યુપી વિધાનસભાની 403 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. ભાજપને ફરી એક વખત પ્રચંડ બહુમતી મળતી જોવા મળી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) લખનૌમાં બીજેપી કાર્યાલય પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપ (BJP) કાર્યાલયમાં હોળી જેવો માહોલ જોવા મળ્યો. કાર્યાલયમાં મુખ્યમંત્રી યોગીનું અબીલ-ગુલાલથી સ્વાગત કરવામાં આવ્યું. લખનૌના ભાજપ કાર્યાલયમાં કાર્યકરોએ જોરશોરથી ઉજવણી કરી હતી. આ દરમિયાન યુપી ભાજપના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપ કાર્યાલયમાં મંચ પર આવીને યોગી આદિત્યનાથે વિજયી ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાષ્ટ્રવાદ અને સુશાસનના મુદ્દે જનતાએ ભાજપને જંગી બહુમતી આપી છે. ફરી એકવાર ઉત્તર પ્રદેશની જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરશે.
યોગી આદિત્યનાથે કહ્યું, શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવા માટે હું ચૂંટણી પંચ અને તેની સાથે જોડાયેલા તમામ અધિકારીઓનો આભાર માનું છું. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અમને પ્રચંડ બહુમતી મળી છે. આ માટે હું તેમનો આભારી છું. આ જીત માટે હું ભાજપ અધ્યક્ષ, ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી સહિત તમામ કેન્દ્રીય મંત્રીઓનો આભાર વ્યક્ત કરું છું. ઉત્તર પ્રદેશની જનતાએ ભાજપના સુશાસન મોડલને આશીર્વાદ આપ્યા છે. આ સાથે પરિવારવાદનો ત્યાગ કરવામાં આવ્યો છે.
વિપક્ષ પર નિશાન સાધતા લખનૌ બીજેપી ઓફિસથી સીએમ યોગીએ કહ્યું, જ્યારે અમે કોરોનાના સમયગાળા દરમિયાન જનતા માટે કામ કરી રહ્યા હતા, ત્યારે આ લોકો ભાજપ વિરુદ્ધ કાવતરું કરી રહ્યા હતા, ભાજપ ઇતિહાસ રચવા તરફ આગળ વધી રહી છે. આપણે આપણી સંવેદનાને ઉત્સાહથી જાળવી રાખવાની છે. આપણે સામાન્ય લોકોમાં પોતાને સાબિત કરવાના છે. પીએમ મોદીના માર્ગદર્શનમાં યુપી દેશનું નંબર વન રાજ્ય બનશે. યોગી આદિત્યનાથે પોતાનું વિજય ભાષણ ‘જય શ્રી રામ’ના નારા સાથે સમાપ્ત કર્યું.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુર શહેરની સીટ પર 1 લાખ 2 હજાર મતોના જંગી અંતરથી જીત મેળવી છે. યુપીમાં 1 લાખથી વધુ મતોના માર્જિનથી આ બીજી મોટી જીત છે. આ પહેલા ભાજપના ધારાસભ્ય પંકજ સિંહ ગૌતમ બુદ્ધ નગર જિલ્લાની નોઈડા વિધાનસભા બેઠક પરથી એક લાખ 79 હજાર મતોથી જીત્યા છે. વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ ઉમેદવારની આ સૌથી મોટી જીત છે.
આ પણ વાંચો : UPમાં ફરી ખીલ્યું કમળ: નોઈડા વિધાનસભા બેઠક પર સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના પુત્ર પંકજ સિંહે મેળવી શાનદાર જીત