
ઘણીવાર, જ્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ આવે છે, ત્યારે દરેક બાળક નાપાસ થવાના વિચારથી ડરે છે. જો તેને ઓછા માર્ક્સ મળશે, તો તે તેના માતાપિતાને કે શિક્ષકનો સામનો કેવી રીતે કરશે અને પડોશીઓ, મિત્રો તેમજ સંબંધીઓ તેને મ્હેણા ટોણા મારશે એ તો પાછા અલગ. આથી જ બોર્ડનુ પરિણામ હોય છે ત્યારે ઓછા માર્ક્સ મળશે, નાપાસ થશે એવો ખૂબ ડર વિદ્યાર્થીને હોય છે. આવી સ્થિતિમાં, મોટા ભાગે, જો કોઈ બાળક ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં નાપાસ થાય છે, તો તેને ચોક્કસપણે ઘરે થોડા ઘણા ઠપકાનો સામનો કરવો પડતો હોય છે.
તમે અગાઉ એવુ ઘણીવાર સાંભળ્યું હશે કે, બોર્ડની પરિક્ષામાં નાપાસ થનારા માતા-પિતાએ બાળકને ઠપકો આપ્યો, કેટલીક પાબંદીઓ લાદી કે માર માર્યો. પરંતુ કર્ણાટકમાં આનાથી સાવ ઉલટો જ કિસ્સો બન્યો છે. ધોરણ 10 બોર્ડની પરિક્ષામાં નાપાસ થયેલા એક બાળકના પરિવારે એવું કંઈક કર્યું જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો અને નાપાસ થતા વિદ્યાર્થીઓના માતા પિતાને આમાથી બોધપાઠ લેવા માટે કહેવામાં આવી રહ્યું છે.
કર્ણાટકના બાગલકોટમાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો. જેમાં, 10મા બોર્ડની પરીક્ષામાં બધા વિષયોમાં નાપાસ થવા છતાં, એક છોકરાના માતા-પિતાએ તેને ઠપકો આપવાનું તો દૂર, તેની નાપાસ થવા પર પાર્ટી આપી હતી. મીડિયા અહેવાલ મુજબ, એક ખાનગી શાળામાં અભ્યાસ કરતા અભિષેક નામના આ છોકરાએ ધોરણ 10મા, બોર્ડની પરીક્ષામાં 625 માંથી ફક્ત 200 ગુણ મેળવ્યા હતા. આ વિદ્યાર્થી એક પણ વિષય પાસ કરી શક્યો નહીં અને તેની પરીક્ષામાં ફક્ત 32 ટકા માર્ક્સ મેળવ્યા.
આ માટે તેને ઠપકો આપવાને બદલે, પરિવારના સભ્યોએ કેક અને મીઠાઈઓ મંગાવી અને ઘરે એક નાની પાર્ટી યોજી. તેઓએ કહ્યું કે અભિષેકે ખૂબ જ મહેનત કરી છે અને પેપર પણ પ્રામાણિકપણે આપ્યું છે. તેથી, તેઓ તેની મહેનત અને પ્રયત્નોની પ્રશંસા કરવા માંગતા હતા, અને પરિણામથી નિરાશ થયા પછી તેને ઠપકો આપવા માંગતા ન હતા.
VIDEO | Karnataka: Parents celebrate their son after he fails in Class 10 exam by cutting a cake to boost his morale in Bagalkote. He got 200 marks out of 600, which is 32 percent, below the passing marks. #Karnataka #Bagalkote pic.twitter.com/YJzSBm3Gvq
— Press Trust of India (@PTI_News) May 5, 2025
અભિષેકના પિતાએ કહ્યું, ‘અમે ઇચ્છતા હતા કે તે નાપાસ થવા છતા નિરાશ ના થાય, પરંતુ આગામી વર્ષે તે આનાથી પણ વધુ સારું કરે.’ માતા પિતાએ સરપ્રાઈઝ ગીફ્ટ પાર્ટીને લઈને અભિષેકનું મનોબળ વધ્યું અને તેણે વચન આપ્યું કે, ‘આવતા વર્ષે હું બધા વિષયોમાં પાસ થશે.’