અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ના સ્ક્રિનિંગ સમયે થયેલા અકસ્માત બાદ તેલંગાણા સરકાર ફિલ્મો પર કડક બની રહી હોય તેવું લાગી રહ્યું છે. તેને જોતા હવે તેલુગુ સિનેમાના પ્રતિનિધિઓ સરકાર સાથે બેઠક કરવા જઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ આ બેઠક ગુરુવારે યોજાય તેવી શક્યતા છે. જેમાં અલ્લુ અર્જુનની ધરપકડ બાદ ઉદ્યોગ અને સરકાર વચ્ચે ચાલી રહેલા તણાવને ઉકેલવાના પ્રયાસો કરવામાં આવશે.
4 ડિસેમ્બરે ‘પુષ્પા 2’ના સ્પેશિયલ સ્ક્રીનિંગના અવસર પર હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં રેવતી નામની મહિલાનું મોત થયું હતું અને તેનો 9 વર્ષનો પુત્ર શ્રેતેજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જે હજુ વેન્ટીલેટર પર છે. આ કેસની તપાસ કરી રહેલી પોલીસે આ કેસના સંબંધમાં અલ્લુ અર્જુનની પણ ધરપકડ કરી હતી, જે સ્પેશિયલ સ્ક્રીનિંગ જોવા માટે સંધ્યા થિયેટરમાં પહોંચ્યો હતો.
તેલંગાણા સ્ટેટ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (FDC) ના અધ્યક્ષ અને તેલુગુ ઉદ્યોગના અગ્રણી નિર્માતા દિલ રાજુએ બુધવારે જણાવ્યું હતું કે, ઉદ્યોગની પ્રતિષ્ઠિત હસ્તીઓનું એક પ્રતિનિધિમંડળ તેલંગાણાના મુખ્યમંત્રી એ.રેવંત રેડ્ડી, સરકાર અને ઉદ્યોગ વચ્ચે ‘હેલ્ધી રિલેશન’ બનાવાવ માટે વિઝિટ કરશે.
એક કામચલાઉ યાદી અનુસાર, નિર્માતા અલ્લુ અરવિંદ (અલ્લુ અર્જુનના પિતા), સુરેશ દગ્ગુબાતી, સુનીલ નારંગ, સુપ્રિયા, નાગા વામશી અને ‘પુષ્પા 2’ના નિર્માતા નવીન યેર્નેની અને રવિ શંકર પણ આ બેઠકમાં હાજરી આપવાના છે. તેમની સાથે વેંકટેશ દગ્ગુબાતી, નીતિન, વરુણ તેજ, સિદ્ધુ જોન્નાલગડ્ડા, કિરણ અબ્બાવરામ અને શિવા બાલાજી પણ મુખ્યમંત્રીને મળવા આવનાર પ્રતિનિધિમંડળનો ભાગ હશે.
આ મીટિંગનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે. કારણ કે તાજેતરમાં જ તેલંગાણાના સિનેમેટોગ્રાફી મિનિસ્ટર કોમાતિરેડ્ડી વેંકટ રેડ્ડીએ નિવેદન આપ્યું હતું કે, ભવિષ્યમાં સરકાર માત્ર પસંદગીની ફિલ્મોને ટિકિટના ભાવ વધારવાની મંજૂરી આપશે. જેમાં ઈતિહાસ, સ્વાતંત્ર્ય સંગ્રામ કે ડ્રગ્સ વિરોધી કે અન્ય કોઈ મેસેજ આપતી ફિલ્મોનો સમાવેશ થશે.
આ નિવેદન અનુસાર જો આ નિયમ લાગુ કરવામાં આવે છે તો તેની અસર રામ ચરણની ‘ગેમ ચેન્જર’, નંદામુરી બાલકૃષ્ણની ‘ડાકુ મહારાજ’ અને વેંકટેશની ‘સંક્રાંતિ વસ્થાનમ’ જેવી ઘણી મોટી આગામી તેલુગુ ફિલ્મો પર પડશે. જે નવા વર્ષમાં સંક્રાંતિ પર રિલીઝ થશે. રામ ચરણની ‘ગેમ ચેન્જર’નું નિર્દેશન લોકપ્રિય નિર્દેશક એસ. શંકરે તેનું દિગ્દર્શન કર્યું છે અને તે 400 કરોડ રૂપિયાના બજેટ સાથે બનાવવામાં આવી છે.
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ‘પુષ્પા 2’ના સ્ક્રીનિંગ પહેલા ‘રોડ શો’ કરવા અને લોકો તરફ ‘વેવ’ કરવા બદલ અલ્લુ અર્જુનની ટીકા કરી હતી. જ્યારે અર્જુને પ્રેસ કોન્ફરન્સમાં આવા આરોપોનો જવાબ આપતા કહ્યું હતું કે, તે માત્ર ફિલ્મ જોવા ગયો હતો, ત્યાં કોઈ રોડ શો કરવામાં આવ્યો ન હતો.
અર્જુનની તેલંગાણા પોલીસે 13 ડિસેમ્બરે સંધ્યા થિયેટર કેસમાં ધરપકડ કરી હતી. પરંતુ તેલંગાણા હાઈકોર્ટે તે જ દિવસે તેમને આ કેસમાં 4 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા. જો કે અર્જુનને જેલમાંથી બહાર આવવામાં એક દિવસ લાગ્યો અને તે 14 ડિસેમ્બરે બહાર આવ્યો હતો.
અલ્લુ અર્જુનની ફિલ્મ વિશે વાત કરીએ તો ‘પુષ્પા 2’ ત્રણ અઠવાડિયા પછી પણ સિનેમાઘરોમાં જોરદાર કમાણી કરી રહી છે. ભારતીય બોક્સ ઓફિસ પર 1100 કરોડ રૂપિયાની કમાણી કરનાર તે પ્રથમ ભારતીય ફિલ્મ બની છે.