરુણ ગોવિલ અને કુણાલ કપૂર જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું સંગીત ઓસ્કર વિજેતા એ. આર. રહેમાન હોલીવુડના પ્રખ્યાત કમ્પોઝર હેન્સ ઝિમર સાથે મળીને તૈયાર કરી રહ્યા છે.
Published On - 6:41 pm, Tue, 7 July 26