
અમિતાભ બચ્ચનના ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિમાં પંજાબને લઈ પુછવામાં આવેલા એક સવાલ પર વિવાદ ઉભો થયો છે. શોમાં પંજાબમાં ગુનો અને પોલીસ સ્ટેશન પર બોમ્બથી ઉડાવી દેવાના મામલા સાથે જોડાયેલા સવાલ પર લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે સંગરુરના એક વકીલે અમિતાભ બચ્ચન અને સોની એન્ટરટેનમેન્ટ ટેલીવિઝનને કાનુની નોટિસ મોકલી છે. નોટિસ દ્વારા વિવાદિત સવાલ અને તેની સાથે જોડાયેલી વીડિયો ક્લિપને નેશનલ મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી દુર કરી પંજાબના લોકોની સાર્વજનિક માફી માંગવા અને આખા મામલે સફાઈ આપવાની માંગ કરી છે. આ માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. માંગ જો પુરી નહી થાય તો કાનુની કાર્યવાહીની પણ ચેતવણી આપી છે.
આ નોટિસ રંજીત સિંહ તરફથી એડવોકેટ ઈન્દ્રજીત અરોરાને મોકલી છે.આ નોટિસ KBC ના હોસ્ટ તરીકે અમિતાભ બચ્ચનને તેમના બીજા સરનામે એબી કોર્પ લિમિટેડ દ્વારા અને સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓને મોકલવામાં આવી હતી. એડવોકેટ ઇન્દ્રજીત અરોરાએ IANS સાથે વાત કરતા કેસની વિગતો આપી.
તેમણે કહ્યું થોડા દિવસ પહેલા મારા ક્લાઈન્ટે મને સોની ટીવી પર પ્રસારિત થનારા શો કેબીસીના કેટલાક સ્ક્રીનશોર્ટ અને એક વીડિયો ક્લીપ દેખાડી હતી. જેમાં 12 લાખ 50 હજાર રુપિયાના સવાલ પુછવામાં આવ્યો હતો. “તાજેતરમાં કયા રાજ્યમાં ગુનેગારો પોલીસ સ્ટેશનો પર બોમ્બ વિસ્ફોટ કરવાથી ડરતા નથી?” આ પ્રશ્ન પંજાબને ગુના સાથે જોડવાનો પ્રયાસ કરે છે, જે રાજ્યની છબીને અસર કરી શકે છે.”
અરોરાએ કહ્યું, આ આધારે, અમે સોની ટીવી અને અમિતાભ બચ્ચનને કાનૂની નોટિસ મોકલી છે. અમે માંગ કરીએ છીએ કે વિવાદાસ્પદ પ્રશ્ન અને વિડિઓ તાત્કાલિક દૂર કરવામાં આવે અને પંજાબના લોકો પાસે બિનશરતી માફી માંગવામાં આવે. આ રીતે કોઈપણ એક રાજ્યને નિશાન બનાવવું યોગ્ય નથી. વકીલે વીડિયો અંગે બીજો એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો. તેમણે ચિંતા વ્યક્ત કરી કે તે (AI) ની મદદથી બનાવવામાં આવ્યો હોઈ શકે છે. જો તપાસમાં આ વાત બહાર આવે છે, તો વિડિઓ બનાવનાર વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, કૌન બનેગા કરોડપતિ ભારતીય ટેલીવિઝનનો લોકપ્રિય ક્વિઝ શોમાંથી એક છે. આ શોની શરુઆત વર્ષ 2000માં થઈ હતી. અમિતાભ બચ્ચન લાંબા સમયથી આ શોને હોસ્ટ કરી રહ્યા છે.