
NEET-UG 2026 પેપર લીક કૌભાંડની શરૂઆત ખૂબ જ ચોંકાવનારી રીતે થઈ હતી. તપાસમાં બહાર આવ્યું છે કે 1લી મેના રોજ કેરળમાં MBBS કરી રહેલા એક વિદ્યાર્થીએ સીકરમાં રહેતા તેના મિત્રને નીટનું એક ‘ગેસ પેપર’ મોકલ્યું હતું . 2જી મેના રોજ આ પેપર સીકરમાં પીજી (PG) ચલાવતા એક વ્યક્તિ પાસે પહોંચ્યું અને તેણે ત્યાં તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તે વહેંચી દીધું. 3 મેના રોજ જ્યારે અસલી પરીક્ષા લેવાઈ ત્યારે ખબર પડી કે ગેસ પેપરના 150 થી વધુ પ્રશ્નો અસલી પ્રશ્નપત્ર સાથે હૂબહૂ મળતા આવતા હતા .
આ પ્રશ્નો હાથથી લખાયેલા હતા અને તેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી તેમજ બાયોલોજીના 300 થી વધુ પ્રશ્નોનો સમાવેશ થતો હતો. નિષ્ણાતોના મતે, પરીક્ષામાં એકાદ-બે પ્રશ્નો મળતા આવે તે સામાન્ય હોઈ શકે, પરંતુ 150 જેટલા પ્રશ્નો વર્ડ ટુ વર્ડ, કોમા ટુ કોમા, નંબર ટુ નંબર કેવી રીતે સમાન હોઈ શકે,, આવો તો કોઈ સંયોગ ન જ હોઈ શકે.
આ કૌભાંડ માત્ર એક રાજ્ય પૂરતું સીમિત નહોતું, પરંતુ તેનું નેટવર્ક આખા દેશમાં ફેલાયેલું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે નીટનું પેપર નાસિકની એક પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયું હતું. ત્યાંથી આ પેપર હરિયાણા પહોંચ્યું, ત્યારબાદ જયપુર અને સીકર સુધી પહોંચ્યું હતું. સીકરથી આ પેપર જમ્મુ-કાશ્મીર, બિહાર, કેરળ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં ફેલાઈ ગયું હતું.
NEET-UG 2026 પેપરલીક કૌભાંડમાં મોટા પાયે નાણાકીય લેતીદેતી પણ થઈ હતી. પહેલા એવો ખૂલાસો થયો હતો કે ધરપકડ કરાયેલા આરોપી શુભમ ખૈરનારના જણાવ્યા મુજબ, તેણે આ પેપર ટેલિગ્રામ દ્વારા પુણેના એક યુવક પાસેથી 1 લાખ રૂપિયામાં ખરીદ્યું હતું અને ત્યારબાદ હરિયાણાના એક ગ્રાહકને 15 લાખ રૂપિયામાં વેચ્યું હતું. આમ, વિદ્યાર્થીઓના ભવિષ્યની ખુલ્લેઆમ બોલી લગાવવામાં આવી રહી હતી.
જો કે આ મામલે એક બાદ એક ચોંકાવનારા ખૂલાસા થઈ રહ્યા છે. હાલ તપાસમાં સામે આવ્યુ છે કે રાજસ્થાનના બે ભાઈઓએ ગુડગાંવના એક ડૉક્ટર પાસેથી 30 લાખ રૂપિયામાં પેપર ખરીદ્યુ હતુ. નાસિકની પ્રિન્ટીંગ પ્રેસથી શરૂ થયેલો પેપર લીકનો આ ખેલ હરિયાણા અને રાજસ્થાન થઈને સમગ્ર દેશમાં ફેલાયો છે.
એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે (13 May)જણાવ્યુ કે પૂણે પોલીસે NEET પેપર લીક કેસમાં કથિત રીતે સામેલ હોવાના આરોપમાં એક મહિલાની પણ અટકાયત કરી છે. તેને CBI ને સોંપી દેવામાં આવી છે. શહેરના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યુ કે મહિલાની બિબલેવાડીથી અટકાયત કરાઈ છે. તેમણે જણાવ્યુ કે અમે તેની પૂછપરછ કરી અને આગળની તપાસ માટે CBI ને સોંપી દીધી. જો કે તેમણે મહિલાની પેપર લીક કાંડમાં ભૂમિકા અંગે વિગતવાર જાણકારી આપવાનો ઈનકાર કરી દીધો.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA), જે આટલી મોટી પરીક્ષાના આયોજન માટે જવાબદાર છે, તેની કાર્યશૈલી અને પારદર્શિતા પર હવે ગંભીર સવાલો ઉભા થયા છે. શરૂઆતમાં એજન્સીને પેપર લીક અંગે કોઈ જાણ જ નહોતી, પરંતુ જ્યારે ફરિયાદો વધી ત્યારે 7 મેના રોજ તેમણે ગરબડીની અને ધાંધલી થઈ હોવાની વાત સ્વીકારી.
