દેશમાં ચોમાસાની શરૂઆત થતા જ મોંઘવારી વધી છે. લીલા શાકભાજીથી (Vegetables Price) લઈને તમામ ખાદ્ય ચીજ વસ્તુઓ મોંઘી થઈ છે. કેપ્સિકમ, ટામેટા, કારેલા, આદુ, લસણ અને પરવલ સહિત લગભગ તમામ શાકભાજીના ભાવ આસમાને છે. તેમાં પણ ટામેટા (Tomato Price), કેપ્સીકમ અને કોથમીરના ભાવમાં સૌથી વધુ વધારો થયો છે. પરંતુ હવે લોકોને મોંઘવારીની ચિંતા કરવાની જરૂર નથી.
લોકો આ શાકભાજી ઘરની અગાસી કે બાલ્કનીમાં ઉગાડી શકે છે. તેનાથી દર મહિને હજારો રૂપિયાની બચત થશે. બજારમાં ટામેટા 100 થી 150 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે. ઘણી જગ્યાએ તેનો ભાવ 200 સુધી પણ છે. જો કોઈ પરિવાર મહિનામાં 5 કિલો ટામેટા પણ ખરીદે તો તેના માટે 500 થી 750 રૂપિયા ખર્ચવા પડશે. તેવી જ રીતે કોથમીર પણ 250 થી 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. જો કોઈ પરિવાર મહિનામાં 2 કિલો ધાણા ખરીદે તો 500 રૂપિયા ધાણા પાછળ જ ખર્ચાઈ જાય છે.
કેપ્સીકમ પણ મોંઘા છે અને તેનો ભાવ 150 થી 200 રૂપિયા પ્રતિ કિલો છે. ઘણા પરિવારો એક મહિનામાં કેપ્સિકમ પર 1000 રૂપિયાથી વધુ ખર્ચ કરી રહ્યા છે. પરંતુ જો આ શાકભાજી ઘરની છત પર ઉગાડવામાં આવે તો તમે દર મહિને હજારો રૂપિયા બચાવી શકાય છે. શહેરી વિસ્તારમાં ઘણા લોકો ઘરની છત પર અને બાલ્કનીમાં શાકભાજીની ખેતી કરે છે.
ઘરની છત પર તમે કેપ્સીકમ ઉગાડી શકો છો. આ માટે તમારે કેટલાક કુંડા ખરીદવા પડશે. તેમાં માટી ભર્યા પછી, તમે કેપ્સિકમના છોડની રોપણી કરી શકો છો. સમયાંતરે તેમાં ખાતર અને પાણી આપતા રહો. રોપણી પછી 70 થી 75 દિવસમાં પાક તૈયાર થઈ જાય છે. કેપ્સીકમ માટે જૂન અને જુલાઇના મહિનાઓ વધુ સારા માનવામાં આવે છે. જો તમે કેપ્સીકમના 10 છોડ રોપશો તો 70 દિવસ બાદ દરરોજ અંદજીત 1 કિલો જેટલું ઉત્પાદન થશે.
આ પણ વાંચો : Rice Production: ચોખાનું થઈ શકે છે બમ્પર ઉત્પાદન, સામાન્ય લોકોને મળશે ભાવ વધારાથી રાહત?
તમે બાલ્કની અથવા ઘરની છત પર ધાણા પણ ઉગાડી શકો છો. ધાણા એક જ મહિનામાં તૈયાર થાય છે. છોડની રોપણી કર્યા બાદ 25 દિવસ પછી તમે લીલા ધાણા તોડી શકો છો. ધાણા વાવતા પહેલા તમારે ગાયનું છાણ અને જૈવિક ખાતર મિશ્રિત માટી કુંડામાં નાખવી, તેથી સારી ઉપજ મળે છે.
આવી રીતે તમે ટામેટાના છોડ પણ રોપી શકો છો. આ માટે તમારે 10 થી 15 કુંડા ખરીદવા પડશે. તેમાં માટી સાથે વર્મી કમ્પોસ્ટ અને ઓર્ગેનિક ખાતર નાખો. ટામેટાના ફળો રોપ્યાના 2 મહિના પછી આવવાનું શરૂ થશે.