કેન્દ્ર સરકારે, ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ (Sikhs For Justice) વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે, શીખ ફોર જસ્ટિસ સંસ્થા સાથે ગાઢ સંબંધ ધરાવતા ‘પંજાબ પોલિટિક્સ ટીવી’ની એપ્સ, વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Vidhansabha election) દરમિયાન જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા માટે ઑનલાઇન (Online media) મીડિયાનો ઉપયોગ કરવાનો શીખ ફોર જસ્ટિસ સંસ્થા પ્રયાસ કરી રહી હતી. ત્યારબાદ, મંત્રાલયે ‘પંજાબ પોલિટિક્સ ટીવી’ના ડિજિટલ મીડિયા સંસાધનોને અટકાવવા માટે 18 ફેબ્રુઆરીએ IT નિયમો હેઠળની સત્તાઓનો ઉપયોગ કર્યો.
આ પહેલા 18 ફેબ્રુઆરીએ ‘શીખ ફોર જસ્ટિસ’ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબી સિંહ અને અભિનેતા દીપ સિદ્ધુના મોતને રાજકીય હત્યા ગણાવતો વીડિયો જાહેર કર્યો હતો. વીડિયોમાં તેણે આરોપ લગાવ્યો હતો કે ભારત સરકારે દીપ સિદ્ધુની હત્યા કરાવી છે. આ પછી ગુપ્તચર એજન્સીઓ સક્રીય થઈ હતી. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના ફેસબુક વીડિયો બાદ સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું હતું.
ખેડૂતોના આંદોલન દરમિયાન ‘શીખ ફોર જસ્ટિસ’ના નામની ખૂબ ચર્ચા થઈ હતી. આ સંસ્થાનો પાયો વર્ષ 2007માં અમેરિકામાં નાખવામાં આવ્યો હતો. SFJનો મુખ્ય એજન્ડા પંજાબમાં અલગ ખાલિસ્તાન બનાવવાનો છે. અમેરિકામાં વકીલ અને પંજાબ યુનિવર્સિટીના કાયદાના વિદ્યાર્થી ગુરપતવંત સિંહ પન્નુ આ સંગઠનના મુખ્ય વડા છે. આ સંગઠન છેલ્લા ઘણા દિવસોથી પંજાબના લોકોને ભડકાવવાનું કામ કરી રહ્યું છે. પન્નુએ ગણતંત્ર દિવસ પહેલા જ હિંસાની ધમકી આપી હતી. પન્નુએ કહ્યું હતું કે જો કોઈ હિંસા થશે તો તેની જવાબદારી ભારત સરકારની રહેશે.
પંજાબમાં 117 વિધાનસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા ગત 20 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ ગઈ છે. મતદાન બાદ હવે ચૂંટણીના પરિણામોની રાહ જોવાઈ રહી છે, જે 10 માર્ચે આવવાના છે. મતદાન બાદ દરેક રાજકીય પક્ષો પોતાની જીતના દાવા કરી રહ્યા છે, પરંતુ 2017ની સરખામણીમાં આ વખતે ગત ચૂંટણી કરતાં આઠ ટકા ઓછા મતદાનને કારણે સરકારને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. 2017માં જ્યાં 77.40 ટકા મતદાન થયું હતું, ત્યારે આ વખતે માત્ર 70 ટકા મતદારો જ મતદાન મથકો પર જઈને મતદાન કર્યુ હતુ.
આ પણ વાંચો :
આ પણ વાંચો :