આ કેસની ગંભીરતાને જોતા હવે તેની તપાસ સીબીઆઈ (CBI) ને સોંપવામાં આવી છે. અત્યાર સુધીમાં આ મામલે 16 લોકોની અટકાયત કરવામાં આવી છે. સ્રોતો મુજબ, પેપર લીકની આ ઘટના પહેલીવાર નથી બની. વર્ષ 2024માં પણ નીટ પેપર લીકનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, જેમાં 67 વિદ્યાર્થીઓને 720 માંથી 720 ગુણ મળ્યા હતા અને ઘણા ટોપર્સ એક જ પરીક્ષા કેન્દ્રના હતા. તે કેસની તપાસ પણ CBI કરી રહી છે, પરંતુ હજુ સુધી તેના મુખ્ય માસ્ટરમાઇન્ડ પકડાયા નથી.
CBI એ NEET-UG 2026ની પરીક્ષાના પેપર લીક મામલે મોટી કાર્યવાહી કરતા પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને દેશભરમાં અનેક સ્થળોએ દરોડા કરવામાં આવ્યા છે. આ મુદ્દે શિક્ષણ મંત્રાલયની ફરિયાદ બાદ સંજ્ઞાન લેવામાં આવ્યુ છે. જેમા ષડયંત્ર, ધાંધલી સહિતની અન્ય કલમો સામેલ છે. જયપુર, ગુરુગ્રામ અન નાસિકમાંથી ધરપકડ થઈ છે. તપાસમાં ઈલેક્ટ્રોનિક ડિવાઈસ જપ્ત કરવામાં આવ્યા છે અને ફોરેન્સિક તપાસ શરૂ થે. સાથે જ અન્ય સંદિગ્ધોની તપાસ શરૂ છે.
NEET- UG 2026 પરીક્ષા પેપર લીકના આરોપી શુભમ ખૈરનાર ને બે દિવસના ટ્રાન્જિટ રિમાન્ડ મળી ગયા છે. મુંબઈની કિલા કોર્ટે CBI ને ખૈરનારની તપાસ માટે દિલ્હી લાવવાની મંજૂરી આપી દીધી છે. તેને 14 મે દિલ્હીની CBI કોર્ટમાં રજૂ કરવામાં આવશે. CBI એ કહ્યુ કે આ મામલામાં અન્ય આરોપીઓને શોધવા માટે શુભમની સઘન પૂછપરછની જરૂર છે. જેના આધારે રિમાન્ડ માગવામાં આવ્યા.
ભારતમાં છેલ્લા 7 વર્ષોમાં 70 થી વધુ પરીક્ષાઓના પેપર લીક થઈ ચૂક્યા છે, જે 15 જેટલા રાજ્યોમાં ફેલાયેલા છે, જેમાં ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. પેપર લીક હવે કેટલાક લોકો માટે ‘લીક એન્ડ અર્ન’ મોડેલ બની ગયું છે, જ્યાં હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને દાવ પર લગાવીને પૈસા કમાવવામાં આવે છે. સુરક્ષા એજન્સીઓ આ સોલ્વર ગેંગ અને નેટવર્કને તોડવામાં વારંવાર નિષ્ફળ સાબિત થઈ રહી છે.
પેપર લીકની પુષ્ટિ થયા બાદ એનટીએ (NTA) દ્વારા નીટ પરીક્ષા રદ કરવામાં આવી છે . જે વિદ્યાર્થીઓએ દિવસ-રાત એક કરીને તૈયારી કરી હતી, તેમણે હવે ફરીથી પરીક્ષા આપવી પડશે. જોકે, વિદ્યાર્થીઓએ ફરીથી આવેદન કરવાની કે પરીક્ષા ફી ભરવાની જરૂર રહેશે નહીં. તેમનું પરીક્ષા કેન્દ્ર પણ જૂનું જ રહેશે અને તેમને નવા એડમિટ કાર્ડ જારી કરવામાં આવશે.