Ayesha Takia Filmy Love Story: આયેશા ટાકિયાએ ફિલ્મ ‘ટાર્ઝન ધ વન્ડર કાર’થી ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું, ત્યારે તે ટૂંક સમયમાં જ યુવાનોના દિલની ધડકન બની ગઈ હતી. આયેશા લાખો છોકરાઓની ક્રશ હતી, પરંતુ તેની પર્સનલ લાઈફ તેની ફિલ્મો કરતાં વધુ લાઈમલાઈટમાં રહી હતી. ફેમસ નેતાના બિઝનેસમેન પુત્રના પ્રેમમાં પડીને આયેશા ટાકિયાએ ધર્મ પરિવર્તન કર્યું અને નાની ઉંમરે લગ્ન કરી લીધા.
આયેશા ટાકિયાને દર્શકોએ ‘શાદી નંબર 1’, ‘દિલ માંગે મોર’ અને ‘શાદી સે પહેલે’ જેવી ઘણી નાની-મોટી ફિલ્મોમાં જોવા મળી હતી. ‘દોર’ જેવી ફિલ્મોમાં પણ તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. તે 20 થી વધુ ફિલ્મોમાં જોવા મળી હતી, પરંતુ તેને સૌથી વધુ લોકપ્રિયતા સલમાન ખાનની ફિલ્મ ‘વોન્ટેડ’થી મળી હતી, જેમાં આયેશાએ સલમાન ખાનની ગર્લફ્રેન્ડનો રોલ કર્યો હતો, પરંતુ ફિલ્મો કરતાં પર્સનલ લાઈફના અફેરની વધુ ચર્ચાઓ થઈ હતી.
આયેશાએ માત્ર 23 વર્ષની ઉંમરે ફેમસ રાજકારણી અબુ આઝમીના પુત્ર ફરહાન આઝમી સાથે લગ્ન કરીને બોલિવુડને અલવિદા કહી દીધું હતું. તેના ફ્લોપ કરિયરને આનું મોટું કારણ માનવામાં આવતું હતું. એવું કહેવાય છે કે એક્ટ્રેસના પિતા અને અબુ આઝમી સારા મિત્રો હતા, તેથી એવું બની શકે કે બંને એકબીજાને પહેલેથી જ ઓળખતા હતા.
આયેશાના પતિ ફરહાનની મુંબઈમાં હોટલ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ શરૂઆતમાં એક્ટ્રેસ ફરહાનની હોટલમાં ઘણી જ જતી હતી. બંનેએ પોતાના સંબંધોને સિક્રેટ રાખ્યા હતા, પરંતુ ત્યારબાદ તેઓ એકબીજાને ખુલ્લેઆમ મળવા લાગ્યા. આયેશા અને ફરહાન લગભગ 4 વર્ષ રિલેશનશિપમાં રહ્યા હતા.
એક્ટ્રેસ આયેશાએ 1 માર્ચ 2009ના રોજ તેનો ધર્મ બદલીને ફરહાન સાથે લગ્ન કર્યા. લગ્ન પછી એક્ટ્રેસે પોતાના નામ સાથે ‘આઝમી’નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આયેશાએ એકવાર તેના પતિના વખાણ કરતા કહ્યું હતું કે, ‘તે ખૂબ જ વિનમ્ર, સરળ અને મહેનતી વ્યક્તિ છે. તેને તેનો બિઝનેસ ગમે છે. તે એક સારો મિત્ર છે અને તેનાથી પણ વધુ તે એક સારો પતિ છે. આજે કપલને એક પુત્ર છે, જેનું નામ Mikail Azmi છે. એક્ટ્રેસે તેના પુત્રના આવવા પછી બોલિવુડમાંથી બ્રેક લીધો હતો, પરંતુ તે ફરીથી ફિલ્મોમાં કામ કરવા માંગે છે.
ફરહાન આઝમીને ડેટ કરતા પહેલા આયેશા ટાકિયા મનીષા કોઈરાલાના ભાઈ સિદ્ધાર્થ અને અમીષા પટેલના ભાઈ અશ્મિત પટેલને ડેટ કરતી હતી. એવું કહેવાય છે કે આયેશા અને સિદ્ધાર્થ કોઈરાલા બોલિવુડમાં ડેબ્યુ કરતા પહેલા જ એકબીજાને ઓળખતા હતા.
આયેશાનો જન્મ 10 એપ્રિલ 1986ના રોજ મુંબઈમાં હિન્દુ પિતા અને મુસ્લિમ માતાને ત્યાં થયો હતો. એક્ટ્રેસે 15 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું હતું. જો તમે ક્યારેય ફાલ્ગુની પાઠકનો મ્યુઝિક વિડિયો ‘મેરી ચુનર ઉડ ઉડ જાયે’ જોયો હોય, તો તમે તેમાં આયેશાને જોઈ જ હશે. તેને એક ટીવી કમર્શિયલથી ઘણી લોકપ્રિયતા મળી, જેમાં તે કોમપ્લેન ગર્લ બની.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…