મહારાષ્ટ્ર TET પેપર લીક કાંડ: પ્રિન્ટિંગ પ્રેસથી શૂઝમાં છુપાવી ચોરાયુ પેપર; બિહારથી માસ્ટરમાઇન્ડ વિજેન્દ્ર ગુપ્તા ઝબ્બે

મહારાષ્ટ્ર TET પેપર લીક કેસમાં SITને મોટી સફળતા મળી છે. પોલીસે બિહારથી માસ્ટરમાઇન્ડ વિજેન્દ્ર ગુપ્તાની ધરપકડ કરી છે, જેણે શૂઝમાં પેપર છુપાવી ચોરી કરી દોઢ કરોડમાં વેચવાનું આયોજન કર્યું હતું.

મહારાષ્ટ્ર TET પેપર લીક કાંડ: પ્રિન્ટિંગ પ્રેસથી શૂઝમાં છુપાવી ચોરાયુ પેપર; બિહારથી માસ્ટરમાઇન્ડ વિજેન્દ્ર ગુપ્તા ઝબ્બે
Image Credit source: Bhiwandi Police and ANI
| Updated on: Jul 25, 2026 | 9:30 PM

વિજેન્દ્ર કુમાર ગુપ્તાએ પોતાના સાથી સોનૂ સાથે મળીને પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારીઓને પૈસા અને પ્રોપર્ટીની લાલચ આપીને પેપર મેળવ્યું હતું. પેપરને શૂઝ (બૂટ)માં છુપાવીને પ્રિન્ટિંગ પ્રેસમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. ખુલાસો થયો છે કે આ પેપર આઠ હજાર રૂપિયામાં મળ્યું હતું અને ભિવંડી તેમજ મહારાષ્ટ્રના પુણેમાં વેચવામાં આવ્યું હતું. પેપર આશરે દોઢ કરોડ રૂપિયામાં વેચાયા હોવાની બાબત પણ સામે આવી છે. પરંતુ ભિવંડી પોલીસે ગ્રાહક બનીને ભિવંડીમાં TET પેપર વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આ પહેલાં 12 આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

આરોપીને ભિવંડી લાવશે પોલીસ

ભિવંડી પોલીસ બિહારથી વિજેન્દ્ર કુમાર ગુપ્તાની ધરપકડ કરીને પુણેથી ટૂંક સમયમાં જ ભિવંડી લાવવામાં આવશે. મહારાષ્ટ્ર TET પેપર લીકમાં કપિલ દહિયા સહિત વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હવે કુલ ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા સાત થઈ ગઈ છે. મહારાષ્ટ્ર TET પેપર લીક કેસની તપાસ કરી રહેલી SITએ ગુરુવારે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં વોન્ટેડ આરોપી કપિલ દહિયા પણ સામેલ છે, જેના પર ભિવંડીના કોનગાંવ વિસ્તારમાં લીક થયેલા પેપરના ખરીદદારો શોધવાનો આરોપ છે. આ ધરપકડો સાથે કેસમાં અત્યાર સુધી ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા સાત થઈ ગઈ છે.

કપિલ દહિયા પંજાબથી ઝડપાયો

તપાસ કરતી SIT સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી કે કપિલ દહિયા પહેલેથી જ ફરાર હતો, જેની સામે લૂકઆઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરવામાં આવ્યો હતો. તેને પંજાબના પઠાણકોટથી ઝડપી લેવામાં આવ્યો છે. તો બીજી તરફ મુખ્ય આરોપીને ફરાર થવામાં મદદ કરવાના આરોપમાં અન્ય બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે મુખ્ય આરોપી વિજેન્દ્ર ગુપ્તાને ફરાર રહેવામાં મદદ કરવાના આરોપસર સોનૂ સિંહ અને મિથુન સિંહની પણ ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બિહારના હાજીપુરનો નિવાસી સોનૂ સિંહ લોકલ માર્કેટમાં ફોટોકોપી (ઝેરોક્ષ)ની દુકાન ચલાવે છે. આરોપ છે કે વિજેન્દ્ર ગુપ્તાના કહેવાથી તેણે બોગસ ઓળખપત્રો તૈયાર કર્યા, લીક થયેલા પેપર પ્રિન્ટ કર્યા અને પોતાની દુકાનમાંથી તેની ઘણી નકલો કાઢી હતી.

પોલીસે સોનૂ પાસેથી વિજેન્દ્ર ગુપ્તાના બોગસ ઓળખપત્રો પણ રિકવર કર્યા છે. તેની દુકાનેથી જ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અનુસાર, મિથુન સિંહ વિજેન્દ્ર ગુપ્તાનો સાળો થાય છે. આરોપ છે કે તે પણ આ ષડયંત્રનો ભાગ હતો અને કપિલ દહિયા સાથે પુણે જઈને TETના લીક પેપરના સંભવિત ખરીદદારોની તલાશ કરી રહ્યો હતો. તેની પટનાથી ધરપકડ કરવામાં આવી છે.

9 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં આરોપી

કપિલ દહિયા, મિથુન સિંહ અને સોનૂ સિંહને ગુરુવારે ભિવંડી લાવવામાં આવ્યા, કોર્ટમાં રજૂ કરાયા અને 9 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. જણાવી દઈએ કે આ પહેલાં પણ ચાર આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. અગાઉ પોલીસે પટનાથી વિજેન્દ્ર ગુપ્તાની પત્ની સુમન કુમારીની ધરપકડ કરી હતી. જ્યારે ધીરજ સિંહ, આકાશ કુમાર અને રાજીવ કુમારની 27 જૂને કોનગાંવમાં કથિત રીતે લીક થયેલું TET પ્રશ્નપત્ર વેચવા આવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેય આરોપીઓ 6 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં છે.

પોલીસના જણાવ્યા અનુસાર, વિજેન્દ્ર ગુપ્તાનો નજીકનો સાથી કપિલ દહિયા, ધીરજ સિંહ સાથે કોનગાંવમાં પેપરના ખરીદદાર શોધવા આવ્યો હતો. જોકે ધરપકડના એક દિવસ પહેલાં તે પુણે જતો રહ્યો હતો. ધીરજ, આકાશ અને રાજીવની ધરપકડની જાણ થયા બાદ તેણે કથિત રીતે દિલ્હીની ફ્લાઇટ લીધી અને ત્યારબાદ અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો.

પત્ની પર પણ ફરાર થવામાં મદદ કરવાનો આરોપ

પોલીસનો આરોપ છે કે સુમન કુમારીએ એક એપ આધારિત મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા પોતાના ફરાર પતિ સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો અને તપાસમાં સહયોગ આપ્યો ન હતો. તપાસ અધિકારીના જણાવ્યા મુજબ, સુમન કુમારીને પેપર લીકની જાણકારી ત્યારે થઈ જ્યારે તેણે વિજેન્દ્ર ગુપ્તાને ફોન પર પોતાના એક સાથી સાથે આ રેકેટ વિશે વાત કરતો સાંભળ્યો હતો.

આવી રીતે થયો પેપર લીકનો પર્દાફાશ

પોલીસને મળેલી ગુપ્ત બાતમી બાદ ભિવંડીના DCP પવન બંસોડેએ એક ગુપ્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન એક પોલીસ ઇન્સ્પેક્ટરે સંભવિત ખરીદદાર બનીને આરોપીઓનો સંપર્ક કર્યો. જ્યારે આરોપીઓને લાગ્યું કે તેમને ગ્રાહક મળી ગયો છે, ત્યારે તેમણે વિજેન્દ્ર ગુપ્તાનો સંપર્ક કર્યો. ત્યારબાદ ગુપ્તાએ રાજીવ કુમાર અને આકાશ કુમારને લીક થયેલા પેપરના ચાર સેટ મોકલ્યા હતા. પોલીસે કોનગાંવની એક હોટેલમાં જાળ બીછાવીને ધીરજ સિંહ, આકાશ કુમાર અને રાજીવ કુમારને પેપર વેચવાનો પ્રયાસ કરતી વખતે જ રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસના જણાવ્યા મુજબ, ષડયંત્રમાં સામેલ કપિલ દહિયા તે સમયે બીજા ખરીદદારની શોધમાં પુણે જતો રહ્યો હતો. તપાસમાં વિજેન્દ્ર ગુપ્તાનો ક્રિમિનલ રેકોર્ડ પણ સામે આવ્યો છે.

IANSના અહેવાલ અનુસાર

પોલીસના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર TET પેપર લીકનો માસ્ટરમાઇન્ડ વિજેન્દ્ર ગુપ્તા અગાઉ પણ ઘણા રાજ્યોમાં પેપર લીકના કેસોમાં સામેલ રહ્યો છે અને એક હત્યાના કેસમાં પણ પકડાઈ ચૂક્યો છે. પોલીસનું કહેવું છે કે વિજેન્દ્ર ગુપ્તા ઘણી વખત ગિરફ્તાર થયો હતો, પરંતુ દર વખતે જામીન મળ્યા બાદ ફરાર થઈ જતો હતો અને નવી ઓળખ સાથે અન્ય કોઈ રાજ્યમાં સક્રિય થઈ જતો હતો.

તમારા ઘરનું ROનું પાણી તમને બીમાર તો નથી બનાવી રહ્યું? જાણો પાણી શુદ્ધ કરવાની સાચી રીત અને એક્સપર્ટની સલાહ

Follow Us