
બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન પોતાની ફિલ્મ ‘Maatrubhumi’ સાથે મોટા પડદા પર દસ્તક આપવા માટે તૈયાર છે. સલમાન ખાનની આ મૂવી 4 ડિસેમ્બરના રોજ મોટા પડદા પર રિલીઝ થશે. મૂવીમાં તેમની સાથે અભિનેત્રી ચિત્રાંગદા સિંહ પણ જોવા મળશે. જો કે, બોક્સ ઓફિસ પર સલમાન ખાનની ‘માતૃભૂમિ’ ની ટક્કર ‘Eetha’ સાથે થશે.
આ બધા વચ્ચે હવે શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) ની ફિલ્મ ‘ઈથા’ સાથેના ટકરાવ પર સલમાન ખાને પોતે મૌન તોડ્યું છે. ભાઈજાને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેમણે ફોન કરીને શ્રદ્ધા કપૂરની માફી માંગી છે. ‘ઈથા’ ઉપરાંત સલમાન ખાને શાહરૂખ ખાન અને સુહાના ખાનની આગામી ફિલ્મ ‘King’ પર પણ મૌન તોડ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાને (Salman Khan) ‘ઈથા’ અને ‘માતૃભૂમિ’ના ટકરાવ પર નિવેદન આપ્યું હતું. અભિનેતાએ કહ્યું કે, જો તેમને ખબર હોત કે બંને ફિલ્મો એક જ દિવસે રિલીઝ થઈ રહી છે તો તેઓ આવું ક્યારેય ન કરતા.
સલમાન ખાને કહ્યું, “અમે જ્યારે 4 ડિસેમ્બરની જાહેરાત કરી, મને ખબર નહોતી કે શ્રદ્ધા કપૂરની ફિલ્મ પણ 4 ડિસેમ્બરે આવી રહી છે. મને ખરેખર ખૂબ ખરાબ લાગ્યું. જો મને ખબર હોત તો હું શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાથે મારી મૂવી રિલીઝ ન કરતો.” સલમાન ખાને જણાવ્યું કે, તેમણે અભિનેત્રી સાથે આ વિશે વાત કરી છે.
ભાઈજાને કહ્યું, “મેં તેમની સાથે વાત કરી, તેમને ફોન કર્યો. મેં તો તેમને મારી આંખો સામે મોટા થતા જોયા છે. મેં તેમને કહ્યું કે મને માફ કરજો, મને ખબર નહોતી.”
સલમાન ખાને આગળ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) ની પ્રતિક્રિયા પણ શેર કરી. તેમણે જણાવ્યું, “શ્રદ્ધાએ કહ્યું… નહીં નહીં સર, આપણી બંનેની મૂવીઝ માટે પૂરતી જગ્યા છે.’ મેં કહ્યું કે ચાલો ઠીક છે, હું ખુશ છું.” સલમાન ખાને લોકોને શ્રદ્ધા કપૂરની ફિલ્મ જોવાની પણ અપીલ કરી. તેમણે કહ્યું, “મને લાગે છે કે, દરેક વ્યક્તિએ તે મૂવી જોવી જોઈએ.”
સલમાન ખાને આગળ જણાવ્યું કે, તેઓ શાહરૂખ ખાનની ‘કિંગ’ સાથે પણ ટક્કર કરવા માંગતા નથી. અભિનેતાએ કહ્યું, “શાહરૂખ 24 ડિસેમ્બરે આવી રહ્યા છે. હું શાહરૂખ અને તેમની દીકરી સુહાના સાથે પણ ટકરાવ કરવા માંગતો નથી. બિલકુલ નહીં, જે ‘એવેન્જર્સ’ અને ‘ડ્યૂન’ મૂવી રિલીઝ થઈ રહી છે, હું તેમની સાથે ટકરાવ કરવાનું પસંદ કરીશ. જો કે, તે એક અઠવાડિયા પહેલા આવી રહી છે. મને તેમની સાથે ટકરાવ કરવામાં કોઈ વાંધો નથી. જો હું મારી રિલીઝ ડેટ છોડી દઉં તો શાહરૂખ ખાન એક અઠવાડિયા પછી જ આવી રહ્યા છે, તેમની સાથે ક્યારેય ટકરાવ કરવો નથી.”