
બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ સાથે જોડાયેલા એક મોટા અને સનસનાટીપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મુંબઈના જુહુ વિસ્તારમાં તેમની કાર પર અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો છે. મળતી માહિતી અનુસાર, ટાઈગર શ્રોફ ફૂટબોલ ગ્રાઉન્ડથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન બાઈક પર સવાર થઈને આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ જુહુના JVPD ગ્રાઉન્ડ પાસે તેમની ગાડી પર ફાયરિંગ કર્યું હતું. પ્રાથમિક વિગતો મુજબ 5 થી 7 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટાઈગર શ્રોફના ડ્રાઈવર અને ત્યાં હાજર એક નિર્દોષ રિક્ષાચાલક ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. મુંબઈ પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર મામલે સઘન તપાસ શરૂ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
હુમલો થયો તે સમયે ટાઈગર શ્રોફ કારમાં જ સવાર હતા, જોકે સદનસીબે તેઓ આ ઘટનામાં સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમને કોઈ ગોળી વાગી નથી. સમગ્ર મામલે મુંબઈ પોલીસનું સત્તાવાર નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં જણાવાયું છે કે, “જુહુ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળ ગોળીબારની ઘટના બની છે. ટાઈગર શ્રોફ સુરક્ષિત છે, તેમને કોઈ ગોળી વાગી નથી. સમગ્ર મામલે આગળની કાયદેસરની તપાસ ચાલી રહી છે.” નોંધનીય છે કે આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સ્વીકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ટાઈગર શ્રોફ ફૂટબોલ રમીને પોતાની કારમાં ઘરે પાછા ફરી રહ્યા હતા. જેવી તેમની ગાડી ગ્રાઉન્ડની બહાર નીકળી કે તરત જ બાઈક પર સવાર ત્રણ અજાણ્યા બદમાશો ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. હુમલાખોરોએ અંદાજે 5 થી 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે ટાઈગર શ્રોફના કાર ડ્રાઈવર તેમજ ત્યાંથી પસાર થઈ રહેલા એક રિક્ષાચાલકને ઈજા પહોંચી હતી. હાલ બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોને ઝડપી પાડવા કવાયત કરી રહી છે.
Published On - 7:49 pm, Sun, 18 October 26