
પાકિસ્તાની કલાકારો અને ત્યાં બનતા કન્ટેન્ટને લઈને ભારતમાં ફરી એકવાર ચર્ચા તેજ થઈ ગઈ છે. નેટફ્લિક્સ (Netflix) ની અપકમિંગ પાકિસ્તાની સિરીઝ ‘જો બચે હૈં સંગ સમૈટ લો’ (Jo Bachay Hain Sang Samait Lo) ને લઈને અગાઉથી જ વિવાદ શરૂ થઈ ચૂક્યો છે.
ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશને (AICWA) આ સિરીઝને ભારતમાં રિલીઝ થતી અટકાવવાની માગ ઉઠાવી છે. આ સંદર્ભે સંગઠને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે. હવે આ માગને શિવસેના નેતા આનંદ દુબેનું સમર્થન મળ્યું છે. તેમણે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારના સાંસ્કૃતિક જોડાણનો વિરોધ કર્યો છે.
શિવસેના નેતા આનંદ દુબેએ ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશન (AICWA) ની એ માગનું સમર્થન કર્યું છે, જેમાં પાકિસ્તાની નેટફ્લિક્સ સિરીઝ ‘જો બચે હૈં સંગ સમૈટ લો’ પર ભારતમાં પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી છે. તેમણે પાકિસ્તાન અને ત્યાંના સાંસ્કૃતિક કન્ટેન્ટનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની અપીલ પણ કરી છે.
આનંદ દુબેએ ANIને કહ્યું, ‘પાકિસ્તાન વેબ સિરીઝ બનાવે કે ક્રિકેટ રમે, એ તેમનો અંગત મામલો છે. તેમણે તેને પોતાના પૂરતો જ રાખવો જોઈએ. હવે જ્યાં સુધી આપણા દેશની વાત છે, તો અમને તેમના ક્રિકેટ, વેબ સિરીઝ કે તેમની સાથે કોઈ પણ પ્રકારના સાંસ્કૃતિક જોડાણમાં કોઈ રસ નથી. અમારા ફિલ્મ એસોસિયેશનના સભ્યોએ પ્રધાનમંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે, નેટફ્લિક્સ કે અન્ય પ્લેટફોર્મ પર આવતી આવી વેબ સિરીઝ ભારતમાં પ્રસારિત ન થવી જોઈએ.’
તેમણે આગળ કહ્યું, “પાકિસ્તાન નાચે, ગાવાનું કરે, રડે, બૂમો પાડે, શોક મનાવે કે ભીખ માગે… અમને આમાંથી કોઈ પણ બાબતમાં બિલકુલ રસ નથી. આ સમયે ભારતની પ્રાથમિકતા પાકિસ્તાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની છે.’
‘જો બચે હૈં સંગ સમૈટ લો’ (Jo Bachay Hain Sang Samait Lo) ફરહત ઈશ્તિયાકની આ જ નામની જાણીતી ઉર્દૂ નવલકથા પર આધારિત છે.
આ સિરીઝમાં ફવાદ ખાન (Fawad Khan), માહિરા ખાન (Mahira Khan), હાનિયા આમિર (Hania Aamir), સનમ સઈદ (Sanam Saeed), અહદ રઝા મીર (Ahad Raza Mir), હમઝા અલી અબ્બાસી (Hamza Ali Abbasi) અને ઈકરા અઝીઝ (Iqra Aziz) જેવા કલાકારો જોવા મળશે.
સિરીઝની કહાની ત્રણ પેઢીઓ વચ્ચે ફેલાયેલી 6 પ્રેમ કહાનીઓની આસપાસ ફરે છે. આનું પ્રીમિયર 4 ડિસેમ્બર 2026ના રોજ નેટફ્લિક્સ પર થવાનું છે.