થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ રણબીર કપૂરની ‘એનિમલ’ હવે OTT પર પણ રિલીઝ થઈ છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર આવી ગઈ છે. આ ફિલ્મને ઈંગ્લિશમાં પણ ડબ કરવામાં આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ‘એનિમલ’નું અંગ્રેજી ડબિંગ રણબીર કપૂરે નહીં પરંતુ કોઈ અન્ય વ્યક્તિએ કર્યું છે. જો કે ફિલ્મ જોતી વખતે તમને ક્યાંય એવું નહીં લાગે કે આ રણબીરનો અવાજ નથી.
‘એનિમલ’માં રણબીર કપૂરને અવાજ આપનારા એક્ટર બીજું કોઈ નહીં પણ લોકપ્રિય ટીવી સ્ટાર નકુલ મહેતા છે. નકુલે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા આ વાતનો ખુલાસો કર્યો છે. અભિનેતાએ જણાવ્યું કે, આ ફિલ્મના ઈંગ્લિશ ડબિંગ દરમિયાન રણબીર તેની સાથે સ્ટુડિયોમાં હાજર હતો. ઈન્સ્ટા પોસ્ટ જોઈને અનુમાન લગાવી શકાય છે કે, નકુલનો આ વીડિયો તેના ઘરનો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ટીવી પર ‘એનિમલ’નું ઈંગ્લિશ ડબ વર્ઝન ચાલી રહ્યું છે. જેમાં રણબીર કપૂર ઈંગ્લિશમાં ડાયલોગ બોલતો જોવા મળે છે. નકુલનું આ ડબિંગ જોઈને તેની પત્ની જાનકી પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે.
નકુલની પત્ની તેને પૂછે છે કે શું આ તારો અવાજ છે? આ પછી જાનકી આશ્ચર્યચકિત થાય છે અને કહે છે, આ અવાજ તમારો કેવી રીતે હોઈ શકે? વીડિયો જોઈને લાગે છે કે તે વિશ્વાસ નથી કરી શકતી કે આ તેના પતિનો અવાજ છે.
નકુલે જણાવ્યું કે, તેનું રેકોર્ડિંગ ડાર્ક એન્ડ કોલ્ડ ડબિંગ સ્ટુડિયોમાં કરવામાં આવ્યું હતું. સ્ટુડિયોમાં ગરમ પાણીની સાથે હળદર, મધ અને થોડી એક્સ્ટ્રીમ બ્લેક કોફી હતી. તે દરમિયાન તેણે લગભગ 15 દિવસ રણબીર સાથે વિતાવ્યા હતા. આ સાથે તેણે પોતાના અનુભવને ખૂબ જ ખાસ ગણાવ્યો છે.