
બોલિવુડ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની ફિલ્મ ‘કિંગ’ (King) આ વર્ષના છેલ્લા અઠવાડિયામાં રિલીઝ થવાની છે. થોડા દિવસો પહેલાં મેકર્સે ‘કિંગ’નું પહેલું ગીત ‘તૂ મિલ જાયે’ રિલીઝ કર્યું હતું, જેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે.
આ ગીત આજે પણ લોકોની જીભ પર ચઢેલું છે. એવામાં હવે ‘કિંગ’ના બીજા ગીત ‘ડેડી કૂલ’ અંગે મોટું અપડેટ સામે આવ્યું છે. આ ગીતમાં શાહરૂખ ખાન સાથે કરીના કપૂર ડાન્સ કરતી જોવા મળશે.
બોલિવુડ હંગામાના રિપોર્ટ મુજબ, ‘કિંગ’માં શાહરૂખ ખાન અને કરીના કપૂર પર ‘ડેડી કૂલ’ ગીત ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીતમાં બંનેને પરફોર્મ કરતા જોવા માટે ફેન્સ આતુર છે. મળતી માહિતી મુજબ, મેકર્સ ‘ડેડી કૂલ’ ગીતને 25 નવેમ્બરે રિલીઝ કરશે.
આ ગીતમાં શાહરૂખ ખાન અને કરીના કપૂરને જબરદસ્ત અંદાજમાં ડાન્સ કરતા જોવામાં આવશે. ‘કિંગ’ નું બીજું ગીત કરીના કપૂર સાથે વાસ્તવિક લોકેશન્સ પર ફિલ્માવવામાં આવ્યું છે. આ એક હિંગ્લિશ ગીત છે.
જણાવી દઈએ કે, શાહરૂખ ખાનની ફિલ્મ ‘કિંગ’નું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. આ પહેલાં સિદ્ધાર્થ આનંદે શાહરૂખ ખાનની કમબેક મૂવી ‘પઠાણ’ ને ડિરેક્ટ કરી હતી.
‘કિંગ’ માં શાહરૂખ ખાન સાથે દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, રાની મુખર્જી, અનિલ કપૂર, જેકી શ્રોફ, જયદીપ અહલાવત, અરશદ વારસી, રાઘવ જુયાલ, અભય વર્મા અને સુહાના ખાન સહિત ઘણા એક્ટર્સને અલગ-અલગ ભૂમિકાઓમાં જોવામાં આવશે.
આ ફિલ્મ 24 ડિસેમ્બરે દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, શાહરૂખ ખાનની ‘કિંગ’ બનાવવામાં મેકર્સે લગભગ 400 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.