Breaking News : અમિતાભ બચ્ચનના જલસા બંગલાને ગ્રેનેડથી ઉડાવી દેવાની ધમકી! દિલજીતના કોન્સર્ટને પણ નિશાન બનાવવાનો દાવો
બોલિવૂડનો મહાનાયક અમિતાભ બચ્ચન અને લોકપ્રિય પંજાબી ગાયક દિલજીત દોસાંઝનાં નામનો ધમકીભર્યો ઈ-મેઇલ આવ્યો છે. આ ઘટનાને પગલે મનોરંજન જગતની હસ્તીઓની સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. હાલમાં તપાસ એજન્સીઓ ધમકી આપનાર વ્યક્તિ કોણ છે અને તેની પાછળનો હેતુ શું છે, તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.

બોલિવૂડનો મહાનાયક અમિતાભ બચ્ચન અને લોકપ્રિય પંજાબી ગાયક દિલજીત દોસાંઝનાં નામનો ધમકીભર્યો ઈ-મેઇલ આવ્યો છે. આ ઘટનાને પગલે મનોરંજન જગતની હસ્તીઓની સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. હાલમાં તપાસ એજન્સીઓ ધમકી આપનાર વ્યક્તિ કોણ છે અને તેની પાછળનો હેતુ શું છે, તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.
ખાસ વાત એ છે કે મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે 27 નવેમ્બરે યોજાનારા દિલજીત દોસાંઝના કોન્સર્ટને નિશાન બનાવવાની ધમકી પણ આ ઈ-મેઇલ દ્વારા આપવામાં આવી છે. આ ઘટનાથી કાર્યક્રમના આયોજકો અને ચાહકોની ચિંતામાં વધારો થયો છે. પોલીસ આ ધમકી પાછળ કોણ છે અને તેનો હેતુ શું છે, તેની તપાસ કરી રહી છે.
દિલજીત દોસાંઝનો 27 નવેમ્બરે કોન્સર્ટ
દિલજીત દોસાંઝનો ભારત પ્રવાસ હાલમાં ચર્ચામાં છે. મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે 27 નવેમ્બરે તેનો કોન્સર્ટ યોજાવાનો છે. જોકે, કાર્યક્રમને ધમકી મળતાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે. અગાઉ પણ દિલજીતના કાર્યક્રમોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. 22 ઓક્ટોબરે સામે આવેલા અહેવાલો અનુસાર, દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે 30 ઓક્ટોબરે યોજાનારા તેના કોન્સર્ટને સુરક્ષાનાં કારણોસર દિલ્હી પોલીસની મંજૂરી મળી ન હોવાનું જાણવા મળ્યું હતું.
શાળાઓને ધમકીનો ઈ-મેઇલ મળ્યો
મુંબઈની કેટલીક જાણીતી શાળાઓને પણ ધમકીભર્યા ઈ-મેઇલ મોકલવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દાદર વિસ્તારની કેટલીક શાળાઓને સવારે આ ઈ-મેઇલ મળ્યા હતા. માહિતી મળતાં જ પોલીસે શાળાઓમાં તપાસ હાથ ધરી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. તેમ છતાં, ધમકીભર્યા ઈ-મેઇલને કારણે શાળાઓમાં થોડા સમય માટે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે.
મુંબઈ મેયરની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
મુંબઈનાં મેયરને ફરી એકવાર ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો છે. આ ઈ-મેઇલ દ્વારા મેયરની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. સૂત્રો અનુસાર, ધમકી મળવાની આ ત્રીજી ઘટના છે. વારંવાર ધમકીભર્યા ઈ-મેઇલ મળતા હોવાથી આ મામલે ગંભીરતાથી પગલાં લેવાની જરૂર ઊભી થઈ છે. આ ધમકીભર્યા ઈ-મેઇલ બાદ પોલીસ તંત્ર શું કાર્યવાહી કરે છે અને ધમકી આપનાર વ્યક્તિને શોધવા માટે કેવી રીતે તપાસ હાથ ધરે છે, તેના પર સૌની નજર છે.
