
2024 UPSC પરીક્ષામાં ટોપ 10માં ગુજરાતની 2 દીકરીઓએ મેદાન ગજાવ્યું છે. હર્ષિતા શાહે ઓલ ઓવર ઈન્ડિયા રેંકમાં બીજો ક્રમ મેળવ્યો છે, જ્યારે માર્ગી શાહે ચોથો ક્રમ મેળવ્યો છે. આ ઉપરાંત ગુજરાતના સ્મિત પંચાલે પોતાની ગૂંજ વગાડી છે. સ્મિત પંચાલે ઓલ ઓવર ઈન્ડિયામાં 30મો ક્રમ મેળવ્યો છે. ગુજરાતના આ ગૌરવપૂર્ણ સમાચારથી SPIPAના મેન્ટરે જણાવ્યું કે, લગભગ દશકા પછી આપણને આવું પરિણામ જોવા મળ્યું છે. આ પહેલા વર્ષ 2015માં જ આવો અવસર બન્યો હતો અને ત્યારે ગુજરાતને ચાર IAS મળ્યા હતા. ગુજરાત માટે ગૌરવશાળી વાત એ છે કે, આ વખતે ગુજરાતના 26 વિદ્યાર્થીઓ UPSC માં પાસ થયા છે.
આ સિવાય ટોપર હર્ષિતા શાહે UPSCની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને કહ્યું કે, પોતાના પર ભરોસો રાખવો અને દરેક સમસ્યાનો સામનો કરવો. ખાસ કરીને UPSCમાં ઘણા ઉતાર ચઢાવ આવે છે એવામાં વિદ્યાર્થીઓએ હિંમત ન હારવી અને પોતાની મહેનતથી આગળ વધવું. UPSC પરીક્ષામાં કન્સિસ્ટન્સી મહત્વની છે. તદુપરાંત સોશિયલ મીડિયાથી દૂરી બનાવવાને બદલે તેનો સદુપયોગ કર્યો અને ઇન્સ્ટાગ્રામ પર UPSCને લગતા પેજ ફોલો કરીને માહિતી મેળવો અને મહેનત કરો. બીજું કે, પરિવાર અને ભગવાન પર વિશ્વાસ રાખી મહેનત કરતા રહેવું જોઈએ.
હર્ષિતાએ જણાવ્યું કે, તેણે બી કૉમ કરી CA ક્લિયર કર્યું હતું. જો કે, મારા પપ્પાનું સપનું હતું કે હું UPSC ક્લિયર કરું અને એ આજે મે કરી કાઢ્યું. મમ્મી 10 વર્ષ પહેલા મૃત્યુ પામી ગયા હતા પણ આજે તેઓ મને ઉપરથી જોઈ રહ્યા હશે અને ખુશ થયા હશે. ગર્વ છે કે મારા પરિવારનું નામ રોશન થયું. હર્ષિતાએ વધુમાં કહ્યું કે, પરિવાર સાથે લબાસના જવાની ઈચ્છા છે અને IAS બન્યા બાદ મહિલા અને બાળકો પર કામ કરવું છે. જણાવી દઈએ કે, UPSCમાં હર્ષિતાનો મુખ્ય વિષય પોલિટિકલ સાયન્સ હતો.
બીજી બાજુ, પાટણના અંકિત વાણિયાએ પણ પોતાની છાપ છોડી છે અને 2024 UPSCમાં 607મો ક્રમ હાંસિલ કર્યો છે. જણાવી દઈએ કે, અંકિત વાણિયા પહેલા સરકારી કર્મચારી હતા. તેઓ ગુજરાત સરકારમાં વર્ગ 3 અધિકારીની નોકરી હતા. જો કે, અંકિતે UPSCની તૈયારી કરવા માટે સરકારી નોકરી છોડી દીધી હતી. અંકિત છેલ્લા 4 વર્ષથી UPSCની તૈયારીમાં લાગેલા હતા. અંકિતના પિતા એલઆઈસીમાં ક્લાર્ક હતા અને અંકિતની માતા રમકડાંની લારી ચલાવતી હતી.
With Input: Narendra Rathod & Ronak Verma