
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં બીએમસી ની ચૂંટણી જાહેર થયા સમયે એક થયેલા શિવસેના (ઉદ્ધવ ઠાકરે ) ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના વડા રાજ ઠાકરે પર નિશાન સાધતા, ગઈકાલ સોમવારે કહ્યું કે 15 જાન્યુઆરીએ યોજાનારી બીએમસી ચૂંટણીઓ આ પિતરાઈ ભાઈઓના અસ્તિત્વ માટેની લડાઈ છે, મરાઠી લોકો માટે નહીં.
મ્યુનિસિપલ ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં ભાજપ-શિવસેના ‘મહાયુતિ’ ગઠબંધનના સમર્થનમાં એક રેલીને સંબોધતા, દેવેન્દ્ર ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું કે, મુંબઈ મહારાષ્ટ્રનો અભિન્ન ભાગ છે અને કોઈ તેને અલગ કરવાની હિંમત કરી શકે નહીં. ચૂંટણી જાહેરસભાઓમાં ફડણવીસની મિમિક્રી કરાતી હોવા અંગે આદિત્ય ઠાકરે માટે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, આદીત્ય કરતા તેના કાકા રાજ ઠાકરે વધુ સારી મિમિક્રી કરે છે.
મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્કમાં યોજાયેલી રેલીમાં, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના જૂના વીડિયો લોકોને બતાવ્યા હતા. જેમાં પોતાના અસ્તિત્વ અને સ્વાર્થ માટે લગભગ 20 વર્ષ પછી હાથ મિલાવનારા બંને ભાઈઓ એક બીજા પર કટાક્ષભરી ટિપ્પણીઓ કરતા દેખાયા હતા. રાજ ઠાકરેની “આ મરાઠી લોકો માટે છેલ્લી ચૂંટણી છે” તેવી ટિપ્પણીનો ઉલ્લેખ કરતા ફડણવીસે કહ્યું, “અહીં મરાઠીઓના નહીં તમારા પોતાનું અસ્તિત્વ જ જોખમમાં છે.”
તેમણે કહ્યું કે આ ચૂંટણી મુંબઈ કે મરાઠી ભાષીઓ માટે જોખમો વિશે નથી, પરંતુ ઠાકરે બ્રધર્સના અસ્તિત્વ માટે છે, બન્ને ઠાકરે બંધુઓ ₹74,000 કરોડના બજેટ સાથે દેશના સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયંત્રણ માટે મહાયુતિ સામે લડી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેના ભૂતપૂર્વ સાથી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં મહાયુતિ મેયર સ્થાપિત કરવા અને પારદર્શક શાસન લાવવાનું વચન આપ્યું હતું. મતોની અપીલ કરતા, તેમણે શહેરને કાયાકલ્પ કરવાનું વચન આપ્યું હતું.
દેવેન્દ્ર ફડણવીસે, મહા વિકાસ આઘાડી (MVA) સરકાર પર રાજ્યમાં હિન્દી ફરજિયાત બનાવવાનો અને ધારાવી પુનઃવિકાસ ટેન્ડર રદ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે સ્પષ્ટતા કરી કે આ કાર્ય હવે અદાણી ગ્રુપ અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી રહ્યું છે, જે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીને આધુનિક ટાઉનશીપમાં પરિવર્તિત કરશે.
ભાષાના મુદ્દા પર, તેમણે ભાર મૂક્યો કે, મહારાષ્ટ્રમાં મરાઠી એકમાત્ર ફરજિયાત ભાષા છે. માળખાગત સુવિધાઓનો ઉલ્લેખ કરતા, તેમણે નવી મુંબઈ એરપોર્ટ પછી ત્રીજા એરપોર્ટના નિર્માણ અને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વિસ્તરણની જાહેરાત કરી